[:gj]નલિયાકાંડમાં ભાજપના નેતાઓ સેક્સથી સત્તા સુધી પહોંચતા હતા [:]

[:gj]કચ્છના નલિયામાં ભાજપના નેતાઓ માટે યુવતિઓ પુરી પાડીને સત્તા સુધી પહોંચવા અને સત્તા ટકાવી રાખવા માટે રાજકીય ખેલ ખલવામાં આવ્યા હતા.

Feb 19, 2017 અત્યાર સુધી કચ્છનું અનુપમ ચિત્ર દુનિયા સમક્ષ મૂકીને ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’ એમ કહેવાતું હતું પણ હવે સમગ્ર કચ્છને કાળી ટીલી લગાડનારું કૃત્ય નાનકડાં નલિયા ગામમાં થયું હોવાનું બહાર આવતા લોકો કટાક્ષમાં કહે છે, ‘નલિયા નહિ દેખા તો કુછ નહિ દેખા’. આ નાના ગામની એક પરિણીતા પર ગેંગરેપનો કિસ્સો સેક્સ રેકેટ તરીકે બહાર આવ્યો છે અને તેમાં સંડોવાયેલી મોટાભાગની વ્યક્તિઓ ભાજપના કાર્યકરો છે કે આગેવાનોના માનીતાચહેતા છે. તેથી જિલ્લા ભાજપની સાથેસાથે રાજ્ય અને કેન્દ્રમાં પણ આ કિસ્સાના પડઘા પડ્યા છે. ૨૦૧૭ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના ગઢ ગણાતા કચ્છમાં આ કિસ્સો ભાજપ માટે ભૂકંપ સમાન સાબિત થાય તો નવાઇ નહીં. અત્યારે કચ્છ સહિત ગુજરાતમાં આ કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ગાંધીનગર અને દિલ્હીથી પણ તેની તપાસ પર નજર રખાઇ રહી છે. અત્યારે રાષ્ટ્રીય લેવલે પણ આ કિસ્સો ચમકી રહ્યો છે.

૬૦થી વધુ મોટાં માથાંઓને સંડોવતી આ ઘટના છાપરે ન ચડે તે માટે નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ વાત વણસી જતાં આખરે ચાર કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા પડ્યા છે. પોલીસે કેસ નોંધાયો ત્યારે તો તપાસ પી.એસ.આઇ.ને સોંપી હતી, પરંતુ પછી સરકારે ‘સીટ’ની રચના કરી અને એલસીબીના પીઆઇ અને બે મહિલા પીએસઆઇ સહિત ૧૦૦ કર્મચારીઓને આ તપાસ સોંપાઇ હતી. ત્યારબાદ પોલીસે અત્યાર સુધી ૮ મોટાં માથાંઓની ધરપકડ કરી છે. ફરિયાદ નોંધાયાના ૧૮ દિવસ સુધીમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકીના પાંચને ૧૪ દિવસના રિમાન્ડ પર લીધા છે. પહેલાં ત્રણ, પછી બે અને પછી ત્રણ મળીને કુલ ૮ મોટાં માથાં પોલીસના સકંજામાં આવ્યાં છે.

મૂળ કચ્છની પણ મુંબઇમાં પરણેલી એક યુવતી નલિયામાં એક ગેસ એજન્સીમાં નોકરી કરતી હતી. ત્યાં એજન્સીના સંચાલક તથા અન્ય શખ્શો દ્વારા તેના પર બળાત્કાર ગુજારાયો અને તેની વીડિયો ક્લિપ ઉતારાઇ. આ ક્લિપના જોરે પીડિતાને બ્લેકમેઇલ કરીને અન્ય શખ્સોએ પણ તેનો ગેરલાભ ઉઠાવ્યો. આ સેક્સકાંડમાં ભાજપનાં માથાંઓ પણ સામેલ થયાં. એક વર્ષ જેટલા સમય સુધી અલગઅલગ શખ્સોએ અલગઅલગ જગ્યાએ આ યુવતી સાથે ૪૦થી વધુ વખત દુષ્કર્મ કર્યું હતું. આ શખ્સોએ બીજી ૩૫થી ૪૦ યુવતીઓને આ દુષ્ચક્રમાં ફસાવી હતી. આ યુવતીઓ પાસે ભાજપના સોશિયલ વર્કર હોવાનાં કાર્ડ પણ હતાં. ભાજપના અમુક કાર્યક્રમ વખતે આ યુવતીઓને નેતાઓ સુધી પહોંચાડાતી હોવાનું પણ બહાર આવ્યું છે.

