મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેઇસબૂકના માધ્યમથી સંબોધન કરતાં વિશ્વવ્યાપી મહામારી કોરોના-કોવિડ-19 સામે સૌ સાથે મળીને વિજયી થઇશું એવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
વિશ્વમાં વસતા ગુજરાતી ભાઇઓ-બહેનોને વિશ્વાસ આપ્યો કે, તમારા સગા-વ્હાલા, સ્વજનો અને સાડા છ કરોડ ગુજરાતીઓની ચિંતા ગુજરાતની સરકાર કરી રહી છે. તમારે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
વિશ્વમાં અમેરિકા, ન્યુયોર્ક, ન્યુજર્સી, એલ.એ, સાથે-સાથે બ્રિટનમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે ત્યારે તમે બધા પોતાનું ધ્યાન રાખજો અને જ્યાં છો ત્યાં પોતાના ઘરમાં જ રહેજો. શરીર સ્વસ્થ રહે, મન પ્રફૂલ્લિત રહે તે માટે વિશેષ પ્રયાસો પણ કરવા પડશે. આનો પણ ઉત્તર આપણી ભારતીય પરંપરામાં જ છે. યોગાસન, કસરતો અને પ્રણાયમથી માંડીને અનેક વસ્તુ આપણા શરીરને ખૂબ મજબૂત બનાવે છે.
ધ્યાન કરવાથી પણ એક પોઝિટિવિટી અને વિચારોની સાથે સાથે મન પણ ખુબ પ્રફૂલ્લિત રહે છે. જો આપણે રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો કરી દઇશું તો કોરોના સામેની મોટી જીત મળશે. આનો જવાબ પણ આપણા આયુર્વેદમાં છે. ગરમ પાણી પીવું, ગરમ પાણીના કોગળા કરવા, હળદરવાળું પાણી પીવું, હળદરવાળું દૂઘ પીવું આવા અનેક સમાધાનો અને ઘરગથ્થુ ઇલાજો આપણી પાસે પડેલા છે તેનો પણ વ્યાપક ઉપયોગ કરશો તેવી અપિલ તેમને કરી હતી.
ગુજરાત સલામત છે. સાડા છ કરોડ ગુજરાતીઓ અને વિશ્વમાં વસતા ગુજરાતીઓ સૌએ સાથે મળીને આ કોરોનાનો સામનો કરીશું અને વિજયના વિશ્વાસ સાથે આગળ વધીશું.