[:gj]સૂકાભઠ્ઠ વિસ્તારોમાં ૧૪-૧૫ કિલોમીટર સુધી નર્મદાના પાણી[:]

[:gj]અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક આવેલા લોલીયા, ફેદરા અને આસપાસના સૂકાભઠ્ઠ વિસ્તારોમાં ૧૫ કિલોમીટર વિસ્તારમાં નર્મદાના પાણી વહેતા થયા છે. શાખા નહેરમાંથી વધારાના નર્મદાના પાણી એસ્કેપ દ્વારા લોલીયા
પાસેથી પસાર થતી ઓમકાર નદી અને ભોગાવો નદીના જંકશન પાસે આવેલા હયાત ચેક ડેમ પાસે મોટો માટીનો પાળો સિંચાઇ વિભાગ દ્વારા બાંધી દેવાતા હજી હમણાં સુધી સૂકીભઠ્ઠ રહેલી ઓમકાર નદીમાં નર્મદાના પાણી વહેતા જોવા
મળે છે. એક અંદાજ પ્રમાણે અને ગ્રામજનોના અભિપ્રાય મુજબ લોલીયા પંથકમાં અંદાજે પ હજાર વીઘામાં નર્મદાના આ
પાણીથી શિયાળુ પાક લેવાઇ રહ્યો છે. આ સિંચાઇના પરિણામે ઘંઉ, ચણા અને જીરુ જેવા મૂલ્યવાન પાકના મબલક ઉત્પાદન દ્વારા અંદાજે રૂા. ૩ કરોડથી વધુ કૃષિ ઉત્પાદન ગામના ખેડૂતો મેળવશે.
આ વિસ્તારમાં નર્મદાના પાણી એક સ્વપ્ન સમાન બાબત હતી પરંતુ સિંચાઇ વિભાગના દ્દષ્ટિવંત આયોજન અને ગામ લોકોના સહકારના પરિણામે આ સંભવ બન્યું છે. પરિણામે માત્ર લોલીયા જ નહીં પરંતુ ધનાળા, હડાળા અને ફેદરા જેવા ગામના કૃષિ અર્થતંત્રને નવજીવન મળશે.
ઓમકાર નદીમાં નર્મદા કેનાલ એસ્કેપ દ્વારા જ્યારે જરૂર પડે ત્યારે નર્મદાનું વધારાનું પાણી છોડવામાં આવે છે.
સામાન્ય રીતે તે પાણી દરિયામાં વહી જતું હોય છે. નર્મદાના પાણીને દરિયામાં જતુ અટકાવવા અમદાવાદ જિલ્લા સિંચાઇ વિભાગે ગામલોકોની રજૂઆતના પગલે માટીપાળો બનાવી દેતા ઉપરોક્ત ગામોમાં જાણે કે મીઠા પાણીના જળાશયનું નિર્માણ થયું છે. જ્યારે માટીબંધના માટીની બીજી તરફ દરિયાનું ખારું પાણી આગળ વધતું અટક્યું છે.

ઓમકાર નદી પર આવેલ હયાત ચેકડેમની ઉપરવાસમાં અંદાજે ૩૦૦ મીટર લંબાઇ અને ૩ મીટર ઉંચાઇમાં માટીબંધનો પાળો બાંધવામાં આવતા નદીના બન્ને કાંઠા પર ઓમકાર નદીના ઉપરવાસમાં અંદાજે ૩ કિલોમીટરની લંબાઇમાં અને ૪૦૦ મીટર પહોળાઇમાં અંદાજે પ૦ એમ.સી.એફ.ટી. (મીલીયન ક્યુબીક ફીટ) પાણીનો સંગ્રહ થયો છે.

બધા ગામની થઇને અંદાજે ૮ હજાર વીઘા વિસ્તારમાં નર્મદાના પાણીથી પરોક્ષ સિંચાઇનો લાભ મળશે. લીંબડી, ભોયકા, વલ્લ્ભીપૂર નર્મદા શાખામાંથી ઓવરફ્લો પાણી ઓમકાર  નદીમાં ઠલવાયું છે.
અંદાજે ૨ મહિનાથી આ ગામોને નર્મદાના પાણીનો લાભ મળી રહ્યો છે. પરિણામે જીરુ, ઘંઉ, ચણા અને સવાના પાકને
મહત્વનો ફાયદો થશે. લોલીયા ગામમાં ૨૦૦૦ વીઘામાં ઘંઉ, ૩૫૦૦થી ૪૦૦૦ વીઘામાં ચણાનું વાવેતર કરાયું છે. નર્મદાના
પાણીથી સિંચાઇ મળવાના કારણે અંદાજે ૪ થી ૫ મણ વીઘા દીઠ ઉત્પાદનને બદલે ૧૦ થી ૧૨ મણ ઉત્પાદન મેળવાશે. એક
સામાન્ય અંદાજ પ્રમાણે ૩૫૦૦ વીઘામાં ૪૫૦૦૦ મણ ચણાનું ઉત્પાદન થશે. જેનો હાલના બજાર ભાવ પ્રમાણે રૂા. ૩૦૦૦
કરોડનું આર્થિક મૂલ્ય થાય.

એ જ રીતે વીઘા દીઠ ૧૦ મણ ઘંઉ પ્રમાણે ૨૦,૦૦૦ મણ ઘંઉનું ઉત્પાદન થશે જેનું આર્થિક મૂલ્ય અંદાજે રૂા. ૧ કરોડ
થવા જાય છે. નર્મદાના પાણીના કારણે ગામની સહકારી મંડળીમાં હવે ધિરાણ વધશે. ગયા વર્ષ સુધી બિનપિયત ખેતીનું રૂા. ૧૭
કરોડનું ધિરાણ હતું તે હવે વધી જશે. શિયાળુ, ઉનાળુ ખેતી થતાં વસૂલાત લેવામાં પણ સરળતા થશે. પાણીની સગવડ થતાં
ગામના પશુધનને ઘાસચારાનો ફાયદો થતાં દૂધની ઉત્પાદકતા વધશે અને પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધરશે. ગામના
આગેવાનોનું કહેવું છે કે, આ વર્ષે ખૂબ જ નબળાં વરસાદના સંજોગોમાં અછતની અહીંયા તીવ્ર પરિસ્થિતિ છે. પરંતુ ઓમકાર
નદીમાં જ્યાં પણ નર્મદાનું પાણી વહે છે તેવા લાભાન્વિત વિસ્તારોમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે નોંધપાત્ર રાહત થઇ છે.[:]