આ કિસ્સામાં ભાજપના આગેવાનો, કાર્યકરોનાં નામ ઉછળ્યાં છે. આ કેસના મુખ્ય સૂત્રધાર મનાતા ભાજપના અબડાસા તાલુકા બક્ષીપંચના પ્રમુખ શાંતિલાલ દેવજી સોલંકી, ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી ગોવિંદ અર્જુનદાસ પારુમલાણી, ગાંધીધામ નગરપાલિકાના નગરસેવક અજિત રામવાણી, વર્તમાન નગરસેવક અને પૂર્વ કારોબારી ચેરમેન વસંત ભાનુશાળીને ભાજપે પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે.ભાજપે સસ્પેન્શનનું પગલું લીધા પછી જાણે પોલીસ હરકતમાં આવી હતી અને એક પછી એક આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. વિનોદ ભીંડે ઉર્ફે બબા શેઠ, તેનો પુત્ર ચેતન ભીંડે, અશ્વિન સેજપાલ, શાંતિલાલ દરજી સોલંકી, ભરત દરજી, અજિત રામવાણી, ગોવિંદ પારુમલાણી અને વસંત ભાનુશાળીની ધરપકડ કરી હતી.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા પક્ષો આ ઘટનાનો વિરોધ કરવા મોડેમોડે મેદાનમાં આવ્યા હતા. કોંગ્રેસે સરકાર દ્વારા રચાયેલી ‘સીટ’ના બદલે નિષ્પક્ષ તપાસ માટે અદાલત દ્વારા સીટ રચાવી જોઇએ તેવી માગણી કરી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા વિંગ દ્વારા રાજ્યના મંત્રી શંકર ચૌધરી, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજનાં ધારાસભ્ય નિમાબહેન આચાર્યની પણ આ કેસમાં સામેલગીરી હોવાના ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. આ નેતાઓની કૉલડિટેલ તપાસાય તો સાચી હકીકત સામે આવી શકેે.

પોલીસ ફરિયાદ નોંધાયાના ૧૫ દિવસ પછી ભાજપને ઉપરાઉપરી બે દિવસ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પોતાનો બચાવ કરવો પડ્યો હતો. એક પણ જવાબદાર વ્યક્તિને નહીં છોડાય, પક્ષ પોતાની રીતે જવાબદારો સામે કડક પગલાં લેશે તેવી સુફિયાણી વાતો વચ્ચે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં જ પોતાને આ કાંડની દિવાળી પહેલાંથી ખબર હોવાની વાત કરતા વાત વધુ વણસી હતી.

પોલીસ દ્વારા જાણે સત્તાધારી પક્ષના ઇશારે તપાસ થતી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે ચાર વ્યક્તિઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરીને પૂરતાં પગલાં લીધાનો સંતોષ માની લીધો છે પરંતુ જે વ્યક્તિઓ સસ્પેન્ડ થઇ છે તેમાંથી બે વ્યક્તિઓ ગાંધીધામ નગરપાલિકાના નગરસેવક છે. પક્ષમાંથી સસ્પેન્ડ થયા પછી પણ તેમની પાસેથી રાજીનામું માગવામાં આવ્યું નથી. તેથી પક્ષ દુષ્કર્મના આરોપીઓને છાવરતા હોવાની છાપ ઉભરે છે.

પીડિતાએ નલિયા પીએસઆઇને કરેલી અરજીમાં જણાવ્યું છે કે ઓગસ્ટ ૨૦૧૫માં સાસરિયાં સાથે અણબનાવ થતાં તે પોતાની માતા સાથે રહેવા માટે અબડાસા તાલુકાના કોઠારામાં આવી હતી. તે નોકરી શોધતી હતી ત્યારે નલિયાના મોબાઇલની દુકાન ધરાવતા બબા શેઠે તેને નલિયાની ભારત ગેસ એજન્સીમાં રૃા.૫૫૦૦ના પગારે નોકરીમાં રખાવી હતી. અહીં તેને ગેસના બાટલાની નોંધણી કે કમ્પ્યૂટરમાં એન્ટ્રી કરવાનું કામ કરવાનું હતું. દિવાળી નજીક આવતા તેણે ગેસ એજન્સીના સંચાલક શાંતિલાલ સોલંકીને અડધો પગાર ઉપાડ પેટે આપવાની માગણી કરી. શાંતિલાલે તેને પગાર લેવા પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં તેને ઠંડું પીણું પીવડાવાયું હતું. જે પીધા પછી તે અર્ધબેભાન બની ગઇ હતી. ત્યારબાદ શાંતિલાલે તેના પર બદકર્મ કર્યું. તે સમયે ઘરમાં બીજા રૂમમાં ભરત દરજી અને વિપુલ ઠક્કર પણ હાજર હતા. તેમણે પણ તેના પર બળાત્કાર ગુજાર્યો. આ દુષ્કર્મની તેઓએ વીડિયો ક્લીપ પણ બનાવી હતી.

