[:gj]અસંખ્ય બિલ્ડર/ડેવલપરોએ હેસિયત બહાર બેંક લોન લઇ રાખી છે તેનું શુ થશે?[:]

[:gj]ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષયાંકિત દર, ૭ ટકા પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી ટૂંકાગાળામાં રૂપિયો મજબુત થવાના કોઈ સંયોગ નથી. ફોરેકસ બજારમાં જેનું પ્રતિબિંબ સ્પષ્ટ જોવાય છે, તેવા તાજેતરના જાગતિક ફલક પરના બનાવો ઉપર એક નજર નાખીએ. વૈશ્વિક મંદીએ દરવાજે દસ્તક દઈ દીધી છે. બ્રેક્ઝીટની ઓક્ટોબર ડેડલાઈન અંતિમ તબક્કામાં આવી ગઈ છે. ચીન અમેરિકા ટ્રેડ વોર ઉકેલ હજુ મૃગજળ છે અને ભારતમાં માંગ એટલી બધી નબળી પડી ગઈ છે કે વિકાસ અંદાજો દર વખતે ડાઉન ટ્રેન્ડ દાખવે છે.

ભારતના બાંધકામ ઉધ્યોગના વિકાસની સીડી ખસેડાઈ ગઈ છે, તેની ચિંતાઓએ કરન્સી ટ્રેડરોની આખી વિધારધારામાં પરિવર્તન લાવી દીધું છે. આ ઉદ્યોગના વિકાસ અનુમાનો અત્યાર સુધી અણદેખ્યા કરાતા રહ્યા છે, પણ હવે વધુ પડતો ફૂગવાયેલો ફુગ્ગો ફૂટવાની તૈયારીમાં છે. ચિંતા એ વાતની છે કે અસંખ્ય બિલ્ડર/ડેવલપરોએ હેસિયત બહાર બેંક લોન લઇ રાખી છે, તેનું શુ થશે? જેમણે બેન્કોને નવડાવી નાખી છે, તેવા ડેવલપરો ભયંકર નાણાભીડનો સામનો કરી રહ્યા છે. આ બધું ત્યારે બની રહ્યું છે જ્યારે અર્થતંત્ર ધીમું પડી ગયું છે. ભારતમાં બેંકોની તંદુરસ્તી સામે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.

કરન્સી એનાલીસ્ટો કહે છે કે અમને એવા અહેવાલ મળી રહ્યા છે કે બાંધકામ હેથળનાં અધૂરા પ્રોજેક્ટોએ ૬૦ અબજ ડોલરના ધિરાણ, બેંકોમાંથી લઇ રાખ્યા છે. હવે તમે સમજી શકો છો કે અર્થતંત્ર અને બેંક પર કેટલું જોખમ છે. આ બધું છતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૪ ઓકટોબરે, આ વર્ષે સતત પાંચમી વખત, ૦.૨૫ ટકાની વ્યાજ કપાત જાહેર કરી. વ્યાજની આવક પર જીવવાવાળાની આવકમાં વધુ ઘટાડો થશે. ભારતીય કરન્સી નબળી પડી રહી છે, એ વાત વિદેશી રોકાણકારો માટે પ્રોત્સાહક નથી. જો ભારતમાં વ્યાજદર નીચે જશે તો શક્ય છે કે ભારતમાં કમાવા આવેલી વિદેશી મૂડી પરત ખેંચાઈ જશે. આ વિષચક્રમાં ઈકોનોમી વધુ દબાણમાં આવશે, ફૂગાવી વધશે, અને રૂપિયો ધબાયનમ: થશે.

બુધવારે ડોલર સામે રૂપિયો ખુલતી બજારે ૧૭ પૈસા નબળો પાડીને રૂ. ૭૧.૭૧ બોલાઈ, રૂ.૭૧.૪૪ બંધ થયો હતો. મંગળવારે એક જ દિવસમાં ૩૧ પૈસા ઘટીને રૂ. ૭૧.૫૪ બંધ થતા, સૌથી મોટા દૈનિક ઘટાડાની આ મહિનાની પહેલી ઘટના હતી. ચીન અને અમેરિકા વચ્ચેની ટ્રેડ વાટાઘાટો પાટેથી ઉતરી ગયાના સામાચારો બાદ ભારતીય બજારમાં ડોલરમાં મોટી લેવાલી નીકળી હતી. ૧૭ સપ્ટેમ્બરે રૂ. ૭૧.૭૮ બંધ થયા પછીનો આ નીચો ભાવ હતો.

દરમિયાન ભારત સરકારના ૧૦ વર્ષના બેન્ચમાર્ક બોન્ડનું યીલ્ડ ૬.૪૯૪ ટકાથી ઘટી ૬.૪૬૬ ટકા મુકાયું હતું. બોન્ડ યીલ્ડ અને કરન્સી દર હમ્મેશાં સામસામા પ્રવાહે બોલાતા હોય છે. એનાલીસ્ટો સાવચેતીના સૂરમાં કહે છે કે, જો અમેરિકા ચીન સામે વળતો બદલો લેવા, હોંગકોંગ આંદોલનને ટેકો આપવાનો ખરડો પસાર કરશે તો કરન્સી બજારમાં અણધાર્યા વમળો પેદા થવાની પૂરી શક્યતા છે. આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયો ૨.૧ ટકા નબળો પડ્યો છે, જ્યારે વિદેશી રોકાણકારોએ ૮.૨૯ અબજ ડોલરનાં શેર અને ૪ અબજ ડોલરના બોન્ડ ખરીધ્યા હતા.

[:]