[:gj]ભારતમાં એકમાત્ર સુરતમાંથી સંસ્કૃત ભાષાનું સમાચારપત્ર : વિશ્વસ્ય વૃતાંતમ્[:]

[:gj]26 ઓગષ્ટ- વિશ્વ સંસ્કૃત દિન: સંસ્કૃત ભાષાને ધબકતી કરવા સુરતના સંસ્કૃત અખબારના 8 વર્ષથી ઉમદા પ્રયાસો

પરેશ ટાપણીયા
‘ભારતરત્ન: અજાતશત્રુ: અટલ: મહાનિદ્રાયાં વિલીન:’, ‘સૂઈધાગા’ ચલચિત્રસ્ય નૂતનં છાયાચિત્રં પ્રસારિતં જાતમ’, ‘રક્તદૂર્ગોપરિ નરેન્દ્રમોદીના સર્વકારીયગુણગાથા: પ્રસારિતા:’, ‘શતાબ્દીપુરૂષ અટલબિહારી મહાભાગ: તુ સર્વજન હ્રદયસમ્રાટ:-વિજય રૂપાણી’ આ વાંચીને તમને થોડી મૂંઝવણ થશે. શાળામાં એક વિષયના રૂપમાં ભણ્યા હોય તેમને ખ્યાલ આવશે કે સંસ્કૃતમાં કંઈક લખ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વાક્યો દુનિયાના એકમાત્ર સુરતથી સંસ્કૃત ભાષામાં પ્રકાશિત થતાં દૈનિક અખબાર ‘વિશ્વસ્ય વૃતાંતમ્’ના પાના પર છપાયેલી હેડલાઈનો છે. દેશમાં દરરોજ તમામ ભાષામાં અખબારો પ્રસિદ્ધ થાય છે,જેમનાં કરોડો વાચકો હશે. પણ બહુ ઓછા વાચકોને ખ્યાલ હશે કે સુરતમાંથી સંસ્કૃત ભાષામાં પણ એક પૂર્ણ કક્ષાનું અખબાર નિયમિતપણે પ્રસિદ્ધ થાય છે. જેને દરરોજ ભારત તેમજ વિશ્વના કોઈ છેડે રહેતા સંસ્કૃતપ્રેમી વાચકો ડિજીટલ માધ્યમથી રસપૂર્વક વાંચે છે. આ નવાઈની વાત હજુ પૂરી થઇ નથી, કારણ કે સંસ્કૃત ભાષાના આ અખબારને કોઈ હિંદુ નહિ, પરંતુ દાઉદી વ્હોરા સમાજના બે મુસ્લિમ બંધુઓ ચલાવી રહ્યા છે. વેદો-પુરાણો-શાસ્ત્રોની આ ભાષાનું અખબાર દ્વારા જતન કરી રહેલા મુસ્લિમ સમાજના બે ભાઈઓ સૈફી સંજેલીવાલા અને મુર્તુઝા ખંભાતવાલાએ સામાજિક સદ્દભાવનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