પીડિતાએ અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના પછી શાંતિલાલે તેને તેના ભાઇનું અપહરણ કરવાની, તેને મારી નાખવાની અને જો તે આ બાબતે કોઇને કંઇ કહેશે તો તેને બદનામ કરવાની ધમકી આપી હતી.

ત્યારબાદ થોડા દિવસ પછી બબા શેઠે તેને ફોનથી પૂછ્યું કે તે કેમ નોકરી પર જતી નથી? ત્યારે બબા શેઠ તેને ફરિયાદ કરવામાં મદદરૂપ થશે તેમ માનીને તેમની પાસે ગઇ હતી પરંતુ બબા શેઠે તેને મદદ કરવાના બદલે તેનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. ત્યારબાદ વીડિયો ક્લીપ જાહેર કરવાની ચીમકી આપીને ચેતન ઠક્કર નામના એક શખ્સે અને શાંતિલાલે એક કારમાં પણ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્રીજી વખત નલિયાના એક સફેદ બંગલામાં લઇ જઇને શાંતિલાલ ઉપરાંત ભરત દરજી, વિપુલ ઠક્કર નામના શખ્શોએ પણ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

આ અરજીમાં તેણે નખત્રાણાના અશ્વિન ઠક્કર, ગાંધીધામના ગોવિંદ, આદિપુરના વસંત અને એક પગે લંગડા માણસે પણ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ કરીને તપાસ કરવાની માગણી કરી છે.

વર્ષ ૨૦૧૫ની દિવાળી આસપાસ બનેલી ઘટનાની ફરિયાદ પીડિતાએ જાન્યુઆરી ૨૦૧૭માં કરી છે. તે બાબતની સ્પષ્ટતા કરતાં તે અરજીમાં જણાવે છે કે હાલ તે પોતાના પતિ સાથે મુંબઇમાં રહે છે. દુષ્કર્મની ઘટનાના કારણે પોતાનું ઘર ન ભાંગે તેથી તેણે ફરિયાદ કરી ન હતી, પરંતુ થોડા સમય પછી હિંમતથી તેણે પોતાના પતિને બધી હકીકત જણાવતાં તેણે આ બાબતે લડી લેવા સાથ સહકાર આપવાનું વચન આપ્યું હતું. તેથી તેણે ફરિયાદ મોડી નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇની આ પરિણીતાએ લોનાવાલા- પૂનામાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હોટેલના વેઇટરની જાગરૂકતાના કારણે તે બચી ગઇ હતી, પરંતુ તે સમયે તેણે લખેલી સ્યૂસાઇડ નોટમાં તેણે શાંતિલાલ સહિતનાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટના પછી આખો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્યારપછી પીડિતા બે મહિના પહેલાં નલિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગઇ હતી પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી. જો કે પોલીસ આ વાતને રદિયો આપે છે. તેણે વકીલ મારફતે એફિડેવિટ પણ કરાવી હતી. ત્યારબાદ છેક જાન્યુઆરી માસમાં તેની ફરિયાદ નોંધાઇ હતી.

પીડિતાએ ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલી સીઆરપીસી ૧૬૪ મુજબ નિવેદન નોંધાવ્યું હતું. ફરિયાદમાં ૧૦ આરોપીઓનાં નામ અપાયાં હતાં. જેમાં નલિયાના શાંતિલાલ સોલંકી, બબા ઠક્કર, ચેતન ઠક્કર, વિપુલ ઠક્કર, ભરત દરજી, અતુલ ઠક્કર, ગાંધીધામના ગોવિંદ, આદિપુરના વસંત, એક પગે લંગડો માણસ અને નખત્રાણાના અશ્વિન ઠક્કરનાં નામ હતાં.

નલિયામાં ગેસ એજન્સીમાં કામ કરતાં પહેલાં તે ભુજમાં લોહાણા સમાજની વાડીના ભોજનાલયમાં કામ કરતી હોવાનું ચર્ચાય છે. આ ભોજનાલયનું સંચાલન અતુલ ઠક્કર કરતો હતો. ત્યાં ભાભી નામની યુવતી કામ કરતી હતી. આ યુવતી કેટરિંગના કામ માટે આવતી યુવતીઓને ગાડીમાં લઇ જતી હોવાનો આક્ષેપ પણ પીડિતાની અરજીમાં છે. આ ભાભીએ માધાપરમાં ગત જુલાઇમાં યોજાયેલી ભાજપની પ્રશિક્ષણ શિબિર- પંડિત દીનદયાળ ઉપાધ્યાય શિક્ષણ મહાઅભિયાન શિબિરમાં સામેલ થવા માટે યુવતીઓને સોશિયલ લેડી લખેલાં ને તેમના ફોટા લગાડેલાં કાર્ડ આપ્યાં હતાં અને આવાં કાર્ડના કારણે યુવતીઓ વિના રોકટોક આવજા કરી શકતી હતી.

