Two lion safaris approved in Gujarat, 3 not
અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં
દિલીપ પટેલ
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બન્ને સફારી પાર્ક પાછળ કુલ રૂ. 100 કરોડનું ખર્ચ થઈ શકે છે. 10 ઓગસ્ટ 2013થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પૂર્વે મંજૂરી આપવામાં આવી હતી. માત્ર સિંહ જ નહીં પણ, વધુ પ્રજાતિનાં વન્યપ્રાણી રાખવામાં આવશે.
કચ્છ
પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર નિત્યાનંદ શ્રીવાસ્તવ અને કચ્છના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સંદીપકુમારના મત પ્રમાણે નારાયણ સરોવર પાસે 300 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનશે. પ્રવાસન અને સિંહ બ્રીડીંગ સેન્ટર માટેનો પ્રોજેક્ટ છે.
ઉના
દીવ નજીક ઉના એ ગીર જંગલને અડીને આવેલો વિસ્તાર છે. અહીં લાયન સફારી બનશે. ઉના તાલુકાના નલીયા-માંડવી દીવથી 8 કીમી થાય છે. જેની 9 મહિના અગાઉ જાહેરાત થઈ ચૂકી છે.
સર્વોચ્ચ અદાલતની મંજૂરી લેવાશે
બન્ને સફારી પાર્ક જંગલ ખાતાની 400-400 હેકટર જમીન પર બનાવવામાં આવશે. સર્વોચ્ચ અદાલતમાં દરખાસ્ત કરાશે. જંગલની જમીનમાં ઝૂ કે સફારી પાર્ક બનાવવા માટે અદાલતની પરવાનગી અનિવાર્ય છે.
3 સફારી પાર્ક
હાલ જૂનાગઢ અને અમરેલી ગીરમાં બે સફારી પાર્ક છે. સકકરબાગ ઝૂ બ્રિડીંગ, દેવળીયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક છે. રાજકોટ પાસે બ્રિડીંગ સેન્ટર છે. રાજકોટમાં રાંદરડા નર્સરી નજીક 28 હેક્ટરમાં સફારી પાર્ક બની રહ્યો છે.
સફારી પાર્ક
જુનાગઢમાં દેવળિયા સફારી પાર્ક છે. અમરેલીના ધારીથી 7 કિલોમીટર દૂર ગીરના આંબરડીમાં ગુજરાતનો બીજો સફારી પાર્ક 4000 હેક્ટરમાં ફેલાયેલો છે.
રાજકોટમાં લાલપરી-રાંદરડા તળાવના ઝૂની પાસે 28 હેક્ટરમાં રૂ. 30 કરોડના ખર્ચે લાયન સફારી બનાવવા ઝૂ ઓથોરિટીએ અગાઉ મંજુરી રાજકોટ મહાપાલિકાને આપી છે. ફેન્સીંગ વોલના કામો થયા છે. હવે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.
સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં સિંહ બ્રિડીંગ સેન્ટર છે. રાજકોટમાં સિંહોનું ઉછેર કેન્દ્ર (બ્રીડીંગ સેન્ટર) છે. અહીં 50થી વધુ સિંહોનો જન્મ થયો છે. ઝૂમાં 12 સિંહો છે.
બીજું ઘર બરડો
પોરબંદર પાસે બરડા વન્યજીવન અભયારણ્યમાં પ્રોજેક્ટ લાયન હેઠળ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા 40 સિંહો રાખવા કહ્યું છે. કેટલાંક લાવવામાં આવ્યા છે. બરડા-આલેચ ટેકરીઓ અને દરિયાકાંઠાનાં જંગલોમાં રહી શકે. બરડામાં સિંહ છેલ્લે 1879 સુધી હતા. બરડા અભયારણ્યમાં સિંહને વસાવવાનો સરકારનો પ્રોજેક્ટ સફળ થયો નથી. બરડા વિસ્તારની માનવવસ્તીને અન્યત્ર ખસેડવામાં આવી રહી છે.
ફોક વચન
અમદાવાદમાં લાયન સફારી પાર્ક ઊભું કરવાની જાહેરાત 6 ઓક્ટોબર 2018ના રોજ સરકારે કરી હતી પણ કંઈ ન કર્યું. વાપીમાં વન્ય પ્રાણી સુરક્ષા સપ્તાહ કાર્યક્રમ દરમિયાન રાજ્યના વન પ્રધાન રમણ પાટકરે અમદાવાદમાં સિંહ વસાવવાની જાહેરાત કરી હતી. લોકોને આકર્ષવા માટે સિંહનો ઉપયોગ થઈ રહ્યો છે.
5 વર્ષ પછી 2023માં અમદાવાદમાં ફરી જાહેરાત કરી હતી કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રૂ.250 કરોડના ખર્ચે 500 એકરમાં ગ્યાસપુર ગામ પાસે ગુજરાતનું સૌથી મોટું જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. ગાઢ જંગલ અને ડિઝાઇન અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટની નિમણૂક માટેની ટેન્ડર બહાર પડાયા હતા.
નર્મદા બંધ પાસે કેવડિયામાં મુખ્ય નહેર તરફ 6 કિમી દૂર 100 હેક્ટર વિસ્તારમાં સિંહ અને વાઘ સફારી પાર્ક બનવાના હતા. ZSL લંડન ઝૂમાં જોવા મળતા પ્રદર્શનો જેવા જ પ્રદર્શન બનાવવાના હતા. કેવડિયા જંગલ સફારીમાં પ્રાણીઓ લાવવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં ગિફ્ટ સિટીથી 24 કિલોમીટર દૂર 400 હેક્ટર જંગલ ખાતાની જગ્યામાં લાયન પાર્ક બનાવવાની જાહેરાત 2018માં વન પ્રધાન ગણપત વસાવાએ કરી હતી. 2022માં શરૂ કરી દેવાના હતા. કંઈ ન થયું.
વસ્તી
6 વર્ષમાં સિંહોની વસ્તીમાં 30 ટકાનો વધારો થયો છે.
2015માં 511 સિંહ હતા. 2020માં પૂનમ અવલોકનની ગણતરીમાં 674 જેટલા સિંહ હતા. 2022માં 736 સિંહ હતા. 2024 સુધીમાં સિંહોની વસ્તી 850 થવાની સંભાવના છે.
હિજરત
1,412 ચો.કી.મી. ગીર જંગલ છોડીને સિંહ બહાર આવી રહ્યા છે. પોરબંદર, રાજકોટ,ગોંડલ, ચોટીલા સુધી આવી જાય છે. તેથી એશિયાટીક સિંહ સૌરાષ્ટ્રના ગીર જંગલ બહાર અન્ય વિસ્તારોમાં વસાવાઈ રહ્યા છે. 7 જિલ્લામાં સિંહ આવી ગયા છે. ગીર અભયારણ્યની બહાર 400 જેટલા સિંહ હોવાનું અનુમાન છે. ગીરમાં વૃક્ષો વધી જતાં તેઓ બહાર આવે છે. તેથી ભાવનગર પાસે શેત્રુંજી નદીના કાંઠાના કેટલાક ભાગને અભ્યારણ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
મોત
2020-21માં 123, વર્ષ 2020 -22માં 113 અને 22-2023 માં 89 જેટલા સિંહના મૃત્યું થયા હતા.
વાયરસ
ગીરનાં પૂર્વની દલખાણિયા રેન્જમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસનાં કારણે 23 સિંહોનાં મોત નિપજ્યાં હતાં. ત્યારે વન પ્રધાને રાજીનામું આપ્યું ન હતું. સિંહ જોખમમાં આવી પડે તેમ છે.