વધતી મોંઘવારીમાં બેકારીનો 2021માં બમણો માર
દિલ્હીમાં દર બીજી વ્યક્તિ બેકાર, ગુજરાતમાં માત્ર 2.3 ટકા બેકારી છે. રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી 45 ટકા સુધી પહોંચી, હરિયાણામાં બેરોજગારી દર 29.1 ટકા અને તામિલનાડુમાં 28 ટકા. અહેવાલ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરાયો છે.
પણ ગુજરાતની વિગતો જાહેર કરી છે તે શંકાસ્પદ છે.
2017-18ના રોજગારીના આંકડા NSSO(નેશનલ સૅમ્પલ સર્વે ઑફ ઇન્ડિયા) દ્વારા જાહેર કરવામાં આવ્યા તેમાં ગુજરાતમાં બેરોજગારીની ટકાવારી વધી હતી. તો પછી કોરોનામાં ધંધા બંધ થયા છે તો બેકારી કઈ રીતે ઓછી થઈ શકે છે.
2011-12માં ગુજરાતમાં બેરોજગારી 0.5 ટકા હતી જે વધીને 2017-18માં 4.8 ટકા થઈ ગઈ હતી.
2017-18ના આંકડા પ્રમાણે શહેરી વિસ્તારમાં બેકારીનું પ્રમાણ 5.2 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં બેકારીનું પ્રમાણ 4.3 ટકા છે. ગુજરાતના યુવાવર્ગમાં બેકારીનું પ્રમાણ પણ વધ્યું છે.
ગ્રામ્ય વિસ્તારમાં યુવાવર્ગની બેરોજગારીની ટકાવારી 2011-12માં 0.8 ટકા હતી જે વધીને 2017-18માં 14.9 ટકા થઈ ગઈ છે. જ્યારે શહેરી વિસ્તારમાં યુવાવર્ગની બેરોજગારી 2011-12માં 2.1 ટકા હતી જે વધીને 2017-18માં 10.7 ટકા થઈ હતી.
ગુજરાતમાં ડિપ્લોમા કે સર્ટિફિકેટ કૉર્સ સુધીનો અભ્યાસ ધરાવતા લોકોમાં બેરોજગારીનું પ્રમાણ 30.3 ટકા છે.
સ્નાતક સુધીનો અભ્યાસ ધરાવતા 9.1 ટકા, અનુસ્નાસ્તક સુધીનો અભ્યાસ ધરાવતા 12.8 ટકા લોકો બેરોજગાર છે.
વધતી જતી મોંઘવારી વચ્ચે લોકોની આર્થિક હાલત ખરાબ થઈ રહી છે અને બીજી તરફ બેકારીના કારણે સ્થિતિ વધારે વણસી રહી છે.
ઈકોનોમીમાં સુસ્તીના કારણે બેકારીનો દર વધી ગયો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી 45 ટકા સુધી પહોંચી ચુકી છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો દિલ્હીમાં દરેક બીજો વ્યક્તિ બેકાર છે. જ્યારે હરિયાણામાં બેરોજગારી દર 29.1 ટકા અને તામિલનાડુમાં 28 ટકા છે.
આ આંકડા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરાયા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, દેશનો સરેરાશ બેરોજગારી દર 10.8 ટકા છે. મે મહિનામાં તે 11.9 ટકા હતો. શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 12.9 ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં 9.8 ટકા છે. રાજ્ય પ્રમાણે બેકારીના આંકડામાં ગુજરાતનો દેખાવો ઘણો સારો છે. સૌથી ઓછી બેકારી જે રાજ્યોમાં છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
રાજ્ય પ્રમાણેના ટકાવારીના આંકડા આ પ્રમાણે છેઃ દિલ્હી 45.6, હરિયાણા 29.1, તામિલનાડુ 28, રાજસ્થાન 27.6, આંધ્ર 13.5, બિહાર 13.8 ટકા, ગોવા 20.6 ટકા, જમ્મુ કાશ્મીર 12.1 ટકા, ઝારખંડ 16 ટકા, કેરલ 23.4 ટકા, પોંડીચેરી 24 ટકા, ત્રિપુરા 20 ટકા, બંગાળ 19.3 ટકા, આસામ 0.1, ગુજરાત 2.3, કર્ણાટક 5.3, મધ્યપ્રદેશ 5.3, ઓરિસ્સા 7, ઉત્તરાખંડ 5.5, ઉત્તર પ્રદેશ 6.9, ગુજરાતમાં માત્ર 2.3 ટકા બેકારી છે.
વ્યાપારિક સંગઠન કેટનુ કહેવુ છે કે, બજારમાં હજી પણ અનિશ્ચિતતાનો માહોલ છે. બજારો ખુલ્યા છે પણ લોકો પાસે કેશની અછત હોવાથી લોકો ખરીદી કરવાથી બચી રહ્યા છે અને બજારમાં તેજી આવી રહી નથી. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરની પણ આગાહી કરવામાં આવી છે. તેના કારણે માર્કેટમાં રોકાણ થઈ રહ્યુ નથી. વેપારીઓને ડર છે કે, જો ત્રીજી લહેર આવીને લોકડાઉન લાગુ થયુ તો પૈસા ફસાઈ શકે છે. જેના કારણે પણ માર્કેટમાં સુસ્તી દેખાઈ રહી છે. જોકે હવે લોકડાઉન હળવુ થઈ રહ્યુ છે ત્યારે આગામી મહિનાઓમાં બેકારીની સ્થિતિ સુધરી શકે છે.