ડ્રાઈવ-ઈન રોડ પર સનરાઈઝ પાર્કમાં રહેતા અને નરોડામાં ભાગીદારીમાં કેમીકલ ફેક્ટરી ધરાવતા દ્વારકાપ્રસાદ બજાજ (ઉં.વ.૭૪) છેલ્લાં ૩૦ વર્ષથી બેંક ઓફ બરોડા નરોડા જીઆઈડીસી બ્રાંચમાં કેશ ક્રેડિટ એકાઉન્ટ ધરાવે છે. જેમાં તેમના વોડાફોનના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફતે તેઓ ફેક્ટરી માટે નેટબેંકિંગનો ઉપયોગ કરતા હતા. ૨૮ ફેબ્રુઆરીના રોજ કંપનીના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.૧.૩૭ કરોડ ઉપાડી લેવાયા છે. સાઈબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ થઈ છે.
વેપારીનું ડુપ્લીકેટ સીમકાર્ડ કઢાવ્યું અને તેમાંથી બેંકની તમામ ડિટેઇલ મેળવી લીધી હતી. ત્યારબાદ ગઠિયાએ ૨૧ર જેટલા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. નવું સીમકાર્ડ હોવાથી તમામ ઓટીપી તેને મળી જતાં અલગ અલગ જગ્યાએથી પૈસા ઉપાડી લીધા હતા.
આ અંગે દ્વારકાપ્રસાદ અને તેમના ભાગીદાર કરશનભાઈ પટેલે બેંક ઓફ બરોડાની શાખામાં જઈ બેંક એકાઉન્ટ સીઝ કરાવ્યા હતા. આ ઘટના બાદ તેમણે તપાસ કરતા. જાણવા મળ્યું હતું કે, ગઠિયાએ નવું સીમકાર્ડ બનાવડાવ્યું હોવાથી તેમનો ફોન બંધ થઈ ગયો હતો. તેઓ અમદાવાદથી જયપુર ગયા તે સમયગાળામાં જ ગઠિયાએ ઓનલાઇન પૈસા ઉપાડી લીધા હતા.
ગઠિયાએ નવું સીમકાર્ડ મેળવી લીધું હોવાથી તેમને ઓટીપી નંબર પણ મળતો નહોતો. આ અંગે દ્વારકાપ્રસાદે સાયબર ક્રાઈમમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. પૈસા ઉપડી ગયા હોવા છતાં તેમને એકપણ મેસેજ ન મળતા તેમને શંકા ગઈ હતી. આથી બેંક એકાઉન્ટ સીઝ કરાવ્યા બાદ દ્વારકાપ્રસાદ તેમના ભાગીદાર સાથે પોતાનો મોબાઇલ બંધ થવા અંગે સ્ટેડિયમ છ રસ્તા પાસે આવેલા વોડોફોન સ્ટોરમાં તપાસ કરવા ગયા હતા. તપાસ કરતા તેમને જાણ થઈ હતી કે,
તા.૨૮ ફેબ્રુઆરીએ પાલડી કોઠાવાલા ફ્લેટની સામે વોડોફોન સ્ટોરમાં કોઈ અજાણી વ્યક્તિએ તેમના નામના ખોટાં ડોક્યુમેન્ટ રજૂ કરી દ્વારકાપ્રસાદના નંબરવાળુ સીમકાર્ડ ખરીદયુ હતું, જેમાં બેંકમાંથી પૈસા ઉપાડવા માટે ઓટીપી આવતા હતા. આમ અજાણી વ્યક્તિએ સીમકાર્ડ લઈ બેંક એકાઉન્ટોના યૂઝર આઈડી અને પાસવર્ડ મેળવી ઈન્ટરનેટ બેંકિંગ વડે દિલ્હી કોલકતા વગેરે શહેરની જુદી જુદી બેંકોમાં ૨૧ ટ્રાન્ઝેક્શનો કરી કુલ રૂ. ૧,૩૭,૧૦,૦૨૫.૯૬ ઉપાડી લઈ છેતરપીંડી આચરી હતી.