મુખ્ય પ્રધાનનો દાવો અને ગુજરાતના ખેડૂતોની વાસ્તવીકતા સાવ ભિન્ન છે, જુઠાણા ચલાવતી રૂપાણી સરકાર
ગાંધીનગર, 26 ડિસેમ્બર 2020
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સત્યના પુજારી ગાંધીજીના નામ પરથી જેનું નામ રખાયું છે તે મહાત્મા મંદિરથી 25 ડિસેમ્બર 2020માં કૃષિ કલ્યાણ કાર્યક્રમમાં જાહેરાતો કરી હતી. સેટકોમની મદદથી 248 તાલુકાના હજારો ખેડૂતો સાથે વાતો કરી હતી. જેમાં ઘણી વિગતો તો ગેરમાર્ગે દોરનારી છે. પ્રજાને ગુમરાહ કરે એવી છે.
મુખ્ય પ્રધાન – ગુજરાતમાં ભાજપાની સરકારે બે-અઢી દાયકાથી કૃષિ ક્રાંતિની આગવી કેડી કંડારી છે. કૃષિ આધારિત નીતિઓ બનાવીને કિસાન કલ્યાણનો યજ્ઞ આદર્યો છે.
વાસ્તવિકતા – સુપ્રિમ કોર્ટે કહ્યું હોવા છતાં ગુજરાતની રૂપાણી સરકારે કૃષિ નીતિ બનાવી નથી કે કોર્ટમાં સોગંદનામું આપ્યું નથી. 58 લાખ ખેડૂત કુટુંબોમાંથી 42.6 ટકા ખેડૂતોનું સરેરાશ માથાદીઠ દેવું રૂ.38100 કરેલું છે. 5 સભ્યોના ખેડૂત કુટુંબની સરેરાશ માસિક આવક 7926 હતી. સરકારે બે વર્ષ જાહેર કરેલી વિગતો છે.
મુખ્ય પ્રધાન – ભૂતકાળની કોંગ્રેસી સરકારોએ ખેડૂતાને પાણી, વીજળી, બિયારણથી વંચિત રાખી જગતનો તાત રૂએ દિન રાત જેવી હાલત કરી નાંખી હતી. તેની દુઃખદ સ્થિતિ હતી.
વાસ્તવીકતા – ગુજરાતના 222 બંધોમાંથી 200 બંધો કોંગ્રેસની સરકાર વખતે બનેલા. ભાજપની સરકારે 25 વર્ષમાં માત્ર 6 બંધ બનાવ્યા છે. આઝાદી વખતે એક પણ ખેડૂતને વીજળી મળતી ન હતી. જે ભાજપની સરકાર 1998માં આવી ત્યાં સુધીમાં 32 ટકા ખેડૂતોને વીજળીથી પાણી મળતું હતું.
મુખ્ય પ્રધાન – નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી નર્મદા યોજના સાકાર થઈ, કચ્છ, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દૂર સુધીના ગામોમાં ખેતી, સિંચાઇ, પીવાનું પાણી પહોચ્યું છે.
વાસ્તવિકતા – બંધનું મોટાભાગનું કામ કોંગ્રેસની સરકારોમાં થઈ ગયું હતું. ચીમનભાઈ પટેલના પ્રયાસોથી બંધનું કામ ફરીથી ચાલું થયું હતું. 12 જુલાઈ 2019માં વિધાનસભામાં રૂપાણીએ જાહેર કર્યું હતું કે, નર્મદા બંધ પાછળ 70 હજાર કરોડનું ખર્ચ થયું છે. 2730 કિલોમિટરની શાખા નહેરોમાંથી 110 કિ.મી.નું કામ બાકી છે. 4546 વિશાખા નહેરમાં 209 કિ.મી.નું કામ બાકી છે. 15669 કિ.મી.ની પ્રશાખામાં 1691 કિ.મી.નું કામ બાકી છે. 48 હજાર પ્રપ્રશાખામાંથી 8783 કિ.મી.નું કામ બાકી છે. આમ 10,700 કિ.મી. નહેરો ભાજપ સરકાર બનાવી શકી નથી. જે બની છે તેથી 18 લાખ હેક્ટરના બદલે ખેખર 5 લાખ એટલે કે 25 ટકા જ ઉપયોગ નર્મદા બંધનો થઈ રહ્યો છે.
