[:gj]ડાયરેક્ટ ટેક્સ કોડમાં મધ્યમ આવક ધરાવતા કરદાતાઓને રાહત મળવાની સંભાવના[:]

[:gj]અમદાવાદ,ગુરૂવાર

ડાયરેક્ટ ટેક્સ કોડમાં અંગત આવકવેરામાં મોટે પાયે ઘટાડો કરવાની તરફેણ કરવામાં આવી છે. વાર્ષિક રૂા.50 લાખની આવક ધરાવનારાઓને તેનો ખાસ્સો લાભ મળે તેવી સંભાવના છે. ડાયરેક્ટ ટેક્સ કમિટીએ કરેલી ભલામણોનો અમલ કરવામાં આવે તો તેને કારણે ઇન્કમટેક્સ વિભાગે રૂા.30,000 કરોડનો ટેક્સ જતો કરવો પડશે. જોકે ડાયરેક્ટ ટેક્સ કોડ કમિટીની ભલામણનો અહેવાલ હજી જાહેર કરવામાં આવ્યો ન હોવાથી રૂા. 50 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનારાઓ સુધી તેનો લાભ પહોંચે તે માટે ટેક્સ સ્લેબ કેવા રાખવામાં આવશે તે હજી નિશ્ચિત જણાવવામાં આવ્યું નથી. ટેક્સ સ્લેબ અને કરરાહતની વિગતો ટૂંક સમયમાં જ જાહેર થવાની સંભાવના છે. સરકાર નવો ડાયરેક્ટ ટેક્સ કોડ બહુધા 2020-21ના નાણાંકીય વર્ષથી જ અમલમાં લાવી દેવાના મૂડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડાયરેક્ટ ટેક્સ કોડમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ડિવિડંડ આપનારી કંપની પાસે નહિ, પરંતુ ડિવિડંડ મેળવનારા કરદાતાઓ પાસેથી વસૂલવા જણાવવામાં આવ્યું છે. અત્યારે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ કંપનીઓ દ્વારા ભરવામાં આવી રહ્યો છે. ડાયરેક્ટ ટેક્સ કોડમાં સ્ટાર્ટ અપ્સને ખાસ્સા લાભ આપવામાં આવે તેવી સંભાવના રહેલી છે. સ્ટાર્ટઅપ માટે વેરાની નવી ગાઈડલાઈન્સ તૈયાર કરાશે. તેમ જ વિદેશી કંપનીઓ માટેના વેરા જમા કરાવવાની કાયદાકીય જોગવાઈઓમાં ખાસ્સા ફેરફાર સૂચવવામાં આવ્યા છે. તેમાં બહુધા આવકવેરો જમા કરાવવા માટેના નિયમોને સરળ બનાવવા પર અને તેને માટેની પ્રક્રિયાને વધુને વધુ સરળ બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરેક કરદાતાને કરવેરો જમા કરાવવો સરળ બને તેવી વ્યવસ્થા દાખલ કરવા પર ડાયરેક્ટ ટેક્સ કોડ કમિટીએ ભલામણ કરી છે.

ટેક્સના દરમાં ઘટાડો કરવાને પરિણામે આવકવેરા વિભાગની આવકમાં સીધો જ ઘટાડો જોવા મળી શકે છે. આ સજોગોમાં આવકવેરા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ વચ્ચે માહિતીના આદાનપ્રદાનને વધુ સરળ બનાવી દેવામાં આવશે તો તેને પરિણામે ફેસલેસ અપીલ શક્ય બનશે અને ઘટેલી આવકને સરભર કરવામાં મદદ પણ મળશે. માહિતીના આદાનપ્રદાનને કારણે મળનારી માહિતીને આધારે કરવેરાની ચોરી કરનારાઓને આસાનીથી ટ્રેપ કરી શકાશે. કરચોરી ઓછી થતાં વેરા રાહત આપવાને પરિણામે ઘટેલી આવકને રિકવર કરી લેવામાં ખાસ્સી મદદ મળશે. તેમ થતાં સ્ક્રૂટિનીમાં કે રિટર્નની ચકાસણીમાં ઊભી કરવામાં આવતી ટેક્સ ડિમાન્ડના વિરુદ્ધમાં કરવામાં આવતી અપીલના કેસો પણ ઓછા થઈ જશે. કારણે કે તેમાં થનારું એડિશન નક્કર માહિતી અને પુરાવાને આધીન કરવામાં આવેલું હશે. અત્યારે હાઈપીચ એસેસમેન્ટની મોટી ફરિયાદો થઈ રહી છે તે ફરિયાદો પણ ઓછી થઈ જશે. પરિણામે અપીલમાં જવા માટેની ટેક્સ ઇફેક્ટમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે વધારો કર્યો તેથી કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તે જ રીતે કેસની સંખ્યા ઓછી થશે.

