અમદાવાદ, તા.06
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ડિફોલ્ટરોની ગુજરાત સરકારના જીએસટી ડિપાર્ટમેન્ટે રૂા. 2000 કરોડની ચોરી પકડી પાડી છે. ગત ફેબ્રુઆરી માસમાં તેમના માસિક કે ત્રિમાસિક રિટર્ન ફાઈલ ન કરનારા વેપારીઓ 2700 કેસ જીએસટી ગુજરાતના અધિકારીઓના ધ્યાન પર જીએસટીએન તરફથી ધ્યાન પર મૂકવામાં આવ્યા હતા. આ 2700 કેસમાંથી 2650 કેસમાં તપાસ કરવામાં આવતા તેમની પાસેથી રૂા. 630 કરોડની રિકવરી આવી હતી. એકલા ગુજરાતમાં માત્ર 2700 વેપારીઓના રિટર્નની અનિયમિતતાની ચકાસણી કરાતા જીએસટીના અધિકારીઓએ આ કવાયતને નિયમિત કવાયતમાં રૂપાંતરિત કરી દીધી છે.
જીએસટીના જાણકાર સૂત્રોએ આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ 2019માં જીએસટીએનના નેટવર્ક તરફથી ગુજરાત સરકારને આ પ્રકારના 27500 ડિફોલ્ટર્સની યાદી તૈયાર કરીને આપવામાં આવી હતી. તેમના જીએસટીઆર-1 અને જીએસટીએર 3બી વચ્ચેની રકમમાં તફાવત જોવા મળતા આ યાદી તૈયાર કરવામાં આવી હતી. તેમાંથી 21000 કેસમાં નોટિસ આપીને ચકાસણી કરવામાં આવતા રૃા. 965 કરોડની કરચોરી પકડીને રિકવરી કરવામાં આવી હતી.
મે 2019માં જીએસટીઆર-1 ફાઈલ કર્યા પછી જીએસટીઆર-3બી ફાઈલ ન કરનારા 2900 વેપારીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ વેપારીઓમાંથી 18000 વેપારીઓને નોટિસ પાઠવીને તેડું આપવામાં આવ્યું હતું. તેમની પાસેથી રૂા.508 કરોડની રિકવરી કરવામાં આવી છે. આમ જીએસટીના રિટર્ન ન ફાઈલ કરીને કે પછી જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી વચ્ચે મેળ ન પડે તેવી વિગતો ભરીને કરચોરી કરવાની મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. તેવી જ રીતે વેપારીઓને જીએસટીના વેરા પેટે રૂા. 20 લાખ ભરવાના થતાં હોય તો તેની સામે તેઓ માત્ર 4 લાખ જ ભરી દેતા હોવાનું જોવા મળ્યું હતું. આ અનિયમિતતા ધ્યાનમાં ન આવે તો તેમના કેસ બારોબાર જ મંજૂર થઈ જાય તેવી ગણતરી સાથે આ ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાનું જોવા મળ્યું છે.
આ ગેરરીતિઓને પકડી પાડવા માટે જીએસટીએન કાઉન્સિલે ખાસ સોફ્ટવેર તૈયાર કરાવ્યું છે. આ સોફ્ટવેરની ચકાસણીમાંથી અનિયમિતતા આચરતા વેપારીઓ સપડાઈ જાય છે. તેમના નામ અને નંબર આગળ ડિપાર્ટમેન્ટમાં રેડફ્લેગ લાગી જાય છે. આ સ્થિતિમાં તેમને નોટિસ આપીને તેમના દરેક વહેવારોની બારીક ચકાસણી કરવામાં આવે છે. આ રીતની માહિતી હવે જીએસટીએન કાઉન્સિલ દર મહિને દરેક રાજ્યને મોકલી આપે છે. દરેક રાજ્યના કમિશનરો આ રીતે ગેરરીતિ આચરનારાઓને નોટિસ પાઠવીને તેમના દરેક વહેવારોની ચકાસણી કરે છે. આ રીતે માત્ર ત્રણ જ મહિનાના હિસાબોની ચકાસણી કરાતા રૂા. 2000 કરોડથી વધુની જીએસટીની ચોરી પકડી પાડવામાં સફળતા મળી છે. આ વેપારીઓ પાસે અઢાર ટકા વ્યાજ અને વિલંબના દિવસ દીઠ રૂા.200ની પેનલ્ટી તરીકે આ રકમ વસૂલવામાં આવી છે.
આ અગાઉ જુલાઈ 2018થી સપ્ટેમ્બર 2018ના ત્રણ મહિનાના જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી વચ્ચેના તફાવતના કેસો અલગ તારવીને ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણીમાં જીએસટીઆર-1માં વેચાણ 10 લાખનું બતાવ્યું હોય અને જીએસટીઆર-3બીમાં વેચાણ માત્ર 7 લાખનું બતાવ્યું હોય તેવા કિસ્સાઓ ધ્યાન પર આવ્યા હતા. આ પ્રકારના 977 કેસ અલગ તારવવામાં આવ્યા હતા. આ કેસમાંથી 50 કેસમાં ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ ચોરી કરનારાઓ પાસેથી રૂા. 9 કરોડની ચોરી પકડવામાં આવી હતી. આ જ રીતે ઓક્ટોરબ 2018થી ડિસમ્બર 2018 વચ્ચેના ત્રણ મહિનાના ગાળામાં અનિયમિત માહિતી મૂકનારા 582 કેસમાં ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી 43 કેસમાં રૂા. 6 કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં સફળતા મળી હતી.