આ સમગ્ર બનાવમાં પકડાયેલા આરોપીઓના મોબાઇલ કે જે વીડિયો ક્લીપ વાઇરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ કરતું હતું તે વીડિયો ક્લીપ મેળવવામાં પોલીસ હજુ સુધી સફળ થઇ નથી. જો આ વીડિયો ક્લીપ મળી જાય તો અનેક રહસ્યો પરથી પડદો ખૂલી શકે તેમ છે. પોલીસે પહેલી ધરપકડ મુંબઇથી વિનોદ ભીંડે ઉર્ફે બબા શેઠ અને તેના પુત્ર ચેતન ઠક્કરની કરી હતી. જ્યારે વડોદરાથી અન્ય એક આરોપી અશ્વિન ઠક્કરને ઝડપી લેવાયો હતો. ત્યારબાદ ભુજ-માધાપર હાઇવે પર આવેલા નળ સર્કલ પાસેથી આ સેક્સકાંડનો મુખ્ય સૂત્રધાર મનાતો શાંતિલાલ ઠક્કર ઉર્ફે મામા પોલીસના હાથે પકડાયો હતો. ભુજના રેલવે સ્ટેશન પરથી વધુ એક આરોપી ભરત ઠક્કરને પકડી પડાયો હતો. સામખિયાળી હાઇવે પરથી વસંત ભાનુશાળી, ગોવિંદ પારુમલાણી અને અજિત રામવાણીની ધરપકડ કરાઇ હતી.

પોલીસે તપાસ દરમિયાન આઠ આરોપીઓની ધરપકડ ઉપરાંત દુષ્કર્મ માટે વપરાયેલી કાર કબજે કરી છે. તેમાંના પાંચ આરોપીઓને ૧૪ દિવસના રિમાન્ડ મળ્યા છે. રિમાન્ડ અરજીમાં પોલીસે મહત્ત્વના મુદ્દા રજૂ કર્યા હતા. જેમાં નલિયાના સફેદ બંગલામાં પીડિતા પર કરેલા દુષ્કર્મની વીડિયો ક્લીપ ઉતારી હોય તેનું ડેમોન્સ્ટ્રેશન કરાવવા, વીડિયો ક્લીપિંગ પરથી સીડી બનાવી છે કે નહીં તેની તપાસ કરવા, અન્ય આરોપીઓનાં નામ બહાર લાવવા જેવાં કારણસર રિમાન્ડ અપાયા છે.

કચ્છના સાંસદને દિવાળી પહેલાં જ નલિયાકાંડ વિશે જાણ હતી

નલિયા દુષ્કર્મ કાંડ પછી ભાજપની પ્રતિષ્ઠા ધોવાઇ રહી છે. તેને બચાવવા ભાજપે એક પછી એક બે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી હતી. બીજી પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની હાજરીમાં જ કચ્છના સાંસદે એક પ્રશ્નનો જવાબ આપતી વખતે આ આખા કાંડની તેમને દિવાળી પહેલાંથી ખબર હોવાનો ધડાકો કર્યો હતો. ‘આપ’ દ્વારા થયેલા આક્ષેપો અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, “પોતે દર સોમવારે પ્રજાના પ્રશ્નો માટે સો-બસો લોકોને મળતાં હોય છે. ત્યારે દિવાળી પહેલાં પીડિતાના વકીલ પાસે આ કેસનો એક આરોપી મારા નામની ભલામણ લઇને ગયો હતો. જોકે આ બાબતની મને ખબર પડતાં જ મેં પીડિતાના વકીલને તે આરોપી સામે ફરિયાદ દાખલ કરવા ભારપૂર્વક સૂચના આપી હતી. આ અંગે મેં એસ.પી.નું પણ ધ્યાન દોર્યું હતું. આવા કિસ્સામાં જે કોઇ જવાબદાર હોય તેમને પકડીને સખત સજા કરવી જોઇએ જ.” તેમણે આ કેસ દબાવવા કોઇ દબાણ કર્યું હોવાનો ઇનકાર કર્યો હતો. પીડિતાના સંબંધીઓને તાકીદે પોલીસ ફરિયાદ કરવા પણ જણાવ્યું હતું.

આમ કહીને તેમણે પોતે દિવાળી પહેલાંથી આ કિસ્સાથી માહિતગાર હોવાની આડકતરી કબૂલાત કરી હતી. જો તેઓ આ અંગે માહિતગાર હતા તો પક્ષના મોવડીનું ધ્યાન કેમ ન દોર્યું? અને આ કેસના આરોપીઓ જે પક્ષના હોદ્દેદારો પણ હતા તેમની સામે કોઇ કાર્યવાહી કરવા ભલામણ કેમ ન કરી? તે પ્રશ્ન તો અનુત્તર જ રહે છે.

