પડતર માંગણીઓ પૂર્ણ નહિ થાય તો 29મીથી અચોક્કસ મુદતની હડતાળની ચિમકી

ગાંધીનગર, તા. 26

મહેસૂલી કર્મચારીઓ દ્વારા વર્ષોથી પોતાની પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતાં આખરે 29મી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળનાં પ્રમુખે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે, તેઓ એક સપ્તાહના તબક્કાવાર આંદોલન બાદ અચોક્કસ મુદની હડતાળ પર જશે. આજે રાજ્યનાં અંદાજે 8 હજાર રેવન્યૂ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા. અને તેના કારણે રાજ્યનું રેવન્યૂલક્ષી વહિવટી કામકાજ ખોરવાયું હતું.

રાજ્યના રેવન્યૂ કર્મચારીઓએ કૌશિક પટેલની ગેરહાજરીમાં જેમને મહેસૂલનો ચાર્જ સોંપાયો છે એવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને આવેદન પત્રો પાઠવીને કર્મચારીઓની બઢતી-બદલી જેવા પ્રશ્નોની અવારનવાર રજૂઆતો કરી છે. 21 મે 2018ના પરિપત્રથી કલાર્ક સંવર્ગના કર્મચારીઓને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન જિલ્લામાં ખાલી જગ્યા હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલા છે. આવા કર્મચારીઓને મુળ મહેકમના જિલ્લામાં મુકવાની મહામંડળની માગણી છે. આ ઉપરાંત કલાર્ક-રેવન્યૂ તલાટી સંવર્ગમાંથી નાયબ મામલતદારના પ્રમોશન આપવા, 2009ની કલાર્કની બેચના તમામ કલાર્કનો સમાવેશ કરવા, નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટી યાદી તૈયાર કરવા માગણી કરવામાં આવી છે.

રાજ્યના નાયબ મામલતદારોની 2400 જગ્યા ખાલી છે. આવા મુદ્દાઓ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઇ નથી. જેથી આજે તમામ જિલ્લા મથકોએ માસ સી.એલ.નો કાર્યક્રમ આપ્યો છે. આ પહેલા પણ 19 ઓગસ્ટે કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી વર્ક ટૂ રૂલનો કાર્યક્રમ આપ્યો હતો. અને આજે માસ સીએલ અને જિલ્લા કચેરીએ સૂત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળનાં પ્રમુખે ચિમકી આપતાં કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર હજુ પણ તેમની માંગણીઓ પ્રત્યે ધ્યાન નહિ આપે તો આગામી 29મી ઓગસ્ટથી અચોકકસ મુદતની હડતાલ શરૂ કરાશે.