The story of Godmother’s son Kandhal Jadeja બીબીસીના આભાર સાથે. गॉडमदर के बेटे कांधल जाडेजा की कहानी
23 એપ્રિલ 2022
ગોડમધર તરીકે ઓળખાતાં સંતોકબેન જાડેજા તથા અન્ય ગેંગ વચ્ચેની હિંસક લડાઈ અને ગેરકાયદેસર વેપારે પોરબંદરને વેપારમાં પાછળ ધકેલી દીધું છે. સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા કુતિયાણાની બેઠક પરથી ધારાસભ્ય છે. અદાલતે તેમને 18 માસની જેલની સજા ફટકારી હતી. પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના કેસમાં આ સજા ફટકારવામાં આવી હતી.
રાજકારણ, જ્ઞાત-જાતના સમીકરણ, ગેરકાયદેસર વેપાર અને ગુનાખોરીનું આ એક ઝેરી વિષચક્ર હતું, જેના કેન્દ્રમાં હતી જાડેજા ગેંગ અને તેનાં વડા હતા સંતોકબહેન.
સંતોકબહેનના પતિ (અને કાંધલ જાડેજાના પિતા) સરમણ તેમના ભાઈઓ સાથે સરેરાશ સંયુક્ત મેર પરિવારની જેમ પોરબંદરના મેમણવાડામાં રહેતા. મોટાભાઈ અરજણ પરિવારના મોભી હતા. સરમણ ઇચ્છતા હતા કે તેમના ચારેય પુત્ર ભણી-ગણીને આગળ વધે. તેમણે કાંધલને ભણવા માટે માંગરોળની એક શાળામાં બેસાડ્યો હતો.
ગેંગવોરનાં સમયમાં કાંધલે માંગરોળથી પરત આવી જવું પડ્યું. પોરબંદરની સરકારી ઇંગ્લિશ સ્કૂલમાં નવમું ધોરણ પાસ કર્યું. આજે પણ ખેતી અને ટ્રાન્સપોર્ટના વ્યસાય સાથે સંકળાયેલ છે.
સરમણ જાડેજા ખેતી અને મજૂરી કરીને જીવન પસાર કરી રહ્યા હતા, ત્યારે એક દિવસ ઉગ્ર બોલાચાલીમાં તેમનાથી એક શખ્સનું ખૂન થઈ ગયું. મૃતક વ્યક્તિની માથાભારે તરીકેની છાપ અને ધાક હતી. હવે સરમણ જાડેજાની ધાક વર્તાવા લાગી હતી.
મેર સમુદાયના લોકો પોરબંદર, કુતિયાણા અને બરડા પ્રદેશમાં મોટી સંખ્યામાં રહે છે. સરમણ જાડેજાનું કદ વધી રહ્યું હતું, તેમ-તેમ તેમની ગેંગના સભ્યોની સંખ્યા પણ વધી રહી હતી. તેમણે ટ્રાન્સપોર્ટ, બાંધકામ, ખાણકામ, સરકારી ઠેકા, કંપનીઓના કામ વગેરે ધંધામાં ઝંપલાવ્યું.
સરમણ પણ પોરબંદરના લોકોને સારા-માઠા પ્રસંગે મદદ કરતા. ભણવાની કે આરોગ્યની સારવારની જરૂરિયાતો પૂરી કરતા. તેમની મદદથી અનેક મેર વિદેશમાં સ્થાયી થયા અને તેમના ભાઈ ભૂરા પણ તેમાંથી એક હતા. આથી સરમણની છાપ ‘રોબિનહૂડ’ જેવી બની ગઈ હતી.
જ્યારે પાંડુરંગ અઠાવલેની ‘સ્વાધ્યાય ચળવળ’ સૌરાષ્ટ્રના ગામોમાં ફેલાઈ, ત્યારે સરમણ જાડેજાએ ગુનાખોરીનો રસ્તો છોડી દીધો. જોકે, કેટલાક સ્થાનિક હૃદય પરિવર્તનની વાતને નકારે છે.
