ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ભેજ અને ઠંડક પ્રસરી જવા પામી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી કરી છે. પડેલા સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને રસ્તા પણ તૂટયાની માહિતી મળી રહી છે. આ લખાય છે ત્યારે પણ શહેરના કેટલાંક વિસ્તારોમાં હજુ પાણી રસ્તા ઉપર જાવા મળી રહ્યા છે. તો કેટલેક ઠેકાણે ગટરના પાણી બેક મારતા હોવાના પણ સમાચાર છે. દક્ષિણ ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા તથા કમોસમી વરસાદ પડતા કેરી, જીરૂ તથા ચીકુના પાકને નુકશાન થયુ છે. રાજ્યના કેટલાંક ભાગોમાં કરા સાથે વરસાદ પડ્યાના અહેવાલ મળી રહ્યા છે.
વાદળછાયુ વાતાવરણ અને ભેજના કારણે તૈયાર જીરૂના પાક ખતમ થઈ ગયો છે. કમોસમી વરસાદને કારણે જીરૂ, વરિયાળી, ઘઉ, કપાસ તથા કેરીના પાકને નુકશાન થવાના સમાચાર છે. હવામાન ખાતાની આગાહી અનુસાર હજુ 12 કલાક રાજ્યમાં માવઠાની અસર રહેશે. છેલ્લાં ઘણાં સમયથી હવામાન વિભાગની આગાહી હવી સચોટ રીતે સાચી પડવા લાગી છે. તેથી ખેડૂતો અને વેપારીઓ તેને ગંભીરતાથી લઈ રહ્યાં છે. દક્ષિણ-પક્ષિમ રાજસ્થાન પર સર્જાયેલી પરિણામ સ્વરૂપે આ વરસાદ થયો છે. એસોસિએટ સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પ્રવર્ત રહી છે.
સુરતમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થયો હતો. રસ્તાઓ પર પાણી ભરાયા છે. અને ગટરોના પાણી બેક મારી રહ્યા હોવાને કારણે વાયરસજન્ય રોગચાળો ફેલાવાની લોકો ભીતિ સેવી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ તથા કાતિલ ઠંડીને કારણે ખેડૂતો ભારે ચિંતીત થયા છે.
અંબાજી, અરવલ્લી જીલ્લા, બનાસકાંઠા, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદના ગાળામાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થઈ શકે છે.