કચ્છમાં 2020ના સારા ચોમાસાના કારણે ભુજ તાલુકાના બન્ની – પચ્છમમાં સારું ઘાસ ઉગેલું છે. આખો રણ વિસ્તાર હરિયાળીથી ભરાઈ ગયો છે. 2015, 2019 બાદ 2020માં સારી રીતે ઊગેલું છે. જીંજવો, ધામણ, સાંઉ, છેવાઈ ધ્રબળ ઘાસ સારી રીતે ઊગી નિક્ળ્યા છે. હોડકો, ડુમાડો, ધોરડોથી દક્ષિણના લુણા, ભીટારા, સરાડા, બુરકલ, હાજીપીરની જમીનોમાં બે ફુટ કરતાં પણ ઊંચું કિંમતી ઘાસ થઈ ગયું છે. 20 હજાર હેક્ટરમાં ગાંડો બાવળ કાઢવાનો પ્લાન બનાવ્યો છે.
બંન્ની ઘાસના મેદાનની ગ્રામીણ અર્થતંત્રમાં તેની એક મહત્વપૂર્ણ મુશ્કેલી નિભાવી છે. ગાંડો બાવળ આક્રમણ કરી રહ્યો છે. રાજ્ય સરકાર લગભગ 20,000 હેક્ટેર જમીનથી ‘ગાંડો બાવલ’ (પ્રોસોપિસ જુલીફ્લોરા) દૂર કરીને બંન્ની ઘાસ માટે જગ્યા ફરીથી યોજના તૈયાર કરી છે. 2,497 ચોરસ કિલોમીટર – 2.50 લાખ હેક્ટર ક્ષેત્રફળનું આ મેદાન એશિયાનું સૌથી મોટું ઘાસનું મેદાન માનવામાં આવે છે.
ઘાસની આયાત
બધી રહેલી ખારાશ, ગેરકાયદેસર વૃક્ષ છેદન, ગાંડા બાવળનું જંગલ હોવાથી ઘાસ લુપ્ત થઈ રહ્યું છે. હવે એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનમાં બહારથી ઘાસ લાવવું પડે છે. બંન્નીની અંદરના 48 ગામોના લોકો માટે જીવવાનો એક સાધન છે, ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા 2009માં કરવામાં આવેલા એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે બંન્નીના ઘાસના ક્ષેત્રો ઘટી ગયા છે. 1989માં, 1,42,882 હેક્ટેર હતું. 2009 માં ફક્ત 63,073 હેક્ટેર સુધી જ રહ્યું છે.
ગુજરાત ઇન્સ્ટિટયુટ ઓફ ડેઝર્ટ એકોલોજી (ગાઇડ) અને ગુજરાત ઇકોલોજી કમિશન (ય્ઈઝ્ર) દ્વારા બન્નીમાં કરાયેલા અભ્યાસના તારણના આધારે સરકાર દ્વારા બન્નીમાં ફરી ઘાસ ઉગાડવામાં આવશે. જો આ પ્રોજેક્ટ સફળ થાય તો એકમાત્ર બન્ની જ આખા કચ્છને 200 લાખ કિલો ઘાસચારો સરળતાથી આપી શકે છે. ઘાસ કાપણી કરીને 2 લાખ કિલો ગોદામોમાં ભરાવામાં આવતો હતો. 50 વર્ષ પહેલાં 6 ફૂટ ઊંચું ઘાસ થતું હતું. હવે ઘાસના મેદાનો હવે ઉજ્જડ વેરાન બની રહ્યા છે. જમીનનો ક્ષાર આગળ વધી રહ્યો છે.
24 પ્રજાતિનું ઘાસ એક સમયે થતું હતું. હાજીપીરથી લખારા વેલારા સુધી અને ખાવડાના કક્કર લુડીયાથી લોરીયાના ચાંદ તારમ સુધી બન્નીનો વિસ્તાર ગણાય છે.
ઉપાય
ગાંડા બાવળનું અતિક્રમણ ઘટી શકે એમ છે. ગાંડા બાવળને નિર્મૂળ ન કરી શકાય પરંતુ અંકુશમાં જરૂર લાવી શકાય છે. તેના મૂળમાં એસિડ કે નકામું કૃડ ઓઈલ નાંખવામાં આવે તો જ તે ફરીથી ઊગતો નથી. તેને કાપવાથી ફેલાવો વધે છે.