ગુનાખોરીની ગલી ‘વન-વે’ છે, જેમાં વ્યક્તિ પ્રવેશી તો શકે છે, પરંતુ નીકળી નથી શકતી. જૂની અદાવતમાં તેમની હત્યા કરી દેવામાં આવી. ગુનાખોરીની દુનિયામાં ‘સરમણનો અસ્ત, એ સંતોકનો ઉદય’ હતો.
એ વખતે અનેક ગેંગ્સ પોરબંદરમાં અસ્તિત્વમાં આવી અને ગેરકાયદેસર ખાણકામ, દરિયાઈ દરવાજા પર કબજો, ટ્રાન્સપોર્ટ વગેરે જેવા વ્યવસાય માટે લોહિયાળ જંગ ખેલાયો હતો.
સરમણ હયાત હતા ત્યાર સુધી સંતોકબહેન સામાન્ય ગૃહિણીની જેમ જ જીવન જીવતાં હતાં. પતિના મૃત્યુના અમુક મહિનામાં જ પિતાતુલ્ય જેઠનું અવસાન થયું. દિયર લંડન હતા. આ તબક્કે તેમણે જ ગેંગ અને ધંધાની ધૂરા પોતાની હાથમાં લેવાનું નક્કી કર્યું.
સૌ પહેલાં તેમણે પતિની હત્યાનું વેર લેવાનું નક્કી કર્યું અને જેટલા લોકો સરમણ મુંજાની હત્યામાં સંડોવાયેલા હતા, તેમનો ‘હિસાબ’ કરી દેવામાં આવ્યો.
1980-90ના મધ્યભાગ સુધીમાં પોરબંદરમાં સંતોક ‘બહેન’ના ખૌફ તથા ફિલ્મી દૃશ્યની જેમ ખુલ્લી જીપમાં ફરતા તેમના દીકરા તથા સાથીઓની ધાક હતી.
સંતોકના પતિ સરમણ જાડેજાના જીવન પર પણ ફિલ્મ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સંજય દત્ત મુખ્ય પાત્ર ભજવવાના હતા. પરંતુ આ પ્રોજેક્ટ પરિણામ સુધી પહોંચી શક્યો નહોતો.
સંતોકબેન જાડેજા આગળ જતાં કુતિયાણાની બેઠક પરથી ધારાસભ્ય બન્યા અને રેકોર્ડ બહુમતીથી જીત્યા. એ પછી તેઓ વિધાનસભાના દાદરા તો ન ચઢ્યાં, પરંતુ બેઠક પર તેમનો દબદબો કાયમ રહ્યો. એ પછી તેમના દીકરા કાંધલે આ વારસો આગળ ધપાવ્યો.
2012થી કુતિયાણાની બેઠક પરથી કાંધલ જાડેજા ધારાસભ્ય છે. એ પહેલાં તેમના માતા અને કાકા પણ આ બેઠક પરથી વિધાનસભા પહોંચ્યા હતા.
1980માં પાસું પલટાઈ ગયું. કોંગ્રેસ(આઈ)ના ઉમેદવાર મેર મહંત વિજયદાસ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. તેઓ 1985ની ચૂંટણીમાં વધુ એક વખત ચૂંટાઇ આવ્યા.
ચીમનભાઈ પટેલે કોંગ્રેસથી અલગ થઈને જનતા દળની સ્થાપના કરી હતી. તેમને જીતી શકે તેવા ઉમેદવારોની જરૂર હતી.
આ સમયે કુતિયાણાની બેઠક પર સંતોકબેનને પસંદ કરવામાં આવ્યાં હતાં. સંતોકબહેન માન્ય મતના 75 ટકાની લીડ સાથે વિધાનસભામાં પહોંચ્યાં હતાં. તેમને 41 હજાર 909 મત મળ્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેલા કોંગ્રેસના ઉમેદવારને માત્ર પાંચ હજાર 359 મત મળ્યા હતા. 475 મત સાથે ભાજપના ઉમેદવાર ચોથા ક્રમે રહ્યા હતા, જ્યારે ત્રીજા ક્રમે એક અપક્ષ હતા.