ભાજપના જિલ્લા પ્રમુખે પીડિતાની ઓળખ છતી કરી દીધી

નલિયાકાંડમાં પક્ષના કાર્યકરોની સક્રિય સંડોવણી ખૂલતાં તેને વખોડવા અને પક્ષની છાપ સુધારવાના ઇરાદે ભાજપે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પ્રમુખે અજાણતા જ પીડિતાની ઓળખ છતી કરી દીધી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના મંત્રી, સાંસદ અને ધારાસભ્ય પર કરાયેલા આક્ષેપો વિપક્ષોએ હાર સહન ન થવાથી કર્યા હોવાનું જણાવી ગુનેગારોને છાવરવાનો કોઇ પ્રશ્ન થતો જ નથી. ગુનેગારોને કડક સજા થાય તેવા જ પક્ષના પ્રયત્ન હોવાનું ભાજપના જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલે જણાવ્યું હતું.

કાયદાનુસાર દુષ્કર્મની પીડિતાનું નામ જાહેર કરી શકાતું નથી, પરંતુ આ પત્રકાર પરિષદમાં પ્રમુખે ભાજપની પ્રશિક્ષણ શિબિર વખતના બહુચર્ચિત ઓળખકાર્ડની નકલ વારંવાર બતાવી હતી જેથી પીડિતાનું નામ અને ઓળખ છતી થઇ હતી. તેથી આ પ્રેસ કોન્ફરન્સ ડેમેજ કંટ્રોલ કરવાના બદલે મુશ્કેલી વધારનારી પુરવાર થઇ હતી.

બીજા દિવસે યોજાયેલી બીજી પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે આ અંગે પત્રકાર સમક્ષ માફી પણ માગવી પડી હતી. આમ, ભાજપની મુશ્કેલીઓ ઘટવાના બદલે વધી રહી છે. આ અંગે ઓલ ઇન્ડિયા એન્ટિ કરપ્શન એન્ડ ક્રાઇમ પ્રિવેન્શન કાઉન્સિલના પ્રિન્સિપાલ સેક્રેટરી હેનરી ચાકોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

તપાસ સંપૂર્ણ નિષ્પક્ષ રીતે જ થાય છેઃ એસ.પી.

નલિયાના દુષ્કર્મ કેસની તપાસ રાજકીય દબાણ હેઠળ થતી હોવાની અને મોટાં માથાંને બચાવવા નાનાઓેને વધેરી નખાતા હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે ત્યારે કચ્છના એસ.પી. મકરંદ ચૌહાણે તમામ આક્ષેપોને નકારતાં જણાવ્યું છે કે, “ફરિયાદ મોડી લેવામાં આવી અને તપાસ મોડી શરૂ થઇ, ધીમી ગતિએ ચાલે છે વગેરે આક્ષેપોમાં તથ્ય નથી. અમારી તપાસ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ જ છે. તેમાં દુનિયાની કોઇ પણ તપાસનીશ એજન્સી કોઇ ભૂલ કાઢી શકે તેમ નથી. અમારા પર કોઇ રાજકીય દબાણ નથી. તપાસ ખૂબ જ વ્યવસ્થિત થઇ છે તેથી જ પકડાયેલા પાંચ આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડ મળ્યા છે. આરોપીઓના મોબાઇલ અને વીડિયો ક્લીપિંગ માટે તપાસ થઇ રહી છે. શાંતિલાલના એરફોર્સ કનેક્શન અને બીજા તમામ પાસાંઓને નજરમાં રાખીને તપાસ હાથ ધરાશે. દુષ્કર્મમાં અતુલ ઠક્કર અને ભાભીની ભૂમિકા નથી, છતાં તેમની તપાસ કરાઇ રહી છે.”

પીડિતાનું હાઇકોર્ટમાં સોગંદનામું

નલિયાકાંડમાં રોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. પીડિતાના પૂર્વ પતિએ તેના વિરુદ્ધ બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી છે. જ્યારે જેની ઓળખ ‘ભાભી’ તરીકે બહાર આવી છે તે યુવતી ગીતા શ્રીપાલે પીડિતા સામે ચોરી સહિતના આક્ષેપો કરીને પોતે ‘ભાભી’ નહીં પણ માસી હોવાનું જણાવીને વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. તેમજ આ યુવતીને મદદ કરનારી વ્યક્તિ તરીકે એક ‘ગુમનામ બાબા’ વિશે ચર્ચા થઇ રહી છે પરંતુ આ બાબા પણ એક રહસ્યમય વ્યક્તિ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નાના કાર્યકરો અને આગેવાનોની પોલીસે ધરપકડ કરી છે પરંતુ બીજાં અનેક મોટાં માથાં જે આ કૌભાંડમાં સંડોવાયેલાં હોવાનું મનાય છે તેમનાં નામ બહાર આવે નહીં તે માટે અતુલ ઠક્કર નામની વ્યક્તિને પોલીસે ક્લીનચિટ આપી છે અને વિપુલ ઠક્કર નામની વ્યક્તિને પોલીસ હજુ શોધી રહી છે. તેની ઓળખ મળી નહીં હોવાનું રટણ પોલીસ કરી રહી છે. ત્યારે પહેલાં આ તપાસ સંતોષકારક રીતે થતી હોવાનું જણાવનાર પીડિતાએ આ તપાસ સંપૂર્ણ સંતોષકારક ન હોવા અંગે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. તેણે ‘સીટ’ની રચના અને તે દ્વારા થતી તપાસ સામે સવાલ ખડા કર્યા છે. સ્થાનિક રાજકારણીઓ દ્વારા દબાણ થઇ રહ્યું હોવાનું અને ફરિયાદ પરત ખેંચવા રૂ.૮૦ લાખની લાલચ અપાતી હોવાનું જણાવ્યું છે.

