રાજ્યના પાંચ જિલ્લામાં પ્રસ્થાન કરાવેલ કોવિડ-19 વિજય રથ ફેરવવામાં આવી રહ્યો છે. કોરોનામાં વિજય મળી ગયો હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. વિજય રથનું ગાંધીનગરથી ઇ-ફ્લેગથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. કચેરીની બહાર નિકળ્યા વગર મુખ્ય પ્રધાને રથને શરૂ કરાવેલો હતો.
ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 82 ટકા સુધી પહોંચ્યો છે જ્યારે મૃત્યુ દર 7 ટકાથી ઘટાડીને 2.9 ટકા સુધી લાવી શક્યા છીએ. દેશના સરેરાશ 8થી 9 ટકા પોઝિટિવ રેટ સામે ગુજરાતમાં 3.5 થી 4 છે. ગુજરાતમાં ધન્વંતરી રથ, સંજીવની રથ, 104 હેલ્પલાઇન અને હવે કોવિડ-૧૯ વિજય રથ છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અસત્ય ઉચ્ચાર કરતાં કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોના સામેની લડાઇમાં ગુજરાત રોલ મોડલ સાબિત થયું છે. ગુજરાતમાં કોરોના સામે જંગ જીતવા ધન્વંતરી રથ, 104 હેલ્પ લાઇન જેવી વ્યવસ્થાઓની WHO દ્વારા સરાહના કરવામાં આવી છે. આ ઉપરાંત સુપ્રીમકોર્ટ દ્વારા પણ ગુજરાતમાં તબીબો દ્વારા કોરોનાના દર્દીઓને અપાતી સેવાની ખાસ નોંધ લેવામાં આવી છે. તાજેતરમાં પ્રતિષ્ઠિત સંસ્થા IIM-અમદાવાદ દ્વારા પણ ગુજરાતમાં કોરોના સામેના રાજ્ય સરકારના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા છે.
કોવિડ-19 વિજય રથ રાજ્યના તમામ 33 જિલ્લાના 90 તાલુકામાં 44 દિવસ ભ્રમણ કરી લોકોને કોરાના પ્રત્યે જાગૃત કરશે. રોજ 60 કી.મી. જેટલું અંતર કાપશે જેમાં 350 કલાકારો પરંપરાગત માધ્યમોથી કોરોના સામે સાવચેતીના પગલાં અંગે સંદેશો આપશે. આ ઉપરાંત જે લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે તેવા કોરોના વિનર્સનું સન્માન કરવામાં આવશે.
રથના માધ્યમથી માસ્ક, હાથ સેનેટાઇઝ કરવા, ખોટી માહિતીથી દૂર રહેવા જેવા પાંચ મુખ્ય સંદેશ આપવામાં આવશે.