[:gj]પ્રજા પર ૨૦૪ કરોડનો બોજ [:]

[:gj]અમદાવાદ,મંગળવાર

ગુજરાત સરકારની વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન ઘટાડી દેવામાં આવતા ગુજરાતના 1.40 કરોડ વીજ જોડાણધારકોને માથે વરસે 204 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ બોજ આવી રહ્યો છે. ગુજરાત સરકાર હંમેશા તેમનું રાજ્ય પાવર સરપ્લસ હોવાનો દાવો તો કરતી રહી છે, પરંતુ 18000 મેગાવોટની ભર ઊનાળે મહત્તમ ડિમાન્ડ ઊભી થાય છે. તે સિવાયના સમયમાં ડિમાન્ડ  12000 મેગાવોટ કે તેનાથી નીચી રહેતી હોવા છતાંય સરકારી વીજ કંપનીઓ ઉત્પાદન જ ઓછું કરતી હોવાથી ગુજરાતના વીજ વપરાશકારોને મોંઘી વીજળી વાપરવાની ફરજ પડી રહી છે. આ જે ગુજરાતના વીજ વપરાશકારે યુનિટદીઠ વીજળીના રૂા.7.50 ચૂકવવા પડી રહ્યા છે.

ગુજરાત વીજ નિયમન પંચ એક તરફ એવો દાવો કરે છે કે છેલ્લા પાંચ વર્ષમાં વીજદરમાં કોઈ વધારો જ કરવામાં આવ્યો નથી. સરકારે તો માત્ર ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ જ વધારો કર્યો છે. અત્યારે ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ મહત્તમ રૂા.2.10 લેવાની છૂટ આપવામાં આવી છે. તદુપરાંત રહેઠાણના વીજ વપરાશકારો પાસેથી વીજળીના બિલ પર 15 ટકાના દરે ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી લેેવામાં આવી રહી છે. વીજળીના ક્ષેત્રના નિષ્ણાત કે.કે. બજાજનું કહેવું છે કે ઓછા ભાવની વીજળી પહેલા ખરીદવાના નિયમનો ધરાર ભંગ કરવામાં આવી રહ્યો છે. તેથી વીજળી મોંઘી પડી રહી છે. ઓછા ભાવની વીજળી ખરીદવી જ ન પડે તે માટે સરકાર ઓછા ભાવે વીજળી પેદા કરી આપતા એકમો ચલાવતી જ નથી. રૂા. 1300 કરોડ ખર્ચીને ઓક્ટોબર 2018માં ખરીદવામાં આવેલો ભાવનગર લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશનના પ્લાન્ટમાં આગ લાગ્યા પછી દસ મહિના થયા છતાંય તેમાં એક યુનિટ વીજળી પેદા થતી જ નથી. સરકારની માલિકીના કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન 75 મેગાવોટની ક્ષમતા ધરાવતા પાવર પ્લાન્ટમાં લિગ્નાઈટ મળતો નથી તેથી તેમાં જરાય ઉત્પાદન કરવામાં આવતું નથી. આ જ સ્થિતિ કચ્છના 215 મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા ધરાવતા કેએલટીપીએસ 1થી 3ની હાલત છે. લિગ્નાઈટ હલકી ક્વોલિટીનો મળે છે તેવું કારણ આગળ કરીને તેઓ આ ચારેય પ્લાન્ટમાં વીજળી પેદા કરવાનું બંધ કરી દીધું છે. નવાઈની વાત તો એ છે કે સુરતમાં માંગરોળ ખાતેનો લિગ્નાઈટથી ચાલતો પ્લાન્ટ બરાબર ચાલે છે. તેનો પ્લાન્ટ તેની કુલ ઉત્પાદન ક્ષમતાની 75 ટકા ક્ષમતાએ ચાલે છે. તેનો યુનિટદીઠ વીજ ઉત્પાદન ખર્ચ રૂા.1.51નો જ છે. તેની સામે ગુજરાત સરકારની વીજ કંપનીઓના પ્લાન્ટ તેની કુલ ઉત્પાદન ક્ષમતાના 30થી 35 ટકા ક્ષમતાએ જ ચાલે છે. આમ સરકારી પ્લાન્ટમાં વીજ ઉત્પાદન ઓછું કરીને લોકોને માથે વીજ ખર્ચનો બોજ વધારવાની કામગીરી ગુજરાતની વર્તમાન સરકાર કરી રહી છે. જોકે ટોરેન્ટ પાવર તેના જૂના પ્લાન્ટ 70થી 90 ટકા ક્ષમતાએ ચલાવી રહી હોવાના દાખલા છે. ગુજરાત સરકારના પ્લાન્ટ ઓછી ક્ષમતાએ વીજ ઉત્પાદન કરતાં હોવાથી તેમનો ઉત્પાદન ખર્ચ ઊંચો આવે છે.

દેશમાં સસ્તી વીજળી આપનારી 60 કંપનીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે.  તેમાં પહેલા 20 ક્રમ સુધીમાં ભારત સરકારની વીજ કંપનીઓ જ આવે છે. આ કંપનીઓના પ્લાન્ટ કોલસાની ખાણ નજીક જ હોવાથી તેમને વીજ ઉત્પાદનનો ખર્ચ ઓછો આવે છે. તેમની વીજળીના યુનિટદીઠ ભાવ રૂા. 2.20ની આસપાસના હોય છે. તેની સામે ગુજરાતની આ ચાર વીજ કંપનીઓ મેરિટ ઓર્ડરમાં એટલે કે સસ્તા ભાવે વીજળી આપતી કંપનીઓની યાદીમાં 23 કચ્છ લિગ્નાઈટ-4, ભાવનગર લિગ્નાઈટ 24 અને કચ્છ લિગ્નાઈટ 1થી 3 26માં ક્રમે છે. છતાંય લિગ્નાઈટની નબળી ક્વોલિટીને નામે આ પ્લાન્ટમાં વીજળી પેદા કરવાનું અટકાવી દેવામાં આવ્યું છે. આ ત્રણ કંપનીઓ પાસે યુનિટદીઠ અનુક્રમે રૂા.2.54, 2.60 અને રૂા.2.82ના ભાવે વીજળી મળી શકે છે. તેમ છતાંય સરકાર ખાનગી કંપનીઓ એસ્સાર પાવર પાસે યુનિટદીઠ રૂા. 3.10 અને અદાણી પાવર પાસે યુનિટદીઠ રૂા. 3.13ના ભાવે વીજળી ખરીદી રહી છે.

આમ યુનિટદીઠ 43 પૈસાનો વધારાનો બોજ આવી રહ્યો છે. આ ચાર પ્લાન્ટ થકી વીજ સપ્લાય મેળવનારા ગ્રાહકોને તથા ગુજરાતના તમામ ગ્રાહકોને યુનિટદીઠ 43 પૈસા મોંઘી વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની કંપનીઓના આ ધાંધિયા પરત્વે ગુજરાત વીજ નિયમન પંચનું ધ્યાન લેખિત ફરિયાદ કરીને દોરવાાં આવ્યું છે. પરંતુ ગુજરાત વીજ નિયમન પંચે-જર્કે આ પત્ર જીએસઈસીએલનો ટપાલીની માફર ફોરવર્ડ  કરી દેવાની કામગીરી સિવાય કશી જ કામગીરી કરી નથી.

 [:]