મીઠી શેરડીને ભાજપની રૂપાણી અને મોદી સરકારોએ કડવી ઝેર બનાવી દીધી

ગાંધીનગર, 2 જૂન 2021

ગુજરાત શેરડીના ઉત્પાદનમાં ભારે મોટી પછડાટ ખાઈ રહ્યું છે. જ્યારથી ભાજપની મોદી સરકાર આવી છે ત્યારથી મીઠી શેરડીને કડવી બનાવી દેવા માટે ભાજપ પક્ષનું શાસન જવાબદાર છે. શેરડી પેદા કરીને ખાંડ બનાવવામાં ગુજરાત પછાત બની ગયું છે. દેશમાં વર્ષે 30 ટકા ઉત્પાદન વધી રહ્યું છે, પણ ખેડૂત વિરોધી નીતિઓના કારણે ગુજરાતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. ખાંડ મિલો બંધ કરી દેવામાં આવી રહી છે. હવે સૌરાષ્ટ્રમાં એક પણ ખાંડના કારખાના રહેવા દેવાયા નથી.

22 ખાંડ મિલોમાં 12 વર્ષ પહેલાં 13.69 લાખ ટન ખાંડ બનતી હતી. જે સતત ઘટીને હવે માત્ર 10 લાખ ટન થઈ ગઈ છે. આવું છેલ્લાં 20 વર્ષથી શરૂ થયું છે. કેશુભાઈ પટેલની છેલ્લી સરકાર હતી કે જેણે ખાંડનું ઉત્પાદન સારું એવું વધાર્યું હતું. પણ પછી મોદી અને રૂપાણીની સરકારમાં એક વર્ષ તો એવું પસાર થયું કે માત્ર 8.77 લાખ ટન ખાંડ થઈ હતી.

શેરડીમાંથી ખાંડ બનવાની ટકાવારી 10.50 ટકા છેલ્લાં 15 વર્ષથી રહી છે. તેનો સીધો મતલબ કે શેરડીમાં વધું ખાંડ મળે એવી જાતો શોધવામાં સરકારે કે કૃષિ વિશ્વ વિદ્યાલયોએ કોઈ ધ્યાન આપ્યું નથી.

20 સુગર મિલમાંથી 6 ખાંડના કારખાનાને તાળા મારી દેવાયા છે. સૌરાષ્ટ્રમાં બે ખાંડના કારખાના હતા તે પણ બંધ કરી દેવાયા છે. જે કંઈ ખાંડના કારખાના છે તે દક્ષિણ ગુજરાતમાં છે. ભાજપના નેતાઓ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતાં હોવાથી તેઓ શેરડીને કોઈ મહત્વ આપતાં નથી.

નર્મદા બંધ થયા પછી ખરેખર તો ખાંડના કારખાના 20થી વધીને 40 થવા જોઈતા હતા. ખેડૂતોને ખેતર સુધી નહેરો બનાવીને 20 લાખ હેક્ટરમાં નિયમિત પાણી આપવામાં આવ્યું હોત તો 10 લાખ ટન ખાંડનું ઉત્પાદન વધીને 20 લાખ ટન સુધી કરી શકાયું હોત. પણ તેમ થયું નથી તેનો સીધો મતલબ કે નર્મદા યોજના 50 ટકા પણ સફળ નથી.

130 લાખ ટન શેરડી નર્મદા યોજના શરૂ થઈ ત્યારે 2001માં પાકતી હતી. હવે તે ઘટીને માંડ 103 લાખ ટન થઈ ગઈ છે. આમ ખરેખર તો નર્મદા યોજના પૂરી થયા પછી 250 લાખ ટન શેરડી પાકવી જોઈતી હતી.

ભારતમાં ખાંડનું ઉત્પાદન 15 માર્ચ સુધીમાં 330 ખાંડ મિલોમાંથી 2021માં 42.55 લાખ ટન – 20 ટકા વધારા સાથે 216.13 લાખ ટનથી વધીને 258.68 લાખ ટન થઈ ગયું છે. વર્ષના આખરે 15 મે 2021માં તે 38 ટકા સુધી ખાંડના ઉત્પાદનમાં વધારો થયો હતો.

મહારાષ્ટ્રમાં 140 ખાંડના કારખાનામાંથી 94.05 લાખ ટન ખાંડ બની હતી. જે ગયા વર્ષે 55.05 લાખ ટન હતી. કર્ણાટકામાં 33.35 લાખ ટન ખાંડનું ઉત્પાદન વધીને 41.35 લાખ ટન થઈ ગયું હતું.

ગુજરાતમાં બે ખાંડ મિલો બંધ થઈ ગઈ હતી, 15 મિલોમાં 15 માર્ચ 2021 8.49 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. જે 2020માં 7.78 લાખ ટન હતું. 161 લાખ ટન શેરડી 2020-21માં પાકવાની ઘારણા કૃષિ વિભાગની હતી.

મહારાષ્ટ્રમાં 81 હજાર કિલો, કેરાલામાં 1 લાખ કિલો અને ગુજરાતમાં 70 હજાર કિલો હેક્ટર દીઠ શેરડી પાકે છે. આમ ગુજરાત શેરડીના ઉત્પાદનમાં પાછળ ધકેલાઈ ગયું છે.