મુખ્ય પ્રધાન – કિસાન આંદોલનના નામે મગરના આંસુ સારવા નીકળેલા પક્ષોને ખેડૂત અને ગુજરાતનું હિત જો તેમનામાં હતું તો કેમ સાત-સાત વર્ષથી નર્મદા ડેમના દરવાજા ફિટ કરવાની મંજૂરી ના આપી ?
વાસ્તવિકતા – તેમનો સવાલ વાજબી છે. પણ દરવાજા બની ગયા છતાં બંધનો ઉપયોગ તો માત્ર 25 ટકા જ થાય છે.
મુખ્ય પ્રધાન – ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં કે, રાજયમાં હર હાથ કો કામ હર ખેત કો પાનીના મંત્રને સાકાર કરે છે.
વાસ્તવીકતા – શહેરી ભારતમાં બેકારીનો દર રાષ્ટ્રીય સરેરાશ 7.5 ટકા કરતાં વધારે એટલે કે 9 ટકા જેટલો છે જ્યારે ગ્રામીણ ભારતમાં આ દર 6.3 ટકા છે. સપ્ટેમ્બર 2020માં લેબર ફોર્સના સરવે પ્રમાણે સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં બેકારી દરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. નીચલા બેઝ ઇફેક્ટના કારણે બેકારી દર 1.3 ટકા થી વધીને 4.3 ટકા થયો છે. સરકારી આંકડા પ્રમાણે 4 લાખ ભણેલા બેકાર છે. જોકે વાસ્તવિક બેકારી, અર્ધબેકારી અને ઓછા પગારનો દર 40 ટકા છે. એલઆરડીના 6 હજાર જગ્યા માટે 8 લાખ ઉમેદવારો હતા. આવી 10 પરીક્ષામાં 50 લાખ બેકારો ઉમટી પડ્યા હતા.
મુખ્ય પ્રધાન – રાજયના ખેડૂતને પુરતું પાણી, બિયારણ, ખાતર અને વીજળી આપી છે. કિસાન સૂર્યોદય યોજનામાં 1055 ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી આપી છે. ૩ વર્ષમાં 18 હજાર ગામોના ખેડૂતોને દિવસે વિજળી આપીશું.
વાસ્તવીકતા – 9 મહિનામાં માત્ર 1 હજારને દિવસે વીજળી આપે છે. હવે વર્ષે 6 હજાર ગામોને આવરી લેવા શક્ય નથી.
મુખ્ય પ્રધાન – 2014થી 6-7વર્ષમાં રૂ.15 હજાર કરોડની ખરીદી ટેકાના ભાવે કરી છે. નુકશાન સામે 3700 કરોડનું પેકેજ આપ્યું છે.
વાસ્તવીકતા – 1.20 કરોડ ટન મગફળી 6 વર્ષમાં પાકી છે. 100 કિલોના રૂ.1200 લેખે રૂ.72000 કરોડની મગફળી થાય છે. જેનો મતલબ કે સરકારે માત્ર 8 ટકા જ મગફળી ખરીદી છે, કપાસ અને બીજા પાકો પણ 4 ટકાથી વધું નથી. સરકારે 4 વર્ષમાં તમામ પાકનો માત્ર 16 હજાર ટન માલ જ ખરીદ કર્યો છે. લાખો ટન ઉત્પાદનની સામે તે એક અંકી ટકા છે.
મુખ્ય પ્રધાન – ગરીબ ખેડૂતોને પાક વીમાના પ્રિમીયમ ન ભરવા પડે તે માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરુ કરી બધું જ પ્રિમીયમ સરકાર આપે છે.
વાસ્તવીકતા – ગરીબ અને શ્રીમંત તમામ ખેડૂતોનો વીમો સરકારે બંધ કરી દીધો છે. હવે સરકાર માત્ર નજીવી ખેડૂતોને નુકસાની માટે સહાય આપે છે.
મુખ્ય પ્રધાન – ખેડૂત પરિવારના ખાતામાં રૂ.2 હજારની સહાય આપે છે.
વાસ્તવીકતા – ખેડૂતોને કુદરતી રીતે નકસાન થાય છે તેની સામે આ સહાય કંઈ નથી. વળી, જો સરકાર સ્વામીનાથન સમિતિ અનુસાર પડતર ભાવમાં 50 ટકા નફો ઉમેરીને આપે તો સરકારે આ સહાય આપવાની કોઈ જરૂર ન પડે. કારણ કે તો ખેડૂતોની આવક સીધી બે ગણી થઈ જાય તેમ છે.