[:gj]અન્ન પુરવઠા નિગમ 122 સેન્ટર પરથી 30મી જાન્યુ. સુધી ખરીદી કરશે[:]

[:gj]
ગાંધીનગર, તા. 17

રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદીનો પ્રારંભ 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. અને 30મી જાન્યુઆરી 2020 સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે. સરકારનું અન્ન પુરવઠા નિગમ રાજ્યના 122 સેન્ટરો પરથી મગફળીની ખરીદી કરશે અને પ્રથમ તબક્કામાં ખેડૂતદીઠ 2500 કિ.ગ્રામ મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારે આ વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર સરકારે ટેકાના ભાવ પણ જાહેર કરી દીધા છે. આ વર્ષે સરકાર ખેડૂતો પાસેથી 1018 રૂપિયાના ટેકાના ભાવે મગફળી ખરીદશે. અને તેની નોંધણીની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે સારા વરસાદના કારણે રાજ્યભરમાં 15.52 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 98.86 ટકા વધારે છે. જેના કારણે ખેડૂતોને પણ સારો એવો ફાયદો થશે એવી હાલમાં આશા રાખવામાં આવી છે.

પહેલી ઓક્ટો.થી શરૂ થઈ નોંધણી

સરકાર દ્વારા પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોંધણી કરાવવા માટે સૌરાષ્ટ્રના ઘણાં માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નોંધણી કરાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

સરકારનો એક્શન પ્લાન

છેલ્લાં બે વર્ષથી મગફળીની ખરીદી અને તેની નોંધણી સમયે ચાલી રહેલી ગેરરીતિને કારણે રાજ્ય સરકારે ઘણી બદનામી ઉઠાવવી પડી રહી છે. બે વર્ષ દરમિયાન નોંધણી થયા બાદ ગોડાઉનમાં રાખવામાં આવેલા મગફળીના જથ્થા રાતોરાત ગાયબ થઈ જવા કે બદલાઈ જવા ઉપરાંત મગફળીમાં ધૂળ ઢેફાં મેળવી દેવાના કિસ્સાઓ બહાર આવ્યા હતા. આટલું ઓછું હોય એમ સૌરાષ્ટ્રના મગફળી રાખવામાં આવેલા ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ પણ બની હતી. આ તમામ ઘટનાઓમાં રાજ્ય સરકારે તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ પ્રકારની કામગીરી નહિ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભૂતકાળની આ ઘટનાઓને જોતાં રાજ્ય સરકાર જેમ દૂધનો દાઝ્યો, છાસ ફૂંકી ફૂંકીને પીવે એમ અગમચેતીના ભાગરૂપે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અને તે પ્રમાણે જ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. અને આ વર્ષે ગુજકોમાસોલ અને નાફેડને ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયાથી દૂર રાખીને સરકારે અન્ન પુરવઠા નિગમને આ કામગીરી સોંપી છે.

ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે 4.44 લાખ રજિસ્ટ્રેશન

રાજ્ય સરકાર દ્વારા હાલમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં અન્ન પુરવઠા નિગમમાં કુલ 4.44 લાખ રજિસ્ટ્રેશન થયા છે. અને સરકારના નિયમ પ્રમાણે પ્રથમ તબક્કામાં પ્રતિ ખેડૂત 2500 કિલો મગફળી નિગમ ખરીદશે.
[:]