રાજકારણ સાથે ઉમેરાયો કોમી રંગ

નલિયાના પ્રકરણમાં શરૂઆતથી જ રાજકારણ ભળી ગયું છે. ભાજપ તો સંપૂર્ણ ખરડાઇ ગયો છે જ્યારે તકનો લાભ લેવા કોંગ્રેસ, ‘આપ’, ‘પાસ’ના આગેવાનો પણ પ્રયત્નશીલ બન્યા છે. કોંગ્રેસના સ્થાનિક આગેવાનો, ‘આપ’નાં મહિલા પાંખનાં પ્રમુખ વંદના પટેલ, ‘પાસ’ના હાર્દિક પટેલે પીડિતા તરફ સહાનુભૂતિ દર્શાવી છે ત્યારે ધીરેધીરે આ કેસમાં હવે કોમવાદી રંગ પણ ઉમેરાઇ રહ્યો છે. કોંગ્રેસ લઘુમતી મોરચા ઉપરાંત અન્ય મુસ્લિમ સંસ્થાઓએ આ પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ કરીને પીડિતાને ન્યાય અપાવવા માગ કરી હતી તો સામા પક્ષે હિન્દુ સ્વાભિમાન સંઘે નારીને સાધન સમજતો સમાજ પીડિતાના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે તેમ કહીને આવી સંસ્થાઓ મલિન ઇરાદા પાર પાડવા પ્રયત્નશીલ હોવાના આક્ષેપોકર્યા હતા.

‘ભાભી’ના નામનો ખુલાસો

નલિયાકાંડ જ્યારથી ઉખડ્યો છે ત્યારથી જ ‘ભાભી’ નામની મહિલા સતત ચર્ચામાં રહેતી હતી. આ અંગે ખુલાસો કરવા ભુજના કોંગ્રેસી નગરસેવક અને અખિલ કચ્છ લોહાણા મહાજનના મહામંત્રી મહેન્દ્ર ઠક્કરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, પરંતુ તેઓ પત્રકારોને વિગત આપે તે પૂર્વે જ પીડિતાએ અમુક પત્રકારો સમક્ષ ‘ભાભી’ કોણ છે તેનો ખુલાસો કરી નાખ્યો હતો. તેણે માત્ર ભાભીનું નામ ગીતા હોવાનું જણાવ્યું હતું. જોકે ત્યારપછી મહેન્દ્ર ઠક્કરે ભાભીનું નામ ગીતા શ્રીપાલ હોવાનું અને મિરઝાપુરનું તેનું સરનામુંું પણ પત્રકારોને જણાવ્યું હતું.

પૂર્વ પતિના પીડિતા સામે આક્ષેપો

પીડિતાનો પૂર્વ પતિ કલ્પેશ પ્રેમચંદ મોમાયા પીડિતા સામે વિવિધ આક્ષેપો સાથે સામે આવ્યો છે. તેના વકીલે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, “પીડિતા, તેનાં માતા- પિતા અને એક વચેટિયા શખ્શે લગ્ન કરાવવા એક લાખ રૂપિયા લીધા હતા. લગ્ન પછી પીડિતા માત્ર બે જ દિવસમાં કોઇ પણ જાતના વૈવાહિક સંબંધો બાંધ્યા વિના જ પિયર પરત ફરી હતી. ત્યાર બાદ છૂટાછેડા માટે વચેટિયાને વધુ રૂ.૨૫ હજાર આપવા પડ્યા હતા. તે પોતાની સાથે લગ્ન વખતે અપાયેલાં કપડાં અને દાગીના લઇ ગઇ હતી. આ અંગે તેના પૂર્વ પતિએ ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવા એસ.પી.ને અરજી કરી છે. છૂટાછેડા માત્ર નોટરી સમક્ષ જ થયા હતા તે રજિસ્ટર થયા નથી.”

