ગાંધીનગર, તા.૨૬
રાજનીતિમાં જે વ્યક્તિ સર્વોચ્ચપદે બિરાજમાન હોય છે તેમને તેમનો હનુમાન હોય છે. અહીં હનુમાન એટલે કટ્ટર સમર્થક નેતા. ભગવાન રામચંદ્ર પાસે કટ્ટર રામભક્ત હનુમાન હતા, તેવા હનુમાન પ્રત્યેક સરકારમાં જોવા મળે છે. ગુજરાતનો રાજકીય ઇતિહાસ તપાસીએ તો ખબર પડે છે કે, મુખ્યમંત્રી પાસે હનુમાન રહ્યાં છે. એવા હનુમાન ભારતના વડાપ્રધાન પાસે પણ હોય છે.
ભાજપની પ્રથમ સરકાર બની ત્યારે અટલ બિહારી વાજપેયી પાસે રાજકીય હનુમાન તરીકે પ્રમોદ મહાજન હતા. ડો. મનમોહનસિંહની સરકારમાં પી. ચિદમ્બરમ હનુમાનના રોલમાં હતા. નરેન્દ્ર મોદીની સરકારમાં પણ હનુમાન તરીકે અમિત શાહ જોવા મળ્યા છે. મોદીએ જ્યારે 2001માં ગુજરાતની ગાદી સંભાળી ત્યારથી અમિત શાહ મોદીના હનુમાન રહ્યાં છે.
ગુજરાતના રાજ્યસભાના સભ્ય અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મહેતન લોકસભામાં રંગ લાવ્યા પછી તેમને કેન્દ્રમાં ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે. હવે એવું કહેવાય છે કે અમિત શાહને નજીકના ભવિષ્યમાં ગૃહ મંત્રાલયની સાથે નાયબ વડાપ્રધાનનું પદ આપવામાં આવી શકે છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીની મહેતનથી દેશમાં અત્યારે સૌથી વધુ બેઠકો સાથે ભાજપનું શાસન છે.
ભાજપની ઓફિસમાં મોદીના વફાદાર એવા એક યુવા નેતાએ કહ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીની સરકારમાં પ્રમોદ મહાજન હનુમાન હતા, તેમ અમિત શાહ એ નરેન્દ્ર મોદીની સરકારના હનુમાન છે, જે પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટીંગ છે. ગુજરાતના રાજકારણમાં પણ મુખ્યમંત્રી સાથે કોઇને કોઇ હનુમાન હોય છે. ચીમનભાઇ પટેલની સરકારમાં નરહરિ અમીને હનુમાન જેવી ભક્તિ કરી હતી.
એવી જ રીતે કેશુભાઇ પટેલની સરકારમાં કાન્તિ અમૃતિયા હતા. ખુદ કાન્તિભાઇએ કહ્યું હતું કે, હું તો કેશુભાઇનો હનુમાન છું. શંકરસિંહ વાઘેલાની સરકારમાં એકદમ નિકટના સાથી તરીકે ગણના કરવી હોય તો વિપુલ ચૌધરીનું નામ લેવું પડે છે. તેઓ શંકરસિંહ વાઘેલાના હનુમાન હતા. સુરેશ મહેતાની સરકારમાં વજનદાર નહીં પણ નજીકના સાથી તરીકે પૂર્વ ધારાસભ્ય અરવિંદ પટેલ હતા. આનંદીબહેન પટેલની સરકારમાં શંકર ચૌધરી રાજકીય હનુમાન હતા અને વિજય રૂપાણીની સરકારમાં પ્રદીપસિંહ જાડેજા હનુમાનના રોલમાં છે.