કુતિયાણાની બેઠક પર સંતોકબેનનું આગમન થયું તે પહેલાં આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી હતી.
1995ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકીય પરિદૃશ્ય બદલાઈ ગયું, જેણે સંતોકબેનના રાજકીય ભાવિ પર પણ અનિશ્ચિતતા લાવી દીધી.
તેમના રાજકીય આશ્રયદાતા એવા ચીમનભાઈ પટેલનું અવસાન થઈ ગયું હતું. તેમના પછી છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા, જેમણે દેશની આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો. તેમની પાસે બહુ થોડી મુદત રહી હતી, પરંતુ આ અરસામાં તેમણે પોલીસને છૂટોદોર આપ્યો. પછી કેશુભાઈ પટેલની સરકાર આવી તેણે પોરબંદર અને રાજકોટમાં સંતોકબેનની ગેંગને ખતમ કરી હતી.
અમદાવાદના દારૂના વેપાર, જામનગર અને કચ્છ જિલ્લાના (એ સમયે દેવભૂમિ દ્વારકા સાથે) દાણચોરીના ગેરકાયદેસર વ્યવસાય સામે કાર્યવાહી શરૂ થઈ.
પરિવાર તથા ગેંગના સભ્યો પર ધમકી આપવા, હથિયાર ધારા, હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી, બળજબરીપૂર્વક સંપત્તિ પડાવવી વગેરે જેવા આઈપીસીની (ઇન્ડિયન પીનલ કોડ) કેટલીક કલમોથી લઈને ટાડા (ટેરરીસ્ટ એન્ડ ડિસ્ટરપ્ટિવ એક્ટીવીટીઝ (પ્રિવેન્શન) એક્ટ) હેઠળના કેસ દાખલ થયા.
1995ની વિધાનસભા ચૂંટણીમાં સંતોકબેનના દિયર ભૂરા મુંજા કડછા ચૂંટણીજંગમાં ઊતર્યા અને તેઓ જીત્યા પણ. જાડેજા પરિવારમાં ફાટ પડી હતી. સંતોકબહેન તથા ભૂરા મુંજાની વચ્ચે મતભેદ હતા.
રાજકીય અસ્થિરતા વચ્ચે 1998માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપને બહુમતી આપી. ભાજપના ઉમેદવાર કરસનભાઈ ઓડેદરાનો આ બેઠક પરથી વિજય થયો હતો. તેમણે ભૂરા મુંજાનાં પત્ની હીરલને પરાજય આપ્યો હતો.
2002માં કૉંગ્રેસે મહંત વિજયદાસજીના દીકરા મહંત ભરતકુમારને મેદાનમાં ઉતાર્યા, જ્યારે ભૂરા મુંજાએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું. છતાં કરસનભાઈ ઓડેદરાનો વિજય થયો અને 2007માં તેમણે વિજયની હૅટ્રિક પણ ફટકારી. 2007માં ભૂરા મુંજાએ અપક્ષ તરીકે ફરી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું, પરંતુ ત્રીજા ક્રમે રહીને સંતોષ માનવો પડ્યો.
2012માં સંતોકબેનના પુત્ર કાંધલે 18 હજાર 474 (16.03 ટકા) મતની સરસાઈ સાથે ભાજપના ઉમેદવાર ઉપર વિજય મેળવ્યો. 2017માં આ લીડ વધીને 23 હજાર 709 (માન્ય મતના 20.72 ટકા) પર પહોંચી.
1995 પછી સત્તાના સમીકરણને સાધવા તથા શક્તિના સમીકરણને પોતાની તરફેણમાં બદલાવવા માટે કેશુભાઈ પટેલની ભાજપ સરકારે કામગીરી ચાલુ રાખી. યુવા આઈપીએસ અધિકારી સતીશ વર્મા અને સુખદેવસિંહ ઝાલાની જોડીએ એક પછી એક ગેંગની કમર તોડવાની ચાલુ કરી.
