નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જાહેર સ્પષ્ટતામાં શું કહેવું પડ્યું ?

આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે,

પ્રચાર માધ્યમોએ અને દૈનિકપત્રોએ આરોગ્ય મંત્રીની કામગીરીની ટીકા કરી છે અને આરોગ્ય મંત્રી તરીકે મેં કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે તે અંગે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની જનતા જાણી શકે એ માટે મારે કહેવું જોઈએ કે, આરોગ્ય મંત્રી તરીકે છેલ્લા બે મહિનામાં મેં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની પાંચ વખત વિગતવાર મુલાકાત લીધી છે.

આ મુલાકાત દરમિયાન તજજ્ઞ ડૉક્ટર, અમદાવાદ શહેરના અને ગુજરાતના નિષ્ણાત ખાનગી તબીબો અને વિશેષજ્ઞો સાથે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ત્રણ વખત બેઠકો કરી હતી.

આ બેઠકો વખતે મુખ્યમંત્રીશ્રીના ખાસ સચિવ શ્રી કૈલાસનાથન, સિવિલ હોસ્પિટલની વિશેષ જવાબદારી સંભાળતા અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતી રવિ પણ સાથે હતા.

મારી વય 64 વર્ષની છે આગામી 22મી જૂને મને 65 મું વર્ષ બેસશે. કોરોનાની માર્ગદર્શિકા પ્રમાણે સિનિયર સિટીઝને ઘરની બહાર નીકળવું પણ જોખમી છે. અમારા પરિવારના સભ્યો પણ સ્વાભાવિકપણે જ ચિંતા કરીને અમને બહાર જતા અટકાવે છે. એવા સંજોગોમાં મેં એક પણ વખત બહાર જવાનું ટાળ્યું નથી.

મહામારી સામે સિનિયર સિટીઝનોને બહાર જવાની છૂટ ન હોવા છતાં પણ હું જનહિતમાં હોસ્પિટલોની વિઝીટ અને તબીબો સાથે બેઠકો કરીને આ સ્થિતિનું આરોગ્ય મંત્રીના નાતે સતત મોનીટરીંગ કરી રહ્યો છું.

મુલાકાતો ટાળવાની તબીબી નિષ્ણાતોની સલાહ હોવા છતાં માત્ર ને માત્ર પ્રજાના હિત માટે જ દાનના ચેક સ્વીકારવા માટે જોખમ લઇ રહ્યો છું. અત્યાર સુધીમાં અંદાજે રૂ.450 કરોડથી વધુ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન પેટે આવી છે.

અમદાવાદના ધારાસભ્યો શૈલેષ પરમાર, ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાતે આવ્યા હતા. આ ત્રણેય આગેવાનોના વિસ્તારોમાં સૌથી વધુ પોઝિટિવ કેસ અને કોરોનાનું સૌથી વધુ સંક્રમણ હતું. આ નેતાઓ પૈકી ઈમરાન ખેડાવાલા પોતાના સેમ્પલ આપીને આવ્યા હતા, ટેસ્ટનું પરિણામ બાકી હતું. એ સાંજે એમને પોઝિટિવ જણાયો. આ મુલાકાત વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે હું હાજર હતો.

નિયમ પ્રમાણે અમારે પણ સાત દિવસ સુધી ક્વૉરેન્ટાઈન રહેવું પડ્યું હતું. આમ છતાં પ્રજાના હિતમાં જોખમ લઈને પણ અમે અમારું કામ એ પછી પણ ચાલુ રાખ્યું છે.

કોરોનાના આ કપરા સંજોગોમાં જ્યાં તમામ લોકો વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરીને કામગીરી કરી રહ્યા છે. સતત 55 દિવસથી આવા ટેન્શન વચ્ચે પણ સતત કલાકો સુધી બેઠકો કરીને કામગીરી કરી રહ્યા છે. આ અમારી જવાબદારી છે, અમારું કર્તવ્ય છે.

ગુજરાત સામે કોરોનાનો પડકાર હજુ ઊભો જ છે.

60 દિવસમાં ગુજરાત સરકારના સમગ્ર વહીવટી તંત્રે ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ કેટલાક કમનસીબ બનાવોને આગળ કરીને રાજ્ય સરકારને બદનામ કરવાના પ્રયત્નો થાય એ યોગ્ય નથી.

ગુજરાતમાં માર્ચના છેલ્લા અઠવાડિયામાં કોરોના દેખાવાની શરૂઆત થઈ ત્યારથી આ 60 દિવસમાં સળંગ 55 દિવસ સુધી કલાકો સુધી બેઠકો કરીને આ પડકારને પહોંચી વળવા રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે.

