એલઆરડી પરીક્ષાનું પેપર લીક મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દરેક ક્ષણે નવા ખુલાસા થઈ રહ્યા હે ત્યારે પેપર કાંડમાં પાંચ આરોપી તો પ્યાદા છે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર કાંડમાં મુખ્ય માથું હજુ પોલીસ પહોંચ બહાર હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સમગ્ર કૌભાંડમાં ભાજપના બે કાર્યકરની સંડોવણી ખુલીને સામિ આવી હતી. તો આજે હવે ત્રીજા એક નેતાનું નામ પણ સામે આવ્યું છે, જેમાં અરવલ્લી જિલ્લાનાં જયેન્દ્ર રાવલ હોવાનું તપાસમાં ખૂલતાં પોલીસની સાથે સાથે ભાજપની નેતાગીરી પણ હચમચી ઉઠી છે.
એલઆરડી પેપર લીક મામલે પોલીસે ભાજપના ત્રીજા કાર્યકરની અટકાયત કરી છે. પોલીસે બાયડના સાંબઠા ગામના જયેન્દ્ર રાવલ નામના વ્યક્તિની અટકાયત કરી છે. આ મામલે અગાઉ ધરપકડ કરવામાં આવનાર ભાજપના નેતા મનહર પટેલનો ખાસ મિત્ર છે. પોલીસે અટકાયત બાદ તેની આકરી પૂછપરછ શરૂ કરી છે. આ પહેલા એલઆરડી પેપર લીક મામલે પોલીસે બે ભાજપના કાર્યકરોની ધરપકડ કરી છે. જયેન્દ્ર રાવલની ધરપકડની સાથે જ ભાજપના કુલ ત્રણ કાર્યકરોની સંડોવણી પેપર લીકમાં ખૂલી છે. બીજી તરફ જયેન્દ્ર રાવલ અરવલ્લી ભાજપમાં સક્રિય નેતા છે. ગાંધીનગર ક્રાઈમ બ્રાંચે તેની અટકાયત કરી છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે જયેન્દ્ર રાવલ બાયડના સાંઢબા ગામનો બીજેપીનો પૂર્વ મહામંત્રી છે. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પેપર કાંડમાં જેનું સૂત્રધાર તરીકે નામ લેવામાં આવી રહ્યું છે તે યશપાલસિંહનું પગેરું પણ પોલીસને મળી ગયું છે. અત્રે નોંધનીય છે કે પેપર લીક કેસમાં નામ સામે આવતા જ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપના વડગામ તાલુકા પંચાયતના સભ્ય મુકેશ ચૌધરી અને બાયડના અરજણ વાવના મનહર પટેલની તાત્કાલિક પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી. મુકેશ ચૌધરી વડગામ તાલુકા પંચાયતનો સભ્ય છે, જ્યારે મનહર પટેલ બાયડ પાલિકાની ચૂંટણી લડ્યો હતો. મનહર પટેલ ગાંધીનગરમાં રાજકીય નેતાઓ અને અધિકારી સાથે સાથે એવો ઘરોબો ધરાવે છે.