કહેવાય છે કે, દેવભાષા સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. ભારતની વિશ્વને અમૂલ્ય દેન એવી અતિપ્રાચીન સંસ્કૃત ભાષા હવે માત્ર પુસ્તકો પૂરતી જ સીમિત રહી ગઈ છે. એક સમય હતો જ્યારે સંસ્કૃત બોલચાલની ભાષા તરીકે કે અભ્યાસની ભાષા તરીકે ચલણમાં હતી. પરંતુ આજે સ્થિતિ એ છે કે, હવે સંસ્કૃતનો ઉપયોગ માત્ર શાસ્ત્રોક્ત વિધિ વિધાનો માટે જ થાય છે. લુપ્ત થવાને આરે ઉભેલી આ ભાષાનો પુન: વ્યાપ વધારવા કેટલીક સંસ્કૃતપ્રેમી સંસ્થાઓ સક્રિય છે. જેમાંની એક સંસ્થા ‘ભારતી પ્રકાશન,સુરત’ દ્વારા સંસ્કૃત ભાષાનો પ્રચાર અને વ્યાપ વધે અને સાથોસાથ નાના બાળકો-નવી પેઢી સંસ્કૃત ભાષાના ઐતિહાસિક વારસાથી અવગત થાય તે માટે ૨૬ એપ્રિલ, ૨૦૧૧થી સંસ્કૃત ભાષામાં નિયમિતપણે અખબાર પ્રસિદ્ધ કરે છે. ગુજરાત અને સુરત માટે ગૌરવપ્રદ વાત એ છે કે આ સંસ્થાના પ્રમુખ  સૈફી સંજેલીવાલા અને દૈનિકના મેનેજિંગ તંત્રી મુર્તુઝા ખંભાતવાલા હિંદુ-મુસ્લિમ એકતા માટે સેતુરૂપ બન્યા છે. આ અખબારના વાચકો ગુજરાત સહિત બિહાર, ઓરિસ્સા, એમ.પી., યુ.પી., કર્ણાટક, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉતરાખંડ અને દિલ્હી સુધી પથરાયેલા છે. ડિજિટલરૂપે ઈ-પેપરના માધ્યમથી હજારો વાંચકો નિયમિતરૂપે અખબારનું વાંચન કરે છે.
વિદેશથી પણ વાચકો અખબાર સાથે જોડાયેલા છે. આ અખબાર સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓનું માનીતું છે.
આ અખબારના સંચાલક સૈફી સંજેલીવાલા ‘વિશ્વસ્ય વૃતાંતમ્’ વિષે જણાવે છે કે, સંસ્કૃત ભાષા માત્ર બ્રાહ્મણો માટે જ છે, ઉપરાંત ખુબ અઘરી ભાષા હોવાની માન્યતા તોડવાનું કાર્ય આ અખબાર દ્વારા અમે કરી રહ્યા છીએ. સંસ્કૃતને લોકભોગ્ય બનાવવા માટે દૈનિક અખબાર એક પ્રબળ માધ્યમ છે, અને સંસ્કૃત ભાષાને અમારા પેપરમાં પાંડિત્યપ્રચુર ભાષામાં નહિ, પણ હિન્દી સમજી શકતાં વાચકને સરળ રીતે સમજાય તેવી શૈલીમાં રજૂ કરવામાં આવે છે. ‘વિશ્વસ્ય વૃતાંત’ દેશમાં એકમાત્ર નિયમિતરૂપે દૈનિક ધોરણે પ્રસિદ્ધ થતું અખબાર છે, જેને ટેબ્લોઈડ સ્વરૂપે નહિ, પરંતુ અખબારની મોટી સાઈઝમાં પ્રકાશિત કરવામાં આવે છે. વળી, અમે અખબારોમાં રોજબરોજની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, સાંપ્રત પ્રવાહોને અન્ય અખબારોની જેમ જ સંસ્કૃતમાં રજૂ કરીએ છીએ. સંસ્કૃતમાં પત્રકારિત્વની પહેલ કરવાની સાથે સંસ્કૃતમાં રસ ધરાવતાં વિદ્યાર્થીઓ તેમજ રિસર્ચ સ્કોલરો માટે ‘વિશ્વસ્ય વૃતાંત’ એક પ્લેટફોર્મ બન્યું છે. સમાચાર સંપાદન,લેખન અને અખબારનું મેનેજમેન્ટ સંભાળતા મેનેજિંગ તંત્રીશ્રી મુર્તુઝા ખંભાતવાલા કહે છે કે, ‘હું સંસ્કૃતનો વિદ્યાર્થીકાળથી ચાહક છું. ધો.૧૦ માં મારા વર્ગના ૪૦ વિદ્યાર્થીઓમાંથી એક માત્ર મેં જ સંસ્કૃતને વિષય તરીકે પસંદ કર્યો હતો. શ્રી ખંભાતવાલા અખબારના વૈવિધ્ય વિષે જણાવે છે કે, આ અખબારમાં રાજકારણ, સાંપ્રત ઘટનાઓ, સ્પોર્ટ્સ, હેલ્થ, વિશેષ કોલમો, શોર્ટ ન્યુઝ, ગાંધીનગર સચિવાલયના સમાચારો માટે ‘સચિવાલય વાર્તા’, રાજનેતાઓની ટિપ્પણીઓ માટે-રાજનેતા ઉવાચ’, પાઠકમંચ, હાસ્યરસ, સંસ્કૃત પ્રશ્નોત્તરી, જન્મદિન વિશેષ-વ્યક્તિ વિશેષ, બાળમનોરંજન, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની મન કી બાત અને માહિતી