કેન્દ્ર સરકારની આવકવેરાની કુલ આવકમાં ગયા વર્ષના પહેલા ચાર માસ એટલે કે એપ્રિલ, મે, જૂન અને જુલાઈની તુલનામાં આ વરસે 9.7  ટકાનો જ વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચના બીજા છ માસિક ગાળામાં જ ટેક્સની આવકમાં ઝડપથી વધારો જોવા મળે છે. તેથી પહેલા છ માસના ગાળામાં આવકમાં અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ થાય તો પણ તે ચિંતાનું કારણ રહેતી નથી. 2019-20ના બજેટમાં આવકવેરાની આવકમાં 13.35 લાખ કરોડની થાય તેવો અંદાજ માંડવામાં આવી રહ્યો છે. ગયા વર્ષની તુલનાએ ટાર્ગેટમાં 17 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ કોર્પોરેટ ટેક્સમાં નિર્મલા સીતારામને કરેલા વધારાને પરિણામે કોર્પોરેટ સેક્ટર ઊંચું નીચું થઈ રહ્યું છે. તેમને આ વેરાબોજ વધુ પડતો લાગી રહ્યો છે. ડાયરેક્ટ ટેક્સ કોડમાં પણ કોર્પોરેટ ટેક્સનું લેવલ 25 ટકા જ રાખવાની ભલામણ કરવામાં આવી છે. વાર્ષિક રૂા. 400 કરોડથી વધુની આવક ધરાવતી કંપનીઓને 25 ટકા ટેક્સસ્લેબમાં રાખવાની ભલામણ કરાઈ છે. તેનાથી સાવ જ નાની કંપનીઓને અત્યારને તબક્કે બહુ મોટો ફાયદો જણાતો નથી. ભારતીય કંપનીઓ અને વિદેશી કંપનીઓ તમામને 25 ટકાના સ્લેબમાં જ મૂકવાની રજૂઆત ડાયરેક્ટ ટેક્સ કમિટીએ કરી છે. વિદેશી કંપનીઓ અત્યારે 40 ટકાના દરે ટેક્સ જમા કરાવે છે. સરકાર કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દે તો સરકારની આવકમાં 1.20 લાખ કરોડનું ગાબડું પડી શકે છે. સરકાર કોર્પોરેટને વેરા માફીના જે લાભ આપે છે તેનાથી વરસે દહાડે તેની વેરાની 16થી 17 ટકા આવક જતી કરે છે.

ડાયરેક્ટ ટેક્સ કોડ કમિટીએ તેનો રિપોર્ટ સરકારને સુપરત કરી દીધો છે. જોકે કોર્પોરેટ સેક્ટરના વ્યક્તિગત કરદાતા કે પછી કંપનીઓને વેરા માફીના જે લાભ આપવામાં આવી રહ્યા છે તે પાછા ખેંચી લેવામાં આવે તો આ રૂા.1.20 લાખ કરોડની ઘટને ખાસ્સી સરભર કરી શકાશે. જોકે ભારત સરકારને થતી વેરાની કુલ આવકમાંથી 75થી 80 ટકા આવક તો મોટી કંપનીઓના માધ્યમથી જ થાય છે. તેમને વેરાના દરમાં રાહત આપવામાં આવે તો સરકારની આવકમાં રૂા.90000 કરોડનો ઘટાડો થઈ શકે છે.  2019-20ના બજેટમાં આવકવેરાની કુલ વાર્ષિક આવક રૂા.13.35 લાખ કરોડની થાય તેવો અંદાજ માંડવામાં આવ્યો છે. ગયા વર્ષે એટલે કે 2018-19માં થયેલી આવકની તુલનાએ 17 ટકા વધુ આવક કરવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. અંગત આવકવેરા થકી ઇન્કમટેક્સને થતી આવકમાં રૂા.63000 કરોડ ઓછા આવ્યા છે.

 [:]