પશુની હિજરત
માણસો કરતાં પશુની સંખ્યા વધારે છે. બન્ની નસલ ભેંસ રાષ્ટ્રિય માન્યતા મળેલી છે. 1 લાખ પશુ અહીં નિભતા હતા. હવે બન્નીના પશુ ગીર, ભરૃચ, સુરત, વાંકાનેર ઘાસ માટે લઈ જવા પડે છે.
10 કરોડ વૃક્ષો
ગુજરાતમાં 2004માં વૃક્ષોની ગણતરી મુજબ ગાંડા બાવળની વસ્તી 4.13 કરોડ હતી. જેની રફતાર જોતા 2020માં 10 કરોડથી વધું હોઈ શકે છે. લીમડા 1.15 કરોડ હતા.
ઇતિહાસ
પ્રદેશને નદીઓના કાંપે ફળદ્રુપ બનાવ્યો તે બન્ની. નદીઓએ પાથરેલ કાંપને લીધે વિશાળ કાંપાળ મેદાન ઘાસ માટે ભારે પ્રસિદ્ધ બન્યાં છે. બન્ની ગ્રાસલેન્ડ વિભાગ હસ્તક કબજો છે. ગેરકાયદેસર પશુ વાડાઓના દૂષણને લઇ ઘાસિયા મેદાનોનો વિસ્તાર ઘટયો છે.
1969 પ્રમાણે 48 ગામની 195566 હેક્ટર જમીન છે. 2005-06માં બન્નીમાં 53430 હેક્ટર રણ છે. આમ કૂલ 248997 હેક્ટર જમીન બન્નીની છે.
11 જાન્યુઆરી 1955થી બન્નીને રક્ષિત જંગલ જાહેર કરેલું છે. પહેલા અહીં ખેતી થતી હતી. સિંધુ નદી અહીં હતી ત્યારે ચોખા પાકતાં હતા. 1819માં ધરતીકંપ થયો હતો. 1856ના ધરતીકંપ રણમાં કુદરતી રીતે અલ્લાહ બંધ બની જવાથી સિંધુ નદીનો પ્રવાહ હાલના પાકિસ્તાનના કરાચી તરફ ગયો છે. લાલ ચોખા અને સિંધી ચોખાની માંગ હતી.
સિંધી
700 વર્ષ પહેલાથી સિંઘથી આવેલા સૂફી અસર ધરાવતાં બન્નીના માલધારીઓ સિંધી મિશ્રિત કચ્છી બોલી બોલે છે. ઇસ્લામ ધર્મી જત, મૂતવા, હાલેપોત્રા, રાયસીપોત્રા, હિંગોરજા, બંભા, સુમરા, નોડે, કોરાર, થેબા, વાઢા, શેખ તથા સૈયદ પશુપાલન કરે છે. હિન્દુ ધર્મમાં મેઘવાળ તથા વાઢા જેવા સમુદાયો વસવાટ કરે છે.
1971માં ગાંડો બાવળ આવ્યો
મધ્ય અમેરિકા અને કેરેબિયન ટાપુઓના મૂળ નિવાસી ગાંડા બાવળને અંગ્રેજોએ Prosopis juliflora નામની બાવળની એક જાતને કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવવાનું નક્કી કરેલું હતું. કચ્છના અને મોરબીના રાજાઓએ એવું જણાવીને વાવવા ન દીધું કે એ વનસ્પતિ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે અનુકૂળ નથી. 1960માં ભારતમાં કાયદેસર આ વૃક્ષને વાવવામાં આવ્યું. જેને ગુજરાત સરકારે પણ સ્વીકાર્યું.
રણ વિસ્તારને આગળ વધતો અટકાવવા 1971માં કચ્છના ગ્રેટર રણ અને બન્ની વિસ્તારમાં સરકારે હેલિકૉપ્ટરથી એનાં બીનો છંટકાવ કર્યો. ત્યારથી કચ્છના વનસ્પતિ જગતમાં આ બાવળે પગપેસારો કર્યો. કીકર અને વિલાયતી ખેજરા કહેવાય છે. અમેરિકાના એરિઝોના પ્રાંતમાં આ વૃક્ષનાં મૂળિયાં 54 મીટર સુધી ઊંડા ગયા છે. વૃક્ષની એક ડાળી કાપો તો દસ ફૂટી નીકળે છે. આ ઝાડની આજુબાજુ કંઇ જ ઊગતું નથી. તેથી સામ્રાજ્ય છવાયેલું રહે છે.
બાવળની જમીન પર અસર
ગાંડો બાવળ બાર મહિના પાણી ખેંચે છે. જમીનમાંથી ભેજ ઘટાડે છે. વહેતું પાણી અવરોધાય છે, જમીનના સેન્દ્રીય તત્વોનાં સ્થળાંતરની પ્રક્રિયા ધીમી પડી છે. જમીન સખત થઈ જાય છે.
વૃક્ષો – ઘાસનું નિકંદન
પશુઓના ચરિયાણ માટેની ખુલ્લી જમીન ઢંકાઈ જવાથી કુદરતી ઉગતું ઘાસ ઘટી ગયું છે. ગાંડા બાવળનાં ઝીણા પાનમાં આલ્કલોઇડ હોય છે, જે આસપાસના છોડ ઉપર ઝેરી અસર કરે છે. જૈવિક વૃક્ષો જેમાં, મીઠી જાર, કેરડો, ગુંદા, લૂણો, ખીજડો, કંઢો, કઈ, ખારીજાર, દેશીબાવળ જેવા વૃક્ષો ઘટી રહ્યાં છે. કંધી, જિંજવો, ખેવાઈ, સાઉ, દ્રભ, ધ્રબ, સામું, કોરઈ, ખીરવલ, મેરમેરીઓ, મોલ, ડાભ, મોથ, લાણો , સાવરણી, ચીચની, લાપડું, મનુ, તરભર, શિયાળપૂંછ, ભાજી, વગેરે ઘાસો નાશને આરે પહોંચી ગયા છે.
દેશી બાવળ, ખીજડો, ખેર, ગુગળ, પીલુડી, કઈ, આવળ, હરુ, થોર, ખાખરા કે અંગારિયાનું પ્રમાણ છેલ્લા બે દાયકામાં ભયજનક રીતે ઘટી ગયું છે. કુદરતી મધનું પ્રમાણ વિશેષ હતું. ફૂલવાળાં વૃક્ષો ઓછાં થવાથી હવે મધની આવક પણ ઘટતી જાય છે. કુદરતી વેલા થતા નથી. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતનું હવામાન આ વૃક્ષને માફક આવી ગયું છે. ફાયદા કરતાં નુકસાન થઈ રહ્યું છે. જૈવ સંપત્તિ, પાણીનાં વહેણો અને કચ્છની મૂળ વનસ્પતિને નુકસાન થઈ રહ્યું છે. 1960થી 1970 સુધીના સળંગ દુષ્કાળના કારણે મૂળ વૃક્ષો કપાઈ ગયા પછી ગાંડો બાવળ આવ્યો છે.
ગેરકાયદે ખેતી
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા નોન ફોરેસ્ટ એક્ટિવિટી ન કરવાનો આદેશ હોવા છતાં ખેતી થાય છે. કચ્છના મહારાજાએ આ વિસ્તારમાં ખેતી કરવા પર પ્રતિબંધ મૂકીને અનામત રાખ્યો હતો. બન્નીની જમીનમાં કેટલાક ફુટ નીચે ખારાશ રહેલી છે. વરસાદી પાણીથી ખારાશ ધોવાઇ જાય છે. અને એટલા ભાગમાં ધાસ થાય છે. રક્ષિત જંગલ વિસ્તારમાં એક હેકટરમાં 75થી 80 જેટલા સાંઢા જોવા મળે છે. લાખોની સંખ્યામાં સાંઢાનું નિકંદન નીકળી રહ્યું છે.
18 હજાર હેકટરમાં દબાણો છે.
કાપવા પર પ્રતિબંધ
1980માં ગાંડો બાવળ કાપવા પર પ્રતિબંધ મૂકાયો હતો. 2004 સુધીમાં એટલો વધી ગયો હતો કે, બન્નીમાં 10 ટકા જ ઘાસ રહેવા દીધું હતું. 2004થી વૃક્ષ વિચ્છેદનનો પ્રતિબંધ ઊઠાવી લેવામાં આવ્યો.
જેસોર-બાલારામ અભ્યારણ્યમાં 50 ટકા જેટલો ફેલાઇ ગયો છે. વનસ્પતિઓની 50 જેટલી પ્રજાતિઓ નાશ પામી. સૌરાષ્ટ્રના દરિયા કાંઠે, ઊના અને ધારીમાં સાગ, ખજૂરી અને નારિયેળી હતા ત્યાં હવે ગાંડા બાવળ થઈ ગયા છે.
પશુ પક્ષી ગાયબ
બન્નીમાં ઘાસ પર નભી રહેતાં જીવોના કારણે માંસાહારી પ્રાણીઓ રહેતા હતા. શિયાળ, ગુરનાર, વરુ, હણોતરો, સમડી, ઘુવડ, ગિરજ, કુતરા હતા. દુષ્કાળ, અતિવૃષ્ટિ, ગાંડો બાવળ, જમીનમાં ખારાશ વધતાં ઘાસ ઘટી ગયું અને એકબીજા પર નભતા જીવોમાં નોધપાત્ર ઘટાડો થયો છે.
બન્નીમાં કાળિયાળ, રાતા હરણ, થરજાવ, ભગાડ, ગુરનાર, હણોતરો, ઝરખ જેવા પ્રાણીઓ અને કુંભારડીઓ, રોડી જેવી સાપની જાતિઓ લુપ્ત થઈ છે. છારીઢંઢમાં કુંજ, ટીલોળ, પેણ, ચમચા, હંસ જેવા પક્ષી મોટી માત્રામાં હતા. ચમચા, શેડ, ગિરજ (ગીધ) સમડી, સારસ, તુર, ગોરાડ જેવા પક્ષીઓ પણ અદ્રશ્ય થઈ રહ્યા છે.
બાવળની ફળીઓનો ગર્ભ પશુઓ માટે ઉપયોગી છે, પણ તેના બી નુકસાન કરે છે. ગુવારની સિંગ જેવા ફળ અને પાંદડા ખાવાથી ગાયને કેન્સર થવા લાગ્યું છે. હોજરીમાં બી અને રેષાના દડા બની જાય છે. તેથી બન્નીની અડધો અડધ ગાયો ઓછી થઈ ગઈ છે.
2006થી અહીં ચિત્તા કે વાઘને વસાવવાની યોજના હતી.
કોલસો
ગાંડો બાવળ દૂર કરવા સરકારે તેમાંથી કોલસો તૈયાર કરવામી મંજૂરી આપી હતી. 2004થી વૃક્ષ વિચ્છેદનનો પ્રતિબંધ ઊઠાવી લેવામાં આવ્યો. ગાંડા બાવળથી કોલસો બનાવનારી ગેંગ્સ ઊભી થઈ છે.
સમગ્ર કચ્છમાં બન્નીના મેદાનો હવે ગાંડા બાવળના ગેરકાયદે કોલસા પાડીને કરોડો રૂપિયાનો કોલસો વેચી મારવામાં આવ્યો છે. 10 જાન્યુઆરી 2020ના દિવસે પરિપત્ર જાહેર કરીને કચ્છમાં પડી રહેલા 4 હજાર ટન કોલસો વેચવા માટે તૈયારી કરી હતી. નલિયા, નખત્રાણા, છારી, ફુલાય, બીબર, નિરોણા, ખાવડા, બન્ની વિસ્તારના વંગ, લોડાઇ, નાના-મોટા વરનોરા, પૈયામાં ગેરકાયદેસર કોલસાનો કારોબાર છે. જે જમીન પર કોલસો બનાવવાની મંજૂરી વન વિભાગે આપી છે ત્યાં કોલસો બનતો નથી. સરકારી જમીન પર બને છે. ગૌચરની જમીનમાં તેમજ ડેમ વિસ્તારનો કોલસો બનાવીને ચોરી કરવામાં આવે છે.
કોલસાનો ભાવ પ્રતિ કિલોએ રૂ.20 છે. 4 હજાર ટન કોલસાનો ભાવ રૂ.8 કરોડ છે. બન્ની અને પાવરપટ્ટીમાં ફેલાયેલા બાવળિયા કોલસાના ગેરકાયદે સામ્રાજ્યમાં ભાજપના બે જૂથો વચ્ચે 20 વર્ષ પહેલા લોહિયાળ જંગ થયો હતો.