કોલકાતામાં જીજ્ઞેશ મેવાણી – હાર્દિકે ભાજપને ઉખાડી ફેંકવાની કરી હાકલ

કોલકાતામાં આજે યોજાયેલ મમતા બેનર્જીની આગેવાની વાળી સંયુક્ત રેલીમાં ગુજરાતના બે યુવાનેતાઓ હાર્દિક પટેલ – જીજ્ઞેશ મેવાણીએ તોફાની બેટિંગ કરી હતી. બંને યુવાનેતાઓએ દેશમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની હાકલ કરી હતી.

પાટીદાર નેતા હાર્દિક પટેલને મેગારેલીમાં બોલવાની સૌથી પહેલા તક મળી હતી. તેઓએ જણાવ્યું હતું કે દેશને બચાવવા માટે વિપક્ષ એકજૂથ છે. આ સાથે જ હાર્દિકે કહ્યું હતું કે સુભાષબાબુ લડે થઈ ગોરો સે, હમ લડેંગે ચોરો સે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ હમણાં ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા ત્યારે પણ ભાજપને ઉખાડી ફેંકવાની વાત કરી હતી.

વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે દેશ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. વિપક્ષનું એકજૂથ થવું મોટો સંદેશ છે. દેશમાં ખેડૂત, મજૂરો અને દલિતોનું શોષણ થઇ રહ્યું છે. સંવિધાનને ખતમ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હમણાં ત્રણ રાજ્યોમાં થયેલ ભાજપની હાર પાછળ મેવાણીનો મોટો હાથ છે. તેમણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ વિરુદ્ધ મજબૂત પ્રચાર કર્યો હતો.