ગાંધીનગર, 8 ડિસેમ્બર 2020
ગુજરાતમાં સરેરાશ 40 હજાર હેક્ટર વાવેતરની સામે 43 હજાર હેક્ટરમાં ડિસેમ્બર 2020માં ડુંગળીનું વિક્રમી વાવેતર થયું છે. ગયા વર્ષે આ સમયે વાવેતર થયું તેના કરતાં 100 ટકા વધું હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે. બેથી 3 વખત ઘણાં વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ઘરૂં નાશ પામ્યા હોવા છતાં સારું વાવેતર થયું છે.
સૌથી વધું વાવેતર ભાવનગરમાં 15800 હેક્ટરમાં થયું છે ત્યાર બાદ રાજકોટમાં 8200, અમરેલીમાં 5400 અને ગીરસોમનાથમાં 4800 હેક્ટરમાં વાવેતર થયા છે. રાજ્યના 43 હજાર હેક્ટર સામે સૌરાષ્ટ્રમાં 41000 હેક્ટર ડુંગળી ઊભી છે.
ગુજરાતમાં પીળી, લાલ, ગુલાબી અને સફેદ જાતની ડુંગળી થાય છે. જેમાં પીળી પત્તીની ડુંગળી ગુજરાતની અસલી જાત છે. મહુવાની સફેદ જાત પણ સ્થાનિક છે. પણ ગયા વર્ષે જૂનાગઢના કૃષિ વિશ્વ વિદ્યાલયના જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્રના વિજ્ઞાનીઓ દ્વારા તાજેતરમાં વિજ્ઞાનીઓએ સફેદ ડુંગળી અને તેના આગલા વર્ષે લાલ ડુંગળીની વધું ઉત્પાદન આપતી જાતો શોધી છે.
સફેદ જાત – ગુજરાત જૂનાગઢ સફેદ ડુંગળી – 3 નવી છે. હેક્ટરે સરેરાશ ઉત્પાદન 398.06 ક્વિન્ટલ છે. પી. ડબલ્યુ એફ 131 કરતાં 20.8 ટકા વધું ઉત્પાદન આપે છે. પાવડર બનાવવામાં 13.15 ટકા ઘન દ્રવ્ય જોવા મળે છે.
કંદ 60થી 65 ગ્રામનું 3 સે.મી.થી 4.5 સેમી છે. ઘેરાવો 4 સેન્ટીમીટર છે. 1.5 ટકા મોગરો નિકળે છે. જાંબલી ધાબાનો રોગ તથા થ્રીપ્સનો ઉપદ્રવ પી.ડબલ્યુ એફ 131, ગુજરાત સફેદ ડુંગળી – 1 તથા ગુજરાત સફેદ ડુંગળી 2 જાત કરતાં ઓછો છે.
લાલ ડુંગળી
‘ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-11’ બહાર પાડવામાં આવી છે, જે 21 ટકા વધારે ઉત્પાદન આપે છે. બીજી ડુંગળી કરતાં તેની તીખાશ એકદમ ઓછી જોવા મળે છે.
320થી 325 ક્વિન્ટલ ઉત્પાદન મળે છે, જે એગ્રી ફાઉન્ડ લાઇટ રેડ, પીળીપત્તી તથા તળાજા લાલ જાત કરતા અનુક્રમે 21.57, 18.71 તથા 15.41 ટકા વધારે છે.
કાંદાની સરેરાશ લંબાઈ 3.3થી 4 સેમી અને ઘેરાવો 4 થી 5 સે.મી. છે. કાંદાનું સરેરાશ વજન 50થી 60 ગ્રામ અને મધ્યમ લાલ રંગ છે. મોગરા (બોલ્ટિંગ)નું પ્રમાણ 2 થી 3 ટકા અને બેત્તાની સંખ્યા (જોઈન્ટડ બલબ) 2થી 4 ટકા જોવા મળે છે.
જાંબલી ધાબાનો રોગ તથા થ્રીપ્સનો ઉપદ્રવ એગ્રીફાઉન્ડ લાઇટ રેડ, પીળીપત્તી તથા તળાજા લાલ જાત કરતા ઓછો જોવા મળેલ છે. એગ્રીફાઉન્ડ લાઇટ રેડ તથા તળાજા લાલ જાત કરતા ઓછી તીખી છે.
ડુંગળીના વાવેતરમાં ગુજરાતના ખેડૂતો પાછળના દરેક વર્ષનો રેકોર્ડ તોડતા રહ્યાં છે. 1995-6માં 18600 હેક્ટરમાં 444300 ટન ડુંગળી પેદા કરી હતી. જે સરેરાશ હેક્ટરે 23826 કિલો હતી. 2001માં 6400 હેક્ટરમાં 131200 ટન પેદા કરી હતી. હેક્ટરે માંડ 20 ટન થઈ હતી. 2010-11માં 65200 હેક્ટરમાં વાવેતર હતા. 2019-20માં 46020 હેક્ટરમાં 1306840 ટન ડુંગળી થવાની ધારણા કૃષિ વિભાગે બાંધી હતી. જે વધું પડતી હતી. ઉત્પાદકતાના અંદાજો 28398 કિલો હેક્ટરે અંદાજેલા હોવાથી ખેડૂતોનો માલ વેપારીઓએ સસ્તામાં પડાવી લીધો હતો. આમ કૃષિ વિભાગના અધિકારીઓ દર વર્ષે વધુ વાવેતર અને વધુ ઉત્પાદનના અંદાજો મૂકીને ખેડૂતોને ઓછો ભાવ મળે એવી ચાલ ચાલતાં રહ્યાં છે.