જોકે પૂર્વ પતિના આક્ષેપોને નકારીને પીડિતાએ તેની પાસેથી એક પણ પૈસો ભરણપોષણનો પણ લીધો ન હોવાનું જણાવ્યું હતું. સવાલ એ થાય છે કે છૂટાછેડા એક વર્ષ અગાઉ થયા હતા તો હવે તે અંગેની ફરિયાદ કરવા પૂર્વ પતિ નલિયાકાંડ ગાજી રહ્યો છે ત્યારે જ કેમ દેખાયો?
ગુનાની ગતિવિધીઓને અંજામ આપનારા શખ્સો અને સ્થળો

નલિયાકાંડના સૂત્રધાર મનાતા શાંતિલાલ સોલંકી ‘મામા’

અબડાસા તાલુકામાં મામા તરીકે ઓળખાતો અને આ સેક્સકાંડનો સૂત્રધાર મનાતો શાંતિલાલ સોલંકી દરજી (ઉ.વ. ૪૮) નલિયાની ગેસ એજન્સીનો સંચાલક છે પરંતુ તેનો દબદબો એજન્સીના માલિકનો હોય તેવો હતો. થોડાં વર્ષ અગાઉ તે કોઠારામાં દરજીકામ અને સાયકલ પર આસપાસના વિસ્તારમાં કાપડની ફેરી કરતો હતો. પણ બહુ જ ટૂંકા ગાળામાં તેની આર્થિક સ્થિતિ ખૂબ જ સધ્ધર થઇ ગઇ.

નલિયામાં તેણે મિલકતો ખરીદી છે, ભુજના અતિ મોંઘા ગણાતા વિસ્તારમાં દુકાન અને બંગલો ધરાવતો હોવાનું જાણકારો કહી રહ્યા છે. આર્થિક પ્રગતિની સાથેસાથે તેની રાજકીય અને સામાજિક વગ પણ વધવા લાગી. જ્ઞાતિ સંગઠનનો તે જિલ્લા પ્રમુખ અને અબડાસા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાનો પણ પ્રમુખ બની ગયો.

શાંતિલાલનું નામ દાદાગીરી અને ગુનાખોરીમાં પણ ઝળક્યું હોવાનું જાણવા મળે છે. નલિયાના એક જમીન પ્રકરણમાં રૂ.૧૪.૫૧ લાખ સાટાકરાર પેટે લીધા પછી દસ્તાવેજ બનાવવાની ના કહીને વેચનારા પાસેથી તે જમીન ખાલી કરાવી હોવાનો મામલે પણ પોલીસમાં અરજી થઇ છે.

આ શખ્શ જ્યારે કોઠારામાં રહેતો હતો ત્યારે એરફોર્સના અધિકારીઓ સાથે તેને નિકટના સંબંધો હતા. આ સંબંધોનો ફાયદો ઉઠાવીને તેણે કોઇ દેશવિરોધી કામ કર્યાં નથીને? તે દિશામાં પણ પોલીસ તપાસ થવી જોઇએ તેવું જાણકારો કહી રહ્યા છે.

પીડિતાને નોકરી અપાવનાર વિનોદ ભીંડે ‘બબા શેઠ’

મોટી ઉંમરનો અને યુવાન પુત્રના પિતા એવા બબા શેઠ ઉર્ફે વિનોદ ભીંડે ઠક્કર (ઉ.વ. ૬૭) નલિયા પંથકમાં ઇશ્કમિજાજી તરીકે જાણીતો છે. તેની ‘આઇડિયા’ ની દુકાન છે. તેમાં તે કામ કરવા માટે હંમેશાં યુવતીઓને જ રાખતો હતો તથા સમયાંતરે યુવતીઓને બદલી નાખતો હતો, જેથી ક્યારેય પણ તપાસ થાય તો યુવતીઓ વિશે સાચી વાત બહાર આવી ન શકે. તેનો પુત્ર ચેતન પણ પિતાના જ નક્શેકદમ પર ચાલે છે. તેણે પીડિતા પર દરિયાકિનારે દુષ્કર્મ કર્યું હોવાની વાત પીડિતાએ કરેલી હતી. તે કચ્છના રાજકારણમાં મોટું માથું ગણાય છે જયંતિભાઇ ઠક્કરનો તે વેવાઇ થાય છે. બાપ- બેટાને પોલીસમાં હાજર કરવામાંપણ વેવાઇએ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું ચર્ચાય છે.

પિતાના પગલે ચાલનારો ચેતન ઠક્કર(ઉ.વ. ૩૫)

સેક્સકાંડમાં એક જ યુવતીનો ગેરલાભ પિતા-પુત્ર લેતા હોય તેવા કિસ્સા બહુ ઓછા જોવા મળે છે, પરંતુ કચ્છના આ કેસમાં પિતા વિનોદ અને પુત્ર ચેતન બંને સમાન આરોપી તરીકે છે. નલિયા ગ્રામ પંચાયતનો તે સદસ્ય છે. પીડિતા સાથે તેણે અનેક વખત દુષ્કર્મ કર્યાના આરોપો છે.

