[:gj]રોપેક્ષ ફેરી સર્વિસની ટેકનીકલ ક્ષતિ દૂર, ફરી પ્રારંભ[:]

[:gj]

ગત તારીખ 21 નવેમ્બરના રોજ દહેજથી ઘોઘા આવી રહેલી રોપેક્ષ ફેરી સર્વિસ સર્જાયેલી ટેકનીકલ ક્ષતિના કારણે મધદરિયે બંધ પડી ગઈ હતી અને જેને ટગ દ્વારા ટોઈંગ કરી ઘોઘા ખાતે લાવવામાં આવી હતી. આ રોપેક્ષ ફેરી સર્વિસમાં સર્જાયેલી ક્ષતિઓને દૂર કરી આખરે ફરી કાર્યરત કરવા સજ્જ કરી દેવામાં આવી છે અને આજથી તેનો પ્રારંભ થશે અને જેનું ઓનલાઈન બૂકિંગ પણ શરૂ કરી દેવામાં આવતા આવનાર દિવસોમાં ફરી લોકો આ ફેરી સર્વિસમાં અવરજવરની સાથે દરિયાઈ મુસાફરીનો આનંદ માણી શકશે.
ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી સર્વિસ ગત તારીખ 21ના રોજ દહેજથી પરત ફરતા સમયે ઘોઘાથી ત્રણ નોટિકલ માઈલ દૂર દરિયામાં એન્જિનમાં સર્જાયેલી કોઈ ટેકનીકલ ક્ષતિના કારણે બંધ પડી ગઈ હતી અને જેને ટગ દ્વારા ટોઈંગ કરી ઘોઘા બંદરે લાવવામાં આવી હતી. ત્યારથી આ ફેરી સર્વિસ ક્ષતિ દૂર કરી કાર્યરત કરવા બંધ કરવામાં આવી હતી. જેના બદલે માત્ર પેસેન્જર શીપ ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ આજે ઈન્ડીગો સીવેઝ્ના ચીફ એક્ઝિક્યૂટિવ ડી. કે મનરાલ દ્વારા આ શીપ ફરી શુક્રવારથી ફેરી માટે સજ્જ કરી દેવામાં આવ્યું છે તે અંગેની જાણકારી આપવામાં આવી હતી. જેથી ફરી આજથી આ શીપમાં બસ, ટ્રક, કાર અને મોટરસાઈકલ સાથે લોકો મુસાફરીનો આનંદ માણી શકશે. જયારે ક્યારેક દરિયામાં ભરતી-ઓટના કારણે પાણીના ડ્રાફ્ટને મુશ્કેલીઓ સામે આવી રહી છે, પરંતુ તે હાલ કોઈ બાધારૂપ બને તેવી કોઈ શક્યતા નથી તેમ પણ જણાવ્યું હતું.
સામાન્ય રીતે આ રોપેક્ષ ફેરી સર્વિસને અવરજવર કરવા માટે પાંચ મીટરની ઊંડાઈ જોઈએ અને જેમાં દહેજ ખાતે માત્ર ૨.૮ મીટરની ઊંડાઈ હોવાથી ખરાબ પાણી એન્જિનમાં ઘૂસી જતાં બેરીંગમાં ક્ષતિ સર્જાઈ હતી અને એન્જિન ગરમ થઇ જવાના કારણે આ ફેરી સર્વિસ અટકી પડતા અંદાજે રૂપિયા દોઢ કરોડની નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. આ શીપને લઈને અનેક સવાલો ઊભા થયા હતા, જેમાં આ શીપ 2015માં જ બન્યું હોવાનું જણાવ્યું હતું અને જેનું આયુષ્ય 35 વર્ષ હોવાથી આ લોકોના માઈન્ડમાં કોઈ ખોટી વાતો ના રહે તેનું ઘ્યાન રાખવા જણાવ્યું હતું. રોપેક્ષ ફેરીની ટ્રાયલ ફરીવાર બે દિવસથી લેવામાં આવી રહી છે અને સંપૂર્ણપણે તે સફળ રહી હોવાનું જણાવ્યું હતું.

[:]