ખાતાના સમાચારોને સ્થાન આપવામાં આવે છે. આ અખબાર દ્વારા ફેસબુકના માધ્યમથી ઓનલાઈન સંસ્કૃત સ્પર્ધા યોજીને વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાય છે. તેઓ ઉમેરે છે કે, આપણો અમૂલ્ય સંસ્કાર વારસો સંસ્કૃતમાં લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં સચવાયો છે. સંસ્કૃત ભાષા મરી પરવારી નથી, પરંતુ સંસ્કૃત ભાષાનો વ્યાપ જેટલો દેશમાં નથી વધી રહ્યો એટલો વિદેશોમાં દિનપ્રતિદિન વધી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર સંસ્કૃતને હવે સાયન્ટીફિક અને ફોનેટિકલી સાઉન્ડ લેન્ગવેજના રૂપમાં માન્યતા મળી રહી છે. અંગ્રેજોએ આ દેશના મૂળવતનીઓને પોતાનું ગૌરવ ભુલાવવા અને અંગ્રેજીની મહત્તા સ્થાપિત કરવા આપણી સંસ્કૃતને મૃતભાષા તરીકે જાહેર કરી. આજનું અંગ્રેજી પાછળનું ઘેલું જોતાં અંગ્રેજો કેટલાક અંશે ભારતીયોને ભારતીયતાના સંસ્કારોથી દૂર રાખવામાં સફળ પણ થયા હોય તેવું લાગે છે. રાજ્યનો શિક્ષણ વિભાગ બાળકોના અભ્યાસમાં સંસ્કૃત ભાષાને ઉત્તેજન આપે તો મૃત:પ્રાય બનેલી આ ભાષાને ઉગારી શકાય તેમ છે.
છેલ્લા ૦૮ વર્ષથી નિયમિત કોઈ પણ વિક્ષેપ વિના તમામ અંકો છાપ્યાં છે. ક્યારેક ઈ પેપર અપલોડ કરવામાં મોડું થાય ત્યારે અન્ય રાજ્યો અને વિદેશના વાચકો ફોનનો મારો ચલાવે છે. વાંચકોના આ પ્રકારના પ્રેમના કારણે વર્ષની સાત રજાઓ સિવાય એક પણ અંક પ્રકાશિત કરવાનું ચૂક્યા નથી એમ ખંભાતવાલા ગૌરવથી જણાવે છે.
અખબારમાં સહસંપાદક તરીકે કાર્યરત ડો.ધનંજય ભંજ સંસ્કૃતમાં પી.એચ.ડી. થયેલા વિદ્વાન શિક્ષક છે. મૂળ ઓરિસ્સાના વતની અને વર્ષોથી સુરત સ્થાયી થયેલા શ્રી ભંજ કહે છે કે, સરળ અને સુવાચ્ય સંસ્કૃત ભાષામાં રસપ્રદ સમાચારો, સુભાષિત, કાવ્યો-વાર્તાઓ વગેરે પ્રગટ કરીને સંસ્કૃત દરેક વર્ગની રૂચિનો ખ્યાલ રાખ્યો છે. સંસ્કૃત પ્રેમીઓના લવાજમો પર આ અખબાર ચાલી રહ્યું છે. દેશના ખૂણે ખૂણેથી સંસ્કૃત વિદ્વાનો અને વિદ્યાર્થીઓ આ અખબાર મંગાવે છે. કોઈ પણ ભોગે આ સંસ્કૃત અખબાર પ્રકાશિત થતું રહે એ માટે અમે કૃતનિશ્ચયી છીએ.
ગુજરાત સરકારે રાજ્યમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કાર્યાન્વિત કરી છે, જે એક હકારાત્મક પહેલ છે. દેશમાં ૨૦ થી વધુ સંસ્કૃત વિશ્વવિદ્યાલય છે, ૧૦૦ થી વધુ કોલેજો અને અનેક સંસ્કૃત પાઠશાળાઓ આવેલી છે. કાશ્મીરથી માંડીને કન્યાકુમારીથી દેશના એક-એક ખૂણે સંસ્કૃતની વિરાસત સમાયેલી છે, ત્યારે શ્રી ધનંજય ભંજ સંસ્કૃત ભાષાની સુંદરતા વર્ણવતાં કહે છે કે, દુનિયામાં સંસ્કૃત જ સૌથી સહેલી અને વૈજ્ઞાનિક ભાષા છે. એમાં કર્તા, કર્મ અને ક્રિયાપદના જડ બંધનો કે નિયમો નથી. દાખલા તરીકે:, ‘અહમ્ ગૃહમ્ ગચ્છામિ’-હું ઘરે જાઉં છું. આ વાક્યને તમે ગમે તે રીતે રજૂ કરી શકો. ગૃહમ્ અહમ્ ગચ્છામિ..ગચ્છામિ ગૃહમ્ અહમ્ કે અહમ્ ગચ્છામિ ગૃહમ્… બધી રીતે તમે સાચા છો.
સંસ્કૃતમાં ભાષાનો વૈભવ અને રમતિયાળપણું પણ ઉડીને આંખે વળગે એવું છે. જેમ કે:, ‘કં બલવંતં મા બાધિતં શીતં ?’ -કયા બળવાનને ઠંડી લાગતી નથી ?’ આ પ્રશ્નમાં જ એનો ઉત્તર છે- ‘કંબલવંતં મા બાધિતં શીતં’ -કંબલ-કામળો ઓઢેલાને ઠંડી લાગતી નથી.

તા.૨૬મી ઓગષ્ટના રોજ ‘વિશ્વ સંસ્કૃત દિન’ ભારત સહિત વિદેશોમાં પણ ઉજવણી થશે. સંસ્કૃતની પુત્રીઓ સમાન તમામ ભાષાઓ અંગ્રેજીના આક્રમણ સામે ઝીંક ઝીલી રહી છે, ત્યારે હજારો વરસથી અડીખમ ઊભેલી આ દેવભાષાનું મુસ્લિમ બંધુઓ દ્વારા ‘વિશ્વસ્ય વૃતાંતમ્’ અખબાર થકી જતન અને સંવર્ધન થઇ રહ્યું છે એ ખરેખર પ્રેરણાદાયી છે.

(તંત્રી નોંધ – સરકાર તેના ઠરાનો અને પરિપત્રો તથા સમાચાર યાદીઓમાં ગુજરાતની ભાષાની સાથે ભરપુર અંગ્રેજી શબ્દો વાપરતી થઈ છે. પણ સંસ્કૃત સમાચાર પત્ર શુદ્ધ અને માત્ર સંસ્કૃત્ત ભાષાના શબ્યોમાં જ છપાય છે. )  [:]