અશ્વિન ઠક્કર (ઉ.વ. ૪૪)

જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલો અશ્વિન ઠક્કર પણ આ કેસના અન્ય આરોપીઓની જેમ ભારે રાજકીય વગ ધરાવે છે. મૂળ નેત્રા ગામનો છે. અગાઉ તે કોલસાના વ્યવસાયમાં પણ જોડાયેલો હતો. નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ રાજેશ પલણનો તે કાકાઇ સાળો થાય છે.

ભરત દરજી (ઉ.વ.૩૭)

શાંતિલાલ ઉર્ફે મામાનો ખાસ માણસ ગણાતો ભરત દરજી જમીન મકાનની લે-વેચ કરે છે. તે પણ રાજકીય સંપર્કો ધરાવે છે.

અજિત રામવાણી (ઉ.વ.૪૩)

ગાંધીધામ સુધરાઇના ભાજપના સભ્ય એવો અજિત રામવાણી આરએસએસનો કાર્યકર છે. તે ભુજ શહેર ભાજપનો સહપ્રભારી પણ છે. નલિયાકાંડ બહાર આવ્યા પછી ભાજપે તેને સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધો છે. તે શરૂઆતમાં નાનકડી કેબિન ધરાવતો હતો પરંતુ પછી સસ્તા અનાજની દુકાન અને અન્ય વ્યવસાયમાં તેણે નાણાંની ગંગા વહેતી કરી દીધી. તે ફટાકડાનું મોટું કામકાજ પણ કરે છે. નલિયાકાંડ બાદ તેનો અને ગોવિંદ પારુમલાણીનો નગરપાલિકાની ફાયર શાખાના અધિકારીઓ સાથે ધાકધમકી કરતો વીડિયો વાઇરલ થયો છે.

ગોવિંદ પારુમલાણી (ઉ.વ.૩૮)

અજિત રામવાણીની જેમ જ ગોવિંદ પારુમલાણી પણ આરએસએસનો કાર્યકર છે. તે ગાંધીધામ શહેર ભાજપનો મહામંત્રી છે. તેને પણ ભાજપે પક્ષમાંથી હાંકી કાઢ્યો છે. તેનું ગોવિંદ મંડપ, જનરેટરનું કામકાજ છે. બગીચાના કોન્ટ્રાક્ટ પણ રાખતો હોવાનું જાણવા મળે છે. ગોવિંદ બહુચર્ચિત રાધેમાનો ચેલો હોય તેવા ફોટા તેણે ફેસબુક પર મૂક્યા હતા.

વસંત ભાનુશાળી ( ઉ.વ.૪૪)

ગાંધીધામ નગરપાલિકાનો સદસ્ય અને માજી કારોબારી ચેરમેન વસંત ભાનુશાળી ભાનુશાળી સમાજના પ્રતિષ્ઠિત કુટુંબમાંથી આવે છે. તેના પિતા સામાજિક કાર્યમાં આગળ પડતો ભાગ ભજવે છે. તે હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલો છે.

ગુનાનો ઘટના ક્રમ
પીડિતાને ડ્રગ અપાતું હોવાની શંકા

પીડિતાને દુષ્કર્મ પૂર્વે ભારતમાં પ્રતિબંધિત ડ્રગ અપાતું હોવાનું મનાઇ રહ્યું છે. આ ડ્રગ લીધા બાદ તે અર્ધબેભાન બની જતી હતી. આ ડ્રગ બેંગકોક,પટાયાથી મગાવતા હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસે આ બાબતનો ઇનકાર કર્યો છે.

પીડિતાને લાંચ આપીને ખરીદી લેવા પ્રયાસ

નલિયા સેક્સકાંડમાં ભાજપના નેતાઓનાં નામ બહાર આવ્યાં પછી આખું પ્રકરણ શાંત કરવા માટે પીડિતાનું મોં બંધ કરવા માટે રૂ. એક કરોડની ઓફર થઇ હોવાનું પણ બહાર આવ્યું છે.

ક્યાંક્યાં દુષ્કર્મ આચરાયું?

શાંતિલાલનું ઘર, નલિયામાં વ્હાઇટ બંગલાના નામે ઓળખાતો એક બંગલો, દરિયાકિનારે મોટરમાં દુષ્કર્મ આચરાયું હતું તો ભુજની રોયલ પેલેસ હોટેલ, ગાંધીધામની હોલીડે વિલેજ, નખત્રાણાની ફન એન્ડ ફૂડ હોટેલોમાં પણ આરોપીઓએ દુષ્કર્મ કર્યું હતું. પોલીસે હોટેલોની તપાસ કરી સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.[:]