[:gj]બનાસકાંઠાના 12 ગામમાં વિચિત્ર નિયમો— છોકરીઓ મોબાઇલ ફોન નહીં રાખી શકે.[:]

[:gj]

ગુજરાતના આદિવાસી સમાજની જેમ ઠાકોર સમુદાયના નિયમો પણ એવા હોય છે કે જાણીને નવાઇ લાગે. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજની વસતી વધારે છે તેથી ભાજપ અને કોંગ્રેસમાં ઠાકોર સમાજના આગેવાનો જોડાય છે અને ધારાસભ્ય તેમજ સંસદસભ્યો બને છે. આશ્ચર્યની બાબત એવી છે કે નેટવર્કિંગ અને ઓનલાઇન એજ્યુકેશનના સમયમાં ઠાકોર સમાજે જે કડક નિયમો બનાવ્યા છે તેને ઠાકોર સમાજના ધારાસભ્યો સમર્થન આપે છે.

આ જિલ્લાના એક નહીં પણ એકસાથે બાર ગામોમાં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે જો કોઇ છોકરી કે છોકરો લગ્ન કરીને ભાગી જાય તો છોકરાના પરિવાર પાસેથી બે લાખ રૂપિયા અને છોકરીના પરિવાર પાસેથી 1.50 લાખ રૂપિયા લેવામાં આવે છે અને તે પંચાયતમાં ભરવા પડે છે. પંચાયત દંડ રૂપે આ રકમ લેતી હોય છે.

આ ગામોમાં એક નિયમ એવો છે કે છોકરીઓ તેમની પાસે મોબાઇલ ફોન રાખી શકશે નહીં. જિલ્લાના દાંતીવાડાના જેગોલ ગામમાં ઠાકોર ક્ષત્રિય સમાજની એક બેઠક રાખવામાં આવી હતી જેમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.

ઠાકોર સમાજે બનાવેલા નિયમો આ પ્રમાણે છે….

1.   છોકરીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ છે. જો પકડાય તો પરિવાર દોષિત ગણાશે.

2.   આ ગામોમાં ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

3.   સમાજની ઇજ્જત ઉછાળનાર પરિવાર પાસેથી બે લાખ રૂપિયા દંડ લેવામાં આવશે.

4.   સામાજીક વ્યવહારોમાં કપડાં, વાસણની પ્રથા બંધ કરીને રોકડ વ્યવહાર રાખવામાં આવ્યો છે.

5.   મૃત્યુના પ્રસંગે કફન માત્ર પરિવારનો સભ્ય લાવી શકશે, અન્ય વ્યક્તિ નહીં.

6.   લગ્ન સમયે બારાત કાઢવા પર પ્રતિબંધ છે. બહારથી જાન આવશે તો બારાત નહીં.

7.   ઘરમાં ભાઇ-ભાઇ વચ્ચે વિવાદ હોય તો સમાજના કાર્યક્રમમાં નહીં આવી શકે.

ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવેલા આ નિયમોમાં કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો કરવામાં આવ્યા છે, જો કે આ નિયમોને ભાજપમાં જોડાવાના છે તે અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમર્થન કર્યું છે. ગેનીબેન ઠાકોર કહે છે કે છોકરીઓની નાની ઉંમરમાં આવા પ્રતિબંધ જરૂરી છે. ઠાકોર સમાજની છોકરીઓ તેમનું ભવિષ્ય બનાવે તે જરૂરી છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મોબાઇલ નહીં રાખવાનો નિયમ સમાન હોવો જોઇએ. છોકરીઓ જ નહીં છોકરાઓએ પણ મોબાઇલ ફોન નહીં રાખવો જોઇએ. પ્રેમ લગ્નમાં તેણે કંઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે મેં પણ પ્રેમલગ્ન કર્યા છે.

[:]