લોકો જેમની સામેથી પસાર થવાની હિંમત નહોતા કરતા, એવા સંતોકબહેન સામે પણ ફરિયાદો થવા લાગી. સંતોકબેને જેલવાસ ભોગવવો પડ્યો. દીકરાઓએ ફરાર થવું પડ્યું. દિયર ભૂરા મુંજા સામે પણ કાર્યવાહી થઈ.
સંતોકબેને પોરબંદર છોડીને રાજકોટ આવી જવું પડ્યું, જ્યારે ભૂરા મુંજાએ ગાંધીનગરને બેઝ બનાવ્યો.
કાંધલ જાડેજાની બીજા પત્ની મનિષા છે. તેમનું બીજું લગ્ન છે. જ્યારે સંતોકબેનનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો, ત્યારે કાંધલનું લગ્ન રેખા સાથે થયું હતું. ત્યારે ગુજરાતના પ્રધાનમંડળના અનેક મંત્રી, પોલીસ તથા સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમાં હાજર રહ્યા હતા અને બિન્દાસ ડાન્સ પણ કર્યો હતો.
સંતોકબહેનની ઉંમર વધતી જતી અને પુત્રો ફરાર હતા એ અરસામાં ધંધાકીય નિર્ણયો લેવામાં તેઓ પુત્રવધુ રેખાની મદદ લેતા હતા. દરમિયાનમાં રાજકોટ ખાતેના નિવાસસ્થાને રેખાની હત્યા થઈ ગઈ.
પોલીસ તપાસમાં રેખાના દિયર કરણનું નામ બહાર આવ્યું.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સંતોકબહેન તેમનાં પુત્રવધૂ ઉપર વધુ વિશ્વાસ મૂકતા હતા એ વાત કરણને ખટકતી હતી એટલે ઇર્ષ્યામાં તેમણે આમ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં બીજી પણ કેટલીક થિયરી વહેતી થઈ.
રેખાનાં મૃત્યુ બાદ અને સંતોકબહેનની હયાતીમાં જ કાંધલે મનીષા સાથે લગ્ન કર્યું. માર્ચ-2011માં સંતોકબેનનું અવસાન થયું, તે પછી કાંધલ તેનો રાજકીય ઉત્તરાધિકારી બન્યા.
2005માં ભાજપના નગરસેવક કેશુ ઓડેદરાની હત્યા થઈ હતી, જેનો આરોપ કાંધલ તેના ભાઈઓ તથા અન્ય ઉપર લાગ્યો હતો.
2007માં કાંધલ જાડેજા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં પોલીસની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા હતા, ત્યારે એક રાત્રે ફરાર થઈ ગયા હતા. આ કેસમાં રાજકોટની અદાલતે તેને 18 મહિનાની જેલની સજા તથા રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે જ ચુકાદા સામે ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે એક મહિનાની મુદ્દત આપી હતી. 2009માં ફરીથી ઝડપાઈ ગયા બાદ કાંધલે આ કેસમાં 19 મહિનાનો જેલ વાસ ભોગવ્યો હતો.
2011માં અદાલતે કાંધલને ઓડેદરા મર્ડર કેસમાં નિર્દોષ છોડી મૂક્યા હતા. છતાં 10 જેટલા કેસ ચાલી રહ્યા હતા. કાંધલનો કેસ અંશ ભારદ્વાજે લડ્યો હતો, જે રાજ્યસભામાં ભાજપના સાંસદ સભ્ય અભય ભારદ્વાજના પુત્ર છે. ગોધરાકાંડ પછી ફાટી નીકળેલા હુલ્લડોના આરોપીના કેસ લડીને અભય ભારદ્વાજ ચર્ચામાં આવ્યા હતા.