ગુજરાતમાં કોરોનાની મહામારીમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિ 20 કલાક કામ કરી રહ્યાં છે પરંતુ તેમની સાથે ગુજરાતના આરોગ્ય વિભાગનો 50 હજારથી વધુનો સ્ટાફ પણ ખડેપગે છે. રાજ્ય સરકાર પાસે ડોક્ટરોની જે ટીમ મોજૂદ છે તે પૈકી 25 ટકાને કોરોના સારવાર માટે ફરજયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે 16500 ડોક્ટરો વિવિધ હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાલક્ષી સેવાઓ આપી રહ્યાં છે. બીજી તરફ રાજ્યના 21 ઓફિસરો એવાં છે કે જેઓને સરકારે કોરોના સબંધિત સેવાઓ સુપરત કરવામાં આવી છે.
ગુજરાતના આરોગ્ય વિભાગ પાસે બહોળો સ્ટાફ છે જેને હાલ કોરોના વાયરસના સંક્રમણ સમયે કામે લગાડવામાં આવ્યો છે. આ વિભાગ પાસે વર્ગ-1ના 5736, વર્ગ-2ના 7890, વર્ગ-3ના 28944, વર્ગ-4ના 15519 મળીને કુલ 58089નો સ્ટાફ છે. સચિવાલય સ્થિત આરોગ્ય વિભાગની કચેકીમાં કુલ 221નો સ્ટાફ છે જ્યારે આરોગ્ય કમિશનર કચેરી પાસે 865નો સ્ટાફ મોજૂદ છે જે સમગ્ર સ્ટાફ ડ્યુટી પર છે. જિલ્લાકક્ષાએ 5376 ડોક્ટરો સહિતનો મેડીકલ સ્ટાફ છે. 7821 જેટલા ટેકનિશિયન રાજ્યના મુખ્ય શહેરો તેમજ જિલ્લાઓમાં દર્દીઓને વિવિધ સેવાઓ આપી રહ્યાં છે. આ કુલ સ્ટાફમાંથી 20 ટકા એટલે કે 12000 જેટલો સ્ટાફ કોરોનાની સારવારમાં રોકાયેલો છે.
મહત્વની બાબત એવી છે કે તબીબી શિક્ષણ સેવાના ડોક્ટરો સહિતના મેડીકલ સ્ટાફની સંખ્યા ગુજરાતમાં 8960 જેટલી છે. બીજા 24289 જેટલો સ્ટાફ વિવિધ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં રોકાયેલો છે. કોરોનાની સારવાર માટે ગુજરાત સરકારે આયુષ વિભાગના 1131 ડોક્ટરો તેમજ મેડીકલ સ્ટાફની સેવા પણ લીધી છે. એ ઉપરાંત મેડીકલ સર્વિસના 114 ઓફિસરો અને ખોરાક તેમજ ઔષધ કમિશનર કચેરીના 106 ઓફિસરોની પણ મદદ લેવામાં આવી રહી છે.
કોરોના મહામારીમાં ખડેપગે રહેલા ઓફિસરો….
1. આરોગ્ય અગ્રસચિવ —– ડો. જ્યંતિ રવિ
2. રાજ્યના આરોગ્ય કમિશનર —– જયપ્રકાશ શિવહરે
3. એમડી, મેડીકલ સર્વિસિઝ —– ડો. સુમન રત્નામ
4. મિશન ડાયરેક્ટર —– જેડી દેસાઇ
5. એડિશનલ ડાયરેક્ટર —– ડો. આરએમ મહેતા
6. એડિશનલ ડાયરેક્ટર —– ડો.પ્રકાશ વાઘેલા
7. એડિશનલ ડાયરેક્ટર —– ડો. નિલમ પટેલ
8. એડિશનલ ડાયરેક્ટર —– આરએન ડોડિયા
9. એડિશનલ ડાયરેક્ટર —– આરએન દિક્ષીત
10. સીપીઓ —– ડો. એનકે હાવહને
11. જોઇન્ટ ડાયરેક્ટર —– આરઆર વૈદ્ય
12. ડેપ્યુટી ડાયરેક્ટર —– આરવી પાઠક
13. આસિસ્ટન્ટ ડાયરેક્ટર —– યુબી ગાંધી
14. ડેપ્યુટી ડાયરેક્ટર —– એમએમ વેગડ
15. ડેપ્યુટી ડાયરેક્ટર —– ડો. તૃપ્તિ દેસાઇ
16. ડેપ્યુટી ડાયરેક્ટર —– ડો. ગિરીશ ઠાકર
17. ડેપ્યુટી ડાયરેક્ટર —– ડો. જેસી પટેલ
18. ડાયરેક્ટર —– ડો. જનકકુમાર માઢક
19. આસિસ્ટન્ટ ડાયરેક્ટર —– ડો. રાકેશ વૈદ્ય
20. જોઇન્ટ ડાયરેક્ટર —– ડો. આરકે કાન્છવ