કોર ગ્રૂપની બેઠકમાં નિર્ણય કરીને રાજ્યમાં ચાર મહાનગરોમાં 2100 પથારીઓ સાથેની ડેડીકેટેડ કૉવીડ હોસ્પિટલોનું નિર્માણ યુદ્ધના ધોરણે હાથ ધરાયું. રાજ્યની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા અને પુરતા સંસાધનો ઉપલબ્ધ કરાવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી.

નાણા વિભાગના વરિષ્ઠ સચિવ પંકજ જોશીના અધ્યક્ષપદે પરચેઝ કમિટીની રચના કરવામાં આવી અને જ્યારે સમગ્ર દેશમાં લૉકડાઉન હતું તેવા સંજોગોમાં વેન્ટિલેટર, ડાયાલીસીસ મશીનો, પી.પી.ઈ.કીટ વગેરેની જરૂરિયાતોને પહોંચી વળવા અસરકારક પ્રયત્નો થયા છે.

રાજયમાં માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજકોટ ખાતે પ્રથમ કેસ પોઝિટિવ આવ્યો ત્યારથી લગભગ દરરોજ સાંજે કોર કમિટીની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાય છે. છેલ્લા પંચાવન દિવસથી એકપણ દિવસની રજા ભોગવ્યા સિવાય જનહિત માટે કલાકો સુધી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજીને પડકારને પહોંચી વળવા અને ગુજરાતની જનતાને વધુ સુરક્ષિત રાખવા સતત કામગીરી કરી રહ્યા છીએ.

આ કોર કમિટીમાં નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ , પોલીસ મહાનિર્દેશક, ગૃહના અધિક મુખ્ય સચિવ અને આરોગ્ય અગ્રસચિવ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ આ કમિટીના સભ્ય છે.

ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં 19 માર્ચે વિદેશથી પાછા આવેલા વ્યક્તિનો નોંધાયો હતો ત્યારબાદ રાજયમાં કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. તેને ધ્યાને લઈને રાજય સરકારે તારીખ 21મી માર્ચે અમદાવાદ ખાતે 1200 બેડ, સુરત ખાતે 500, વડોદરા ખાતે 250 અને રાજકોટ ખાતે 250 બેડ મળી કુલ 2200 બેડની સરકારી ડેડીકેટડ કોવિડ-19 હોસ્પિટલની જાહેરાત કરીને માત્ર 10થી 12 દિવસના ટૂંકાગાળામાં જ આ હોસ્પિટલો રાજ્ય સરકાર દ્વારા ઉભી કરી દેવામાં આવી હતી. એ જ રીતે એપ્રિલ માસમાં રાજ્યના 26 જિલ્લાઓમાં 31 ખાનગી/ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આશરે 21 હજાર જેટલા બેડ કોવિડ-19 માટે અનામત રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં કોવિડ-19ને સ્પર્શતી કામગીરી સારી રીતે થાય તે માટે સિનિયર IAS અધિકારીઓને ચોક્કસ જવાબદારી પણ સોપીને સતત મોનીટરીંગ પણ કરાઈ રહ્યુ છે. માર્ગદર્શન અને સુપરવિઝન માટે વરિષ્ઠ સચિવોને પણ જે તે જિલ્લામાં ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

તેમાં અધિક મુખ્ય સચિવ પંકજકુમારને અમદાવાદ સિવિલ મેડી સિટી કેમ્પસ, રાજીવ કુમાર ગુપ્તાને અમદાવાદ મહાનગર તેમજ કૃષિના અધિક મુખ્ય સચિવને ક્રિટીકલ કેર માટેની જવાબદારીઓ સોંપાઈ છે. આ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીના માર્ગદર્શન માટે ત્રણ સચિવોને રાજ્યના 12 જિલ્લાઓમાં પણ સચિવ કક્ષાના આવા અધિકારીઓને આવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

અમદાવાદ મહાનગરમાં કન્ટેન્ટમેન્ટ ઝૉનમાં આવતા 10 વોર્ડમાં લોકોને ઘર આંગણે આરોગ્ય સેવા-સારવાર માટે 40 ધન્વંતરી રથ-મોબાઇલ મેડિકલ વાન, ડોક્ટરની ટીમ સાથે કાર્યરત કરવામાં આવી છે. તેનું પણ સમગ્ર સંકલન IAS અધિકારીઓને સોંપવામાં આવ્યું છે. સર્વેલન્સ તથા કોરોના ટેસ્ટીંગની કામગીરીને વધુ સઘન બનાવવા માટેની સમગ્ર જવાબદારી સચિવ કક્ષાના IAS અધિકારીને સોંપવામાં આવી છે.

