ગુજરાત જવાના ડરે,પરફોર્મન્સ સુધારવા મોદીનો રૂપાણીને આદેશ

ગુજરાતમાં ભાજપની સરકાર બચાવવા તેમજ 2020ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ 2022માં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવા માટે કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પાર્ટીના અગ્રણી નેતાઓને સૂચના આપી છે.

હાઈકમાન્ડની નારાજગી

ભાજપના હાથમાંથી એક પછી એક રાજ્ય સરકારો નિકળી રહી છે ત્યારે ગુજરાતની ભાજપની સરકારને બચાવવા માટે અત્યારથી જ પ્રયાસો શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાત સરકારની વહીવટી પ્રક્રિયા અને પાર્ટીના સંગઠનની હાલની સ્થિતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાજ છે. રાજ્યના એક સિનિયર નેતાએ તો એવું પણ કહ્યું છે કે મોવડી મંડળે એવો પડકાર ફેંક્યો છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિના રાજ્યમાં તમે ચૂંટણી જીતી બતાવો.

ગુજરાત ભાજપમાં મોદીના કદનો કોઈ નેતા નહી જે સ્વતંત્ર રીતે ભાજપને જીતાડી શકે

ગુજરાતમાં 2002ની વિધાનસભા ચૂંટણી પછી આવેલી તમામ ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીની પ્રતિભાનો એટલી હવે ઉપયોગ કર્યો છે કે હવે પ્રદેશમાં એવા વિરાટ નેતૃત્વની જગ્યા ખાલી પડી છે. ગુજરાત ભાજપમાં મોદીના કદનો કોઇ નેતા એવો નથી કે તે સ્વતંત્ર રીતે ભાજપને ચૂંટણીઓ જીતાડી શકે. મોદીના દિલ્હી ગયા પછી ગુજરાતની પનોતી શરૂ થઇ છે. પાર્ટીને મુખ્યમંત્રી બદલવા પડ્યા છે. ચૂંટણીઓમાં પાર્ટીનો દેખાવ નબળો પડી રહ્યો છે. સરકારની કામગીરી એટલી હદે ધીમી ચાલે છે કે મોદીના મહત્વના 12 પ્રોજેક્ટ પૂર્ણ થતાં હજી વર્ષો લાગશે.

આવનારી વિધાનસભાને ધ્યાનમાં રાખી સંગઠનમાં સુધારા

મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વભાવે સજ્જન છે પરંતુ તેમની આસપાસ રહેતા નેતાઓને કારણે તેઓ બદનામ થઇ રહ્યાં છે. એવી જ રીતે ભાજપના હાલના પ્રદેશ પ્રમુખનો ઘમંડ એટલો તીવ્ર છે કે પાર્ટીના કાર્યકરો તેમની સામે જતાં ડરે છે. ડિસેમ્બરમાં પાર્ટીના સંગઠનની રચના થવાની છે તેમાં હાઇકમાન્ડે પાર્ટી પ્રમુખને બદલવાનું નક્કી કર્યું છે. 2022ની ચૂંટણીને ધ્યાનમાં લઇને મોવડી મંડળ ગુજરાતના સંગઠનને સુધારી રહ્યું છે. જો કે સરકારમાં મુખ્યમંત્રીમાં બદલાવ થાય તેવી કોઇ સંભાવના અત્યારે જણાતી નથી.

ભ્રષ્ટાચાર દુર કરવા માટે પીએમ દ્વારા મુખ્ય સચિવની સીધી પસંદગી

ગુજરાતમાં સરકારનું પરફોર્મન્સ સુધરે તે માટેના પગલાં લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીને સૂચના આપી છે. રાજ્યના વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપેલા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ અધિકારીઓને દૂર કરવા માટે રાજ્યા મુખ્યસચિવ તરીકે અનિલ મુકિમની પસંદગી સીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે, તે જોતાં ગુજરાત સરકારમાં બદલાવ આવે તેવી સંભાવના છે. બીજી તરફ દિલ્હીથી એમ પણ કહેવાયું છે કે કેબિનેટમાં જે મંત્રીનું પરફોર્મન્સ સારૂં ન હોય તેમને દૂર કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટનું વિસ્તરણ પણ કરી શકે છે.

કેન્દ્રીય નેતાગીરીની નારાજગી

ગુજરાતની ગતિવિધિથી કેન્દ્રીય નેતાઓ નારાજ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સરકારમાં કેટલાક મંત્રીઓનું પરફોર્મન્સ સારૂં નથી. વિકાસના કામોની ફાઇલો ઘણાં મંત્રીઓ મૂકી રાખે છે. રાજ્ય અને જનતાના વિકાસને આડે આવતા તમામ અવરોધો દૂર કરવા મુખ્યમંત્રીને દિલ્હીથી સીધી સૂચના આપવામાં આવી છે. ગુજરાતની કમાન પહેલાં અમિત શાહ પાસે હતી પરંતુ હવે તે કમાન સીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઇ લીધી છે.