[:gj]મિન્ડા ઇન્ડસ્ટ્રીઝઃ ઘટાડે ખરીદનારને લાંબા ગાળે લાભ થઈ શકે[:]

[:gj]મુંબઈ,તા:૧૮

મંદીની પકડમાં આવી ગયેલા ઓટોમોબાઈલ સેક્ટરને પૂરજાઓ પૂરા પાડવાનું કામ કરતી મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ઘટાડે રોકાણ કરનારાઓ લાંબા ગાળે લાભ મેળવી શકે તેમ છે. વર્તમાન બજારમાં રૂા. 308.15ના ભાવે આ  સ્ક્રિપના સોદા પડી રહ્યા છે. બાવન અઠવાડિયામાં રૂા. 440નું ટોપ અને 260નું બોટમ આ સ્ક્રિપે જોયું છે. કંપની વિશ્વના જુદા જુદા લોકેશન પર 62 પ્લાન્ટ્સ ઉપરાંત 8 રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ ધરાવે છે. કંપની ઓટો સેક્ટર માટે સ્વિચિંગ સિસ્ટમ, લાઈટિંગ સિસ્ટમ, એકાઉસ્ટિક સિસ્ટમ અને એલોય વ્હિલ સપ્લાય કરે છે. તેની પાસે 230થી વધુ ડિઝાઈન્સનું રજિસ્ટ્રેશન છે. આ જ રીતે 30,000થી વધુ ટચ પોઈન્ટ્સનું રજિસ્ટ્રેશન છે. સ્વિચિંગ સિસ્ટમનું 50 ટકા બજાર કંપનીએ અંકે કરી લીધેલું છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂા.8000 કરોડનું છે. ભારત સહિત વિશ્વના દેશો ઇલેક્ટ્રિક વેહીકલના યુગમાં પ્રવેશી રહ્યા છે. આ વાહનોની બેટરી ચાર્જ કરવાના ક્ષેત્રમાં પણ માળખાકીય સુવિધા ઊભી કરવા કંપની સક્રિય બની ચૂકી છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની મંદી આ કંપનીના બિઝનેસ પર નેગેટીવ અસર લાવે તો તેના શેરના ભાવ ઘટી શકે છે.

ઓટોમોબાઈલ ઉદ્યોગ અત્યારે મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. 10 લાખ લોકોએ રોજગારી ગુમાવી હોવાના અહેવાલ છે. આ સંજોગોમાં પૂરજાનો સપ્લાય કરનાર કંપની પર પણ નકારાત્મક અસર પડવાની સંભાવના છે. આ મંદીના માહોલ વચ્ચે પણ 2019-20ના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે કંપનીનું પરફોર્મન્સ સેક્ટરની અન્ય કંપનીઓની તુલનાએ ઘણું જ સારું છે. કંપનીએ પૂરજાઓ સપ્લાય કરવાને બદલે હવે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ સપ્લાય કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય બજારને માટે અનુકૂળ થાય તેવા અન્ય પ્રોડક્ટ્સ તૈયાર કરવા પર કંપનીએ ફોકસ કર્યું છે. હવેની મોટરમાં ઇલેક્ટ્રોનિકસ ઉપકરણોના ઉપયોગમાં બે ગણો વધારો થયો છે. તેથી આ ક્ષેત્રમાં એમ્બેડેડ  સિસ્ટમ્સ, ટેલિમેટિક્સ, સોફ્ટવેર અને ડિઝાઈન તૈયાર કરવાની કામગીરી કંપની કરી રહી છે. ઓટો ઇન્ડસ્ટ્રીમાં આગામી પાંચ વર્ષમાં આવનારા ફેરફારોને ધ્યાનમાં લઈને કંપની પોતાની જાતને તૈયાર કરી રહી છે.

