[:gj]રમખાણની ઓળખાણ બનેલા અમદાવાદની કાલુપુરની ડાહ્યાપોળમાં ધરબાયેલી કોમી એખલાસની એક કથા[:]

[:gj]અમદાવાદ,તા.9

સસ્સાના પાણીના માપથી સ્થપાયેલા અમદાવાદ શહેર પર ભલે કલંકિત કોમી રમખાણોની કાળી ટિલી લાગેલી હોય, આ શહેરની આબોહવામાં ભલે 1985,92 કે 2002ના કોમી દંગલોની રકતગંધ હોય પરંતુ એક સમય માટે રમખાણની ઓળખાણ બની ગયેલા આ શહેર પાસે વસત-રજબ જેવી કથાઓ પણ પડેલી છે, જે શહેરની  તાસીર અને તસવીરને એક અલગ નજરીયાથી જોવા મજબૂર કરે છે. મુસ્લિમ સમુદાયમાં ઈમામ હુસૈન તથા તેમના સાથીઓની શહાદતની યાદમાં શોક પર્વ તરીકે મનાવાતા મોહરમ પર્વ અનુસંધાને પ્રસ્તુત છે કોમી એખલાસની અને વિવિધતામાં એકતાનો મહિમાગાન કરતી આવી જ એક કથા.

કાલપુરની ડાહ્યા પોળની કોમીએખલાસની કથા

આજથી 45 વર્ષે પૂર્વે કાલપુરની ડાહ્યા પોળમાં રમજાન અલી કોન્ટ્રાકટરે સોની મિત્ર કેશવલાલ પ્રભુદાસ પાસે 26 કિલો ચાંદીનો તાજીયો તૈયાર કરાવ્યો હતો. રેલવે કેટરીંગના વ્યવ્સાય સાથે સંકળાયેલા તેમના પુત્ર કાજીમ ભાઈની આ અંગે મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે તેમના પિતા રમજાન અલી અને માણેક ચોકમાં સોના દાગીનાની પેઢી ઘરવતા સોની કેશવદાસ બંને ગાઢ મિત્રો હતા. આજથી 45 વર્ષ પહેલાં મારા પિતાએ કેશવલાલ પ્રભુદાસ ચોકસી પાસે 26 કિલો ચાંદીનો કોતરણી વાળો તાજીયો તૈયાર કરી આપવા આગ્રહ કર્યો હતો. પિતા સાથેની મિત્રતાને કારણે બે વર્ષની ભારે મહેનત બાદ, અંદાજીત 20-25 હજારની કિમતમાં આકર્ષક બારીક કોતરણી વાળો આ તાજીયો કેશવલાલે તૈયાર કરી આપ્યો હતો. બાલ્યાવસ્થામાં હતા ત્યારે પિતા રમજાન કોનટ્રાકટર અમને આ તાજીયાનું કોતરણી કામ બતાવવા લઈ જતા હોવાનું પણ અમને સ્મરણ છે. છેલ્લા 45 વર્ષથી દર મોહરમ પર્વ પર અમારી ખોજા મસ્જિદથી પારંપારિક રીતે અમે  આ તાજીયાના જુલુસનું આયોજન કરીએ છીએ. શહેરના રીલીફ રોડથી ખાનપુર સુધીના