ભાજપના 40 વર્ષમાં 11 પ્રમુખ કોણ રહ્યાં ? વાંચો તેમની કર્મ કુંડળી

દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ આજે પોતાનો 40મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. 6 એપ્રિલના દિવસે 1980માં ભાજપની રચના થઈ હતી. બીજેપીની રચના બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં, પક્ષએ માત્ર 2 બેઠકો જીતી હતી, પરંતુ આજે તેની પાસે મજબુત બહુમતી સાથે કેન્દ્રની સત્તા છે. પક્ષની ચાલીસ વર્ષની આ યાત્રામાં, ઘણા નેતાઓએ તેમના નેતૃત્વ હેઠળ પક્ષને આગળ વધાર્યો હતો.

લાલકૃષ્ણ અડવાણીએ સૌથી મજબૂત પક્ષ બનાવ્યો હતો. નજર કરીએ જેઓ ભાજપ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તમામ 11 પ્રમુખ આર.એસ.એસ.ના કાર્યકર રહ્યાં છે.

પૂર્વ મુખ્ય પ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય પ્રદેશ પ્રમુખ કે રાષ્ટ્રીય પ્રમુખ બન્યા નથી.

1980માં પક્ષની રચના થતાં, અટલ બિહારી વાજપેયી તેના પહેલા પ્રમુખ બન્યા. 1986 સુધી તેઓ પક્ષના વડા રહ્યા હતા.

1986 માં, બાજપાઇની કમાન લાલકૃષ્ણ અડવાણીના હાથમાં આવી. 1986 થી 1991 દરમિયાન તેઓ ભાજપના પ્રમુખ હતા. 1993માં અડવાણી ફરી એકવાર ભાજપના અધ્યક્ષ બન્યા અને 1998 સુધી આ પદ સંભાળ્યું. અડવાણીએ 2004માં ત્રીજી વખત ભાજપનો હવાલો સંભાળ્યો હતો. 2006 માં, તેમને મોહમ્મદ અલી ઝીણાની પ્રશંસા કર્યા બાદ પક્ષ અધ્યક્ષ પદ છોડવાની ફરજ પડી હતી. તેમના સમયમાં પક્ષ મજબૂત થયો હતો. રામ રથ યાત્રા તેમાં મહત્વની હતી. તેમના કારણે પક્ષ સત્તા સુધી પહોંચ્યો હતો.

1991માં જ્યારે અડવાણીએ પદ છોડ્યું ત્યારે મુરલી મનોહર જોશીએ પક્ષનો હવાલો સંભાળ્યો હતો. 1993 સુધી તેઓ અધ્યક્ષ રહ્યા હતા.

1998 થી 2000 સુધી કુશાભાઉ ઠાકરે પક્ષ પ્રમુખ હતા.

કુશાભો ઠાકરે પછી, ભાજપનો અંકૂશ 2000માં આંધ્રપ્રદેશથી બાંગારુ લક્ષ્મણને સોંપાયો હતો. શબપેટી કૌભાંડમાં નામ જાહેર થયા બાદ, અને લાંચ લેતાં રંગે હાથ પકડાયા બાદ, બાંગારુ લક્ષ્મણને એક વર્ષમાં જ ભાજપના પ્રમુખની ખુરશી છોડવી પડી હતી.

જના કૃષ્ણમૂર્તિ 2001માં બંગારુ લક્ષ્મણને હટાવ્યા પછી પક્ષના નેતૃત્વમાં આવ્યા હતા. 2002 સુધી તેઓ ભાજપ અધ્યક્ષ રહ્યા.

2002માં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2004માં પક્ષની ખરાબ હાર બાદ ફરી લાલકૃષ્ણ અડવાણીને પક્ષની કમાન સોંપવાની ફરજ પડી હતી. તેઓ સતત ગુજરાતના ગાંધીનગરથી ચૂંટાતા રહ્યાં હતા. હવે તેમને નિવૃત્ત થવાની ફરજ પાડવામાં આવી છે. તેઓ મોદીની નીતિથી નારાજ હતા. તેઓ મોદીના રાષ્ટ્રીય રાજકીય ગુરુ હતા. હવે લાલકૃષ્ણ અડવાણીને કોઈ યાદ કરવા તૈયાર નથી.

2006માં જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ ભાજપનું પ્રમુખ પદ છોડ્યું ત્યારે પક્ષની કમાન રાજનાથસિંહને સોંપવામાં આવી હતી. 2009ની લોકસભાની ચૂંટણીમાં પક્ષનો ઘોર પરાજય બાદ રાજનાથસિંહ પદ પરથી નિવૃત્ત થયા હતા.

આ પછી 2009માં નીતિન ગડકરીને ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમણે આ ખુરશી 2013 સુધી જાળવી રાખી હતી. 2013માં પક્ષ ફરી એકવાર રાજનાથમય બની ગયો હતો. તેમના પ્રમુખ પદ હેઠળ હાલની મોદી સરકાર બની હતી.

જ્યારે 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બનાવવામાં આવી હતી, ત્યારે રાજનાથ સિંહને ગૃહ પ્રધાન બનાવાયા હતા. રાજીનામું આપીને તેમના સ્થાને ગુજરાતના ધારાસભ્ય અમિત શાહને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી.

અમિત શાહ 2014 થી 2019 દરમિયાન પક્ષના પ્રમુખ હતા. અમિત શાહ 2019માં ગૃહ પ્રધાન બન્યા બાદ પક્ષ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

2019માં જેપી નડ્ડાને ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હાલમાં નડ્ડા 11માં પ્રમુખ છે.