[:gj]આગામી વિધાનસભા સત્રમાં ટેબલ પર અહેવાલ મૂકવામાં આવશે[:]

[:gj]અમદાવાદ, તા. 06

વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોની તપાસ કરનાર નાણાવટી-મહેતા પંચનો રિપોર્ટ વિધાનસભામાં ટેબલ કરવા મુદ્દે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં એડવોકેટ જનરલે કહ્યું કે, આગામી વિધાનસભા સત્ર દરમિયાન આ પંચનો બીજા ભાગનો રિપોર્ટ મૂકવામાં આવશે.

નાણાવટી અને મહેતા પંચના બીજા ભાગના રિપોર્ટમાં ગોધરા ટ્રેનમાં થયેલા નરસંહાર બાદ રાજ્યમાં ફાટી નીકળેલા રમખાણોની ઝીણવટભરી તપાસ કરતો રિપોર્ટ છે, જે લાંબા સમયથી રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ન મૂકાતા અરજદાર પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર દ્વારા વકીલ એમ.એમ તીરમીઝી મારફતે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ હતી. અત્રે નોંધનીય છે કે, નાણાવટી અને મહેતા પંચના પહેલા ભાગના રિપોર્ટ કે જેમાં ગોધરામાં ટ્રેનમાં થયેલી હિંસા મુદે તપાસ કરવામાં આવી છે તે વર્ષ 2009 – 10 દરમિયાન વિધાનસભામાં ટેબલ કરવામાં આવ્યો હતો અને હકીકતને સાર્વજનિક કરવામાં આવી હતી.

ડિવિઝન બેન્ચ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અગામી વિધાનસભા સત્રમાં પંચના બીજા ભાગનો રિપોર્ટ ટેબલ કરવાનું નિવેદન આપતા હાઈકોર્ટે કેસનો નિકાલ કર્યો છે. 2002 રમખાણો બાદ ટ્રેનમાં થયેલા રમખાણોની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના જસ્ટીસ નાણાવટી અને કે.જી શાહની બેન્ચનું તપાસ પંચની રચના કરવામાં આવી હતી. જોકે કે.જી શાહના મૃત્યુ બાદ જસ્ટીસ નાણાવટી સાથે જસ્ટીસ અક્ષય મહેતા દ્વારા તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.શરૂઆતમાં ટ્રેનમાં થયેલા નરસંહારની તપાસ કરવા રાજ્ય સરકાર દ્વારા નાણાવટી પંચની રચના કરાઈ હતી. ત્યારબાદ ગોધરાકાંડ બાદ થયેલી હિંસા અને રમખાણોની પણ તપાસ પંચ દ્વારા કરવામાં આવી હતી

શું છે ગોધરાકાંડ?

27મી ફેબ્રુઆરી 2002ના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આગ લગાવાઈ હતી. જેમાં અયોધ્યાથી અમદાવાદ પરત ફરતા 59 કારસેવકોના મોત નીપજ્યાં હતા. ત્યારબાદ ફાટી નીકળેલા તોફાનમાં ગુલબર્ગ સોસયાટી નરસંહાર જેમાં કોંગ્રેસી નેતા અહેસાન ઝાફરી સહિત 69 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે નરોડા પાટીયા સહિત સમગ્ર શહેરમાં હજારો લોકોનું હત્યા કરાઈ હતી.

 [:]