મિન્ડાએ ક્રિયેટના નામથી ટેક્નિકલ સેન્ટર ચાલુ કર્યું છે. આ સેન્ટર ભારતીય બજારને અનુરૂપ પ્રોડક્ટ્સ તૈયાર કરશે. આગામી પાંચ વર્ષની બજારની જરૂરિયાતને ધ્યાનમાં લઈ તે નવા પ્રોડક્ટ્સ તૈયાર કરશે. ઓટોમોબાઈલ સેક્ટરને મંદીનું ગ્રહણ લાગી ગયું હોવા છતાંય 2019-20ના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક 13 ટકા વધીને રૂા.1440 કરોડની રહી છે. ઓરિજિનલ ઇક્વિપમેન્ટનું વેચાણ ઘટ્યું હોવા છતાંય તેની આવક રૂા. 1440 કરોડની રહી છે. કંપનીએ તેનું ઉત્પાદન ઘટાડ્યું હોવા છતાંય તેની આવક આટલી સારી રહી હોવાની આગામી મહિનાઓ અને વરસોમાં કંપની સારુ પરફોર્મન્સ આપશે તેવી આશા બળવાન બની રહી છે. કંપની દ્વારા બજારમાં મૂકવામાં આવી રહેલા નવા નવા પ્રોડક્ટ્સ તેની યુએસપી બની રહ્યા છે. કંપની હાઈ એલઈડી મિક્સવાળા નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરવા વિચારી રહી છે.

ગયા વર્ષના માર્જિનની સાથે તુલના કરવામાં આવે તો વેરા પહેલાની કંપનીના માર્જિન અડધા ટકાથી વધુ એટલે કે 63 બેઝિસ પોઈન્ટ ઘટીના 12 ટકા રહ્યા છે. કંપનીએ કોસ્ટ કટિંગ માટે લીધેલા પગલાંને પરિણામે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. લાઈટિંગ સિસ્ટમ, એકાઉસ્ટિક સિસ્ટમ અને એલએમટીના વેચાણમાં વેરાપહેલાના માર્જિન અનુક્રમે 9, 6 અને 27.3 ટકા રહ્યા હતા. ગયા વર્ષના માર્જિની સરખામણીએ એલએમટીના બિઝનેસમાં માર્જિનમાં 580 બેઝિસ પોઈન્ટ એટલે કે અંદાજે પોણા છ ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી છે. એલ્યુમિનિયમના ભાવમાં થયેલા ઘટાડા અને ઓપરેટિંગ એફિશિયન્સીને પરિણામે તેમના માર્જિન સારા રહ્યા છે.