21. જોઇન્ટ ડાયરેક્ટર —– ડો. એનપી જાની
ગુજરાતમાં સરકારી ડોક્ટરોની સંખ્યા મહેકમ અને હાલની વસતીની સરખામણીએ ખૂબ ઓછી છે તેમ છતાં સરકારે અત્યારે તમામ ડોક્ટરોને કોરોના વાયરસની સારવારની સેવામાં લગાડી દીધા છે. રાજ્ય મેડીકલ કાઉન્સિલના આંકડા પ્રમાણે રજીસ્ટર્ડ થયેલા ડોક્ટરોની સંખ્યા 66944 છે, જે દેશના કુલ ડોક્ટરોની સરખામણીએ માત્ર 5.77 ટકા છે. ગુજરાતમાં પ્રતિ 1000ની વસતીએ એક ડોક્ટર હોવો જોઇએ પરંતુ તે પ્રમાણ જળવાયું નથી. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મેડીકલ સ્ટાફની પણ મોટી અછત છે. આરોગ્ય કેન્દ્રોમાં હાલ સુપર સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાંતો મળતા નથી. હેલ્થ વર્કરોની પણ કમી છે. રાજ્યના આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં 2287 નર્સ પણ ઓછી છે. અત્યારે સરકાર માત્ર 16500 ડોક્ટરોની જ સેવા લઇ રહી છે.
ગુજરાતનું પબ્લિક હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઇએ તો ત્રણ સુપર સ્પેશ્યાલિટી ફેસિલિટી છે. 22 મેડિકલ કોલેજ છે. 22 જિલ્લા હોસ્પિટલો છે. 33 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને 117 ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલ છે. રાજ્યમાં 351 સીએચસી અને 1393 પીએચસી છે. 307 અર્બન હેલ્થ સેન્ટર અને 9156 સબ સેન્ટર્સ છે. મહત્વની બાબત એવી છે કે ગુજરાતના આરોગ્ય સેન્ટરો અને હોસ્પિટલોમાં વર્ષ દરમ્યાન સરેરાશ અઢી કરોડ આઉટડોર અને 21 લાખ દર્દીઓને ઇનડોર સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લાના આરોગ્ય કેન્દ્રો કે જે મોટેભાગે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે તેમાં ડોક્ટરો અને મેડીકલ સ્ટાફની અછત છે પરંતુ અન્ય હોસ્પિટલોમાં સ્ટાફની નિયુક્તિનું ધ્યાન રાખવાં આવે છે. હાલ મોટાભાગની હોસ્પિટલોમાં 2800 જેટલા રૂમ કોરોના માટે રિઝર્વ કરી દેવામાં આવ્યા છે અને 75 ટકા ડોક્ટરોને તેની સેવામાં મૂકવામાં આવ્યા છે.
આ તમામ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો છ ઝોનમાં વહેંચાયેલી છે. આ છ ઝોનમાં ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, વડોદરા અને સુરતનો સમાવેશ થાય છે. રાજ્યમાં 33 મોબાઇલ હેલ્થ યુનિટ્સ પણ આવેલા છે. આ તમામને કોરોના વાયરસ સામે લડવા માટે ખડેપગે રાખવામાં આવ્યા છે. એ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ 2 સહિત કુલ 41 આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે ગુજરાત 559 આયુર્વેદિક ડિસ્પેન્સરી, 500 લાયસન્સ્ડ ફાર્મસીઝ, 18 હોમિયોપથી હોસ્પિટલ અને 219 હોમિયોપથી ડિસ્પેન્સરીઝ પણ ધરાવે છે. ગુજરાત પાસે બહોળી આરોગ્ય સુવિધા છે પરંતુ સૌથી મોટી સમસ્યા પુરતા સ્ટાફના અભાવની છે.