રાજ્યમાં કલસ્ટર કન્ટેઇનમેન્ટ વિસ્તારો અને લેબર કેમ્પમાં રહેતી સગર્ભા બહેનો જેમનો પ્રસૂતિ સમય નજીકમાં જ હોય તેવી બહેનોના કોવિડ-19 તપાસ ટેસ્ટ રાજ્ય સરકાર કરાવે છે. સાથે સાથે રાજ્યના 28 જિલ્લાઓમાં 100 બેડની સરકારી કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં 300 બેડની હોસ્પિટલ કોવિડ-19ના સંક્રમિતોની સારવાર માટે કાર્યરત કરી દેવાઈ છે.

અમદાવાદ શહેરની 1200 બેડની હોસ્પિટલ સહિત કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલના એક વિભાગમાં તથા કેન્સર સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજ, સોલા સિવિલ હોસ્પિટલ, એસવીપી હોસ્પીટલ સહિત અમદાવાદની અન્ય 25 જેટલી હોસ્પિટલોને જોડીને કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર પૂરી પાડી છે.

હાઇકોર્ટ દ્વારા ખાનગી હોસ્પિટલોનો સહયોગ મેળવવાનું જે અવલોકન કરાયું છે
રાજ્ય સરકારે શરૂઆતથી જ આ કામગીરી પૂરી કરી લીધી છે. રાજ્યમાં ખાનગી હોસ્પિટલો કે જ્યાં બેડની સુવિધા છે તેમાં 50 ટકા બેડ સરકારને ફાળવવા ફરજિયાત કરીને રિઝર્વ કર્યા છે. આ 50 ટકા બેડનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. નાગરિકોએ એક પણ પૈસાનો ખર્ચ ભોગવવો ન

તમામને દવા, સારવાર અને રહેવાનો ખર્ચ સરકાર આપે છે એ જ રીતે જે નાગરિકોને કવોરન્ટાઇન કરવાના થયા તેમને સમરસ હોસ્ટેલ સહિત અમદાવાદ શહેરની અન્ય સંસ્થાઓમાં કર્યા છે અને તેનો તમામ ખર્ચ પણ સરકારે ઉઠાવ્યો છે.

ભારત સરકારે ગુજરાતને જેટલી કીટ જોઈએ એટલી ફાળવી છે અને રાજ્ય સરકાર દ્વારા દરરોજ સરેરાશ પાંચ હજારથી વધુ ટેસ્ટ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કર્યા છે, જે અન્ય રાજ્યોમાં થતા નથી. ખરેખર પૂરતા પ્રમાણમાં ટેસ્ટ થાય તો જ સાચી માહિતી બહાર આવી એટલે અમે શરૂઆતથી જ ટેસ્ટીંગની સંખ્યા વધારીને સામેથી સર્વેલન્સની કામગીરી કરી છે.

કોરોનાની મહામારી અને લોકડાઉન દરમિયાન મધ્યમ વર્ગીય પરિવારોને લાખો ટન અનાજ ભારત સરકારના સહયોગથી રાજ્ય સરકારે વિતરણ કર્યું છે.

ગુજરાતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન જવા માટે સૌથી વધુ શ્રમિક ટ્રેનો ગુજરાતે દોડાવી છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં શ્રમિકોને રવાના કર્યા છે.

શરૂઆતના તબક્કે લોકડાઉનમાં હજારો શ્રમિકો પગપાળા તેમના વતન જવા નીકળી પડ્યા હતા. તે સમયે તેમને બસો દ્વારા મોકલવાનો મહત્વનો નિર્ણય કરીને તેમના રાજ્યની બોર્ડર સુધી પહોંચતા કર્યા છે.

સાથે સાથે લોકડાઉન-4 માં જે છૂટછાટો આપી છે તે વેળાએ પણ સુરત ખાતેથી ચારથી પાંચ લાખ લોકોને સૌરાષ્ટ્ર પહોંચાડ્યા છે અને દાહોદ જિલ્લાના અનેક આદિવાસી નાગરિકોને પણ તેમના જિલ્લામાં મોકલવાની વ્યવસ્થા સરકારે કરી છે.

અમારા કામને હકારાત્મક રીતે લોકો જુએ. પ્રજા માટે કામ કરનાર લોકોને પ્રોત્સાહન આપવું જોઇએ.