સ્વિચના માર્જિન આવકના 37 ટકા, લાઈટિંગના માર્જિન આવકના 24 ટકા, એકાઉસ્ટિકમાં આવકના 12 ટકા માર્જિન, એલએમટીમાં 16 ટકા અને અન્ય ઉપકરણોમાં 13 ટકા માર્જિન હોવાનું જોવા મળે છે. રિપ્લેસમેન્ટમાં 8 ટકા માર્જિન અને ચેનલવાઈઝ રેવન્યુ મિક્સમાં ઓરિજિનલ ઇક્વિપમેન્ટમાં રેવન્યુના 92 ટકા માર્જિન મળે છે. ટુ અને થ્રીવ્હિલરના ઇક્વિપમેન્ટમાં પણ 47 ટકા અને ફોર વ્હિલરમાં 53 ટકા માર્જિન રહે છે. ભારતીય બજારમાંથી 83 ટકા અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી 17 ટકા રેવન્યુ કંપની જનરેટ કરે છે.  ફોર વ્હિલરમાં કંપની તેની 85 ટકા ક્ષમતાઅને ટુ વ્હિલરમાં 80થી 85 ટકા ક્ષમતાનો ઉપયોગ કરે છે. સ્વિચના બિઝનેસમાં ચેન્નઈનો પ્લાન્ટ અને માનેસરનો પ્લાન્ટ 75 ટકા ક્ષમતાએ કામ કરે છે. જ્યારે ગુજરાતમાં 50 ટકા ક્ષમતાએ કામ કરે છે. તેમ જ ટુ વ્હિલરમાં 80 ટકા ક્ષમતાએ કામ કરે છે. કાવાસાકી પાસે સેન્સરના કંપનીને નવા ઓર્ડર મળ્યા છે. તેના ફોર વ્હિલરના ક્લાયન્ટ્સમાં મારુતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે. સ્વિચ સેગમેન્ટમાં હ્યુન્ડાઈ તેનું મોટું ક્લાયન્ટ છે. કંપની પાસે તેના પ્રીમિયમ પ્રોડક્ટ્સ પણ છે. સેફ્ટી રેગ્યુલેશનના અને એલાર્મ પ્રોડક્ટ્સની ડિમાન્ડ સતત વધી રહી છે. ભારતના બજાર માટે ભારતમાં જ ઉપકરણો બનાવવા માટે કંપનીએ અન્યો સાથે જોડાણ પણ કરી લીધું છે. બસ માટેની ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ કંપનીએ વિકસાવેલી છે. આ સિસ્ટમ દરેક બસમાં લગાડવા માટે સરકાર તરફથી આગામી મહિનાઓમાં જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના કંપની જોઈ રહી છે. હાઈ બીમ અને લો બીમ લાઈન, પોલ્યુશન માપી આપતા ઉપકરણો, ક્લાઈમેટ કંટ્રોલ કરતાં ઉપકરણો, રૂફ સ્પીકર વગેરેના કંપનીના પ્રોજેક્ટ્સ એડવાન્સ સ્ટેજમાં છે. કંપની બેટરી મેનેજમેન્ટ સર્વિસના સેક્ટરમાં પણ સક્રિય થવા માગે છે. આ માટેના આયોજનો કરી લીધા છે.

કારના એન્જિન સાથે સંકળાયેલા સેન્સર તૈયાર કરવામાં કંપનીની માસ્ટરી છે. એડવાન્સ ફિલ્ટરેશનના ઉપકરણો તૈયારકરવામાં કંપની કુશળ છે. સીટબેલ્ટ રિમાઈન્ડર, એલઈડી સિસ્ટમ ઉપરાંત એલોય વ્હિલ્સમાં અજોડ કુશળતા ધરાવે છે. આ તમામ પ્રોડક્ટ્સમાં સમયને અનુરૂપ ફેરફારો કંપની કરીરહી છે તેનો મહત્તમ લાભ કંપનીને મળવાનો છે. પરિણામે કંપનીની આવકમાં વૃદ્ધિ થશે. તેના પ્રોડક્ટ્સના માર્જિન પણ ઊંચા હોવાથી કંપનીની આવકમાં વૃદ્ધિ થશે અને તેના શેર્સમાં ઇન્વેસ્ટ કરનારાઓને લાભ થવાની સંભાવના પણ એટલી જ બળવત્તર છે.

કંપનીમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ 70.79ટકા છે. કંપનીના શેર્સના ભાવની મુવમેન્ટને ટેકનિકલ એનાલિસ્ટ નિલય વ્યાસની નજરે જોવામાં આવે તો રૂા.308.15ના વર્તમાન બજાર ભાવની સપાટીએથી ઘટીને રૂા.293થી 301ની રેન્જમાં આવે ત્યારે તેમાં લેવાલી કરી શકાય છે. જોકે ઇન્વેસ્ટર રૂા.293ની સપાટીએ સ્ટોપલોસ રાખીને કામકાજ કરી શકે છે. ટૂંકા ગાળામાં તેના પરફોર્મન્સના જોર પર શેરનો ભાવ વધીને રૂા.338ના મથાળાને ટચ કરીને આગળ વધે તો રૂા.355ની સપાટીએ પહોંચે તેવી સંભાવના છે. સ્ટોપલોસને જાળવીને આગળ વધનારાઓ માટે કમાવાની સારી તક છે.[:]