રાસાયણિક ખાતરનો ઉપયોગ અટકાવવા રાજ્ય સરકાર વિચારણા કરે

ગાંધીનગર, તા. 4

ગુજરાતમાં રાસાયણિક ખાતરો અને કેમિકલ્સનાં ઉપયોગથી થતી ખેતી બંધ કરવા અંગે રાજ્ય સરકાર હવે વિચારણા કરી રહી છે. રાસાયણિક ખાતરથી ખેતીલાયક જમીન અને પાક બન્નેને નુકશાન થતું હોવાનું ગુજરાતના રાજ્યપાલે કહ્યું હતું. તેમણે રાજ્ય સરકારને અનુરોધ કર્યો કે, રાજ્યમાં રાસાયણિક ખેતી બંધ થાય અને પ્રાકૃતિક કૃષિ તરફ લોકો વળે એ દિશામાં વિચારણા કરવી જોઈએ.

રાજ્યપાલનો જાત અનુભવ

પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી કાર્યશાળાનાં ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાનાં અનુભવને શેર કરતા કહ્યું કે, તેમના પોતાના ખેતરમાં પણ વર્ષોથી તેઓ રાસાયણિક ખાતર અને કેમિકલ્સનો સતત ઉપયોગ કરતા હતા. જેના કારણે વર્ષો બાદ મારા ખેતરની જમીન બંજર બની ગઈ હતી. આ મામલે બે ત્રણ ખેડૂતોએ પણ મને આ વાત કરી તો હું માનતો નહોતો. એટલે મેં હરિયાણાના હિસારમાં આવેલી કૃષિ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટને બોલાવીને મારી જમીનનો લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો જેમાં તેમણે પણ જમીન ઉપજાઉ નહિ હોવાનું તારણ આવ્યું હતું. અને તેમણે કહ્યું કે, આ જમીનની ફળદ્રુપતા રાસાયણિક ખાતર અને કેમિકલ્સથી ઘટી ગઈ છે. અને જે આગામી 20 વર્ષ સુધી પાછી આવી શકે એમ નથી. પરંતુ, તે સમયે મહારાષ્ટ્રનાં સુભાષ પાલેકરની પ્રાકૃતિક કૃષિનો મને વિચાર આવ્યો એટલે મેં મારા ખેતરમાં તેના આધારિત ખેતી કરી અને તેના કારણે જે પાક આવ્યો તેનો મને બજારમાંથી ઘણો ફાયદો પણ થયો. કેમ કે, મારા ખેતરનો પાક અન્ય ખેતરના પાક કરતાં સારો અને કોઈપણ જાતના રસાયણો કે પેસ્ટિસાઈડ વગરના હતા.

આ તબક્કે તેમણે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટકોર કરતાં કહ્યું કે, રાજ્યમાં પણ હવે રાસાયણિક ખાતરો અને રસાયણો તેમ જ પેસ્ટિસાઈડના ઉપયોગ પર સરકારે પ્રતિબંધ મૂકીને પ્રાકૃતિક કૃષિને વધુને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ.