રૂપાણીના 25 ગણા મોતના આંકડા, મોતના સાચા આંકડા માટે કોંગ્રેસ મૃત્યનો સરવે કરી સહાય અપાવશે

ગાંધીનગર, 10 મે 2021
ગુજરાતની વડી અદાલતે સરકારને ટકોર કરી છે કે સરકાર આંકડાઓ છુપાવે છે. એવા સંજોગોમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા તમામ મૃતકના પરિવારોને સરકારની રૂપિયા 4 લાખની સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પણ મૃતક પરિવારો છે, એમની માહિતી મેળવવામાં આવશે. એ માહિતી એકત્રીત કરીને સરકારને સુપ્રત કરવામાં આવશે. જેથી કરીને આ પરિવારનો સહાય ઝડપથી સરળતાથી મળી શકે.

માહિતી મેળવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુગલ ફોર્મના સ્વરૂપમાં લોકોને ઘેરઘેર સુધી આ ફોર્મ મોકલવામાં આવશે. જે તે મૃતકના પરિવાર દ્વારા એની સંપૂર્ણ વિગત ભરીને અમને મળશે એ તમામ લોકો વતી અમે સરકારમાં રજુઆત કરીશુ. પણ કોંગ્રેસના કાર્યકરો ગામ દીઠ મોતના આંકડાઓ મેળવશે કે કેમ તે તેના પરથી સ્પષ્ટ થતું નથી.

4 લાખની સહાય આપો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી ખુબ ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહી છે. પરિસ્થિતિ બેકાબુ છે. કોરોના મહામારીને આજે 13 મહિનાનો સમય વ્યતીત થયો ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં આજે ભય, અંધાધૂધી અને આરજકતાનો માહોલ છે.
અમે સરકારને ફરી વિનંતી કરીએ છીએ કે, કોરોનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય ચુકવવાની તાત્કાલીક જાહેરાત કરવામાં આવે.

નિષ્ઠુર સરકાર લોકોના મોત સાથે રમત
એના માટે કોંગ્રેસનો કાર્યકર આ મૃતકપરિવારોની સાથે રહી સરકારમાં રજુઆત પણ કરશે અને એમને ઝડપથી સહાય મળે એવા પ્રયત્નો પણ કરશે. આપણે સૌએ છેલ્લા એક વર્ષમાં આ મહામારીના સમયમાં જોયું છે કે સરકાર વારંવાર આંકડા છુપાવે છે. એ ટેસ્ટીંગના આંકડા હોય કે મૃતકોના આંકડા હોય. સાચી જમીની હકીકત તદ્દન વિપરીત છે. એક દાખલો આપની સમક્ષ ધારાસભ્ય નૌષાદભાઈ સોલંકી અને ઋત્વિકભાઈ મકવાણા જમીની સાચી હકીકત મેળવી રજુ કરી છે. તમારી સમક્ષ એક જિલ્લાનો શુ કૌભાંડ ચાલે છે, કેવી રીતે માહિતી છુપાવવામાં આવે છે, કેવી રીતે નિષ્ઠુર સરકાર લોકોના મોત સાથે પણ રમત રમી રહી છે. એનો પુરાવો આપવા માંગીએ છીએ.

ધારાસભ્યો શું કહે છે
ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વીકભાઈ મકવાણાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા જે રીતે આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં છે. તે માહિતી સુરેન્દ્રનગર જિલ્લાના આંકડાઓ ઉપરથી જાણી શકાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર બે મહિના અને ચાર દિવસમાં 3163 મૃત્યુ ગત વર્ષની સરખામણીએ વધારે થયા છે. 2020ની તાલુકા દિઠ મૃત્યુની સરેરાશની સરખામણી કરીએ તો 3577 મૃત્યુ થયા હતા.

25 ગણા મૃત્યુ છૂપાવે છે
ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમિત કુલ 122 લોકોનાં જ મૃત્યુ થયાનું દર્શાવવામાં આવી રહ્યું છે. તો શુ સરકાર 25 ગણા મૃત્યુ ઓછા દર્શાવ્યા છે ? આ સત્ય હોય તો સરકારની આ ભુલ સેંકડો લોકોની હત્યા બરાબર કહેવાય તથા સરકાર સામે ગુજરાતના લોકોનો વિશ્વાસભંગ કરી સત્ય છુપાવી ઘોર ગુન્હાહીત અપરાધ નથી ?

65 દિવસમાં 3600 મોત

જો માત્ર 65 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 3577 મૃત્યુ થયા હોય તો સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લાઓમાં કેટલા થયા હશે ? આ બિહામણો અને અકળાવનારો સવાલ એક ગુજરાતીને કેમ ન થાય. ભાજપ સરકાર દેશને કોરોનાના મુખમાં ધકેલી બંગાળ અને આસામની ચૂંટણીઓ જીતવા રેલીઓ કરી હતી. શું તેને માફ કરાય ? આથી વિશેષમાં જો તાલુકાદિઠ સરખામણી કરીએ તો વઢવાણ, ધ્રાંગધ્રા, દસાડા, લીંબડી અને થાનગઢમાં મૃત્યુઆંકમાં અત્યંત વધારો થયેલ છે.

તાલુકાનું નામ – મૃત્યુઆંક

વઢવાણ – 1258
ધ્રાંગધ્રા – 470
દસાડા – 342
લીંબડી – 252
લખતર – 104
થાનગઢ – 184
ચોટીલા – 177
સાયલા – 155
ચુડા – 118
મુળી – 103
કુલ – 3163

ભૂતકાળમાં સરકારે અનેક વખત આવા કુદરતી આપદાના સમયમાં, અકસ્માતોના સમયમાં, ગંભીર મહામારી કે અન્ય સંજોગોમાં મૃત્યુ પામનાર મૃતકોના પરિવારને સહાય કર્યાના અનેક દાખલાઓ છે ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે, આ કોરોના મહામારીમાં છેલ્લા 13 મહિનાની અંદર ગુજરાતમાં જે પણ લોકોના મૃત્યુ થયા છે. તેવા તમામ મૃતક પરિવારજનોને આ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ, વિકાસલક્ષી પાસુ અને સહાનુભૂતિ સંવેદનસીલતા પૂર્વક વિચાર કરી તમામ મૃતક પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય સરકાર તાત્કાલીક જાહેર કરે, આંકડાઓની રમતમાં સરકાર મૃતકોના આંકડા છુપાવવાના અનેક દાખલાઓ છે.

આજે લોકો ઓક્સિજન માટે, બેડ માટે, વેન્ટીલેટર માટે, ઈન્જેક્શન માટે, દરદર ભટકી રહ્યાં છે અને મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. આ સમગ્ર અંધાધૂધી અને આરજકતા માટે કોરોના મહામારીની સાથે સાથે રાજ્ય સરકારનો અણઘડ વહિવટ અને સંકલનનો અભાવ જવાબદાર છે. આ જે સ્થિતિ જોઈએ એવુ સ્પષ્ટ કહેવુ પડે કે અત્યારે જે પરિસ્થિતિ ગર્વમેન્ટ મેડ ડીઝાસ્ટર છે અને એનાજ કારણે સરકારી આંકડા મુજબ આજની તારીખે 8200 કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા છે.

લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત છે. જે લોકોના મૃત્યુ થયા છે એમાંથી મોટા ભાગના લોકો ગરીબ – મધ્યમવર્ગ – જરૂરીયાત મંદ પરિવારોમાંથી આવે છે. અનેક પરિવારમાં જેનો કમાનાર મુખ્ય વ્યક્તિ કોરોના સંક્રમણનો ભોગ બની મૃત્યુ પામ્યા છે.

એવા સંજોગોમાં આજે ગુજરાતના મહામારીના સમયમાં પેન્ડેમીક એક્ટ, ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 આ કાયદાઓ હેઠળ નિયંત્રણો અને કાયદાઓ અમલમાં છે. દરેક ડીઝાસ્ટરના એક્ટ છે, પેન્ડેમીકના એક્ટ છે એમાં બે જોગવાઈઓ હોય છે.

એક શિક્ષાત્મક જોગવાઈ અને બીજો કલ્યાણલક્ષી જોગવાઈ અત્યારે આ સરકાર દ્વારા શિક્ષાત્મક જોગવાઈ ભરપુર ઉપયોગ કરવામાં આવે, માસ્ક ના પહેર્યુ હોય તો 1000 દંડ, અનેક એકમોને સીલ કરી દેવામાં આવે, અનેક લોકો સામે પોલીસ કેસ કરવામાં આવે અને અનેક જાતની શિક્ષાત્મક કાર્યવાહીઓ છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહી છે. જે કલ્યાણલક્ષી જોગવાઈ છે. એનોય સદંતર અનદેખી કરવામાં આવે છે.

આજે જ્યારે ગુજરાતમાં પરિસ્થિતિ બેકાબુ હોય, ગંભીર તબક્કામાં કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં હોય એવા સંજોગોમાં અમારી સ્પષ્ટ માંગણી છે કે, દેશના ડીઝાસ્ટર એક્ટની કલમ નંબર-12, પેટા કલમ-3 હેઠળ જે રીતે કુદરતી આપત્તીઓ, અકસ્માતના સંજોગો, મહામારીના સંજોગો અને એવા સંજોગોમાં કોઈનો પણ મૃત્યુ થાય તો એને વિકાસલક્ષી જોગવાઈ અનુસાર સહાય કરવાની જોગવાઈ છે.