નાની બેરના વૃધ્ધાએ ૪૦૦ કિ.મી.દુર ઘેર બેઠા મેળવી બ્લડપ્રેશર અને મગજની દવા, ગુજરાતમાં લાખો લોકોને આવી મદદની જરૂર છે. કોણ આપશે તેમને મદદ ?
ભુજ, ગુરૂવારઃ
વિશ્વને આંગળીના ટેરવે રમતું કરનાર સોશિયલ મીડિયા સહાય કરાવવામાં પણ અદભૂત છે. કચ્છના અબડાસા તાલુકાના છેવાડાના ગામ નાની બેરમાં એક ઘટના બની છે. અબડાસાના પ્રાંત અધિકારીના ટવીટર એકાઉન્ટ પર કચ્છના આદિપુરથી દિપકભાઇ ભાનુશાળીએ મેસેજ કર્યો કે તાલુકાના છેવાડાના ગામ નાની બેરમાં તેમના દાદી રહે છે. તેમની બ્લડપ્રેશર અને મગજની દવા જામનગરથી લાવવી પડે છે.
હાલના લોકડાઉનમાં તેઓ દવા પહોંચાડવામાં અસમર્થ છે. જામનગરમાં તેમના સબંધીને ત્યાં દાદીની દવા આવી ગયેલી છે તેને દાદી સુધી પહોંચાડવાની છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે જામનગરથી નાની બેર સુધી દવા પહોંચાડી શકાય એમ નથી.
આ મેસેજ વાંચીને પ્રાંત અધિકારીએ ત્વરીત પગલાં લઇ દવા જે તે સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરી. બીજા જ દિવસે પ્રાંત ડી.એ.ઝાલાએ તેમની ટીમ દ્વારા નાની બેર રહેતા દાદી મયાબેન ગોપાલભાઇ ભાનુશાળીને આ દવાઓ રૂબરૂ પહોંચાડી આવ્યા હતા.
જામનગરથી ૪૦૦ કિ.મી. દુર અબડાસાના છેવાડાના ગામ નાની બેરમાં બીજા દિવસે જ દવા પહોંચી ગઇ.
આખા ગુજરાતમાં આવી જરૂરીયાત વાળા લાખો લોકો છે કોણ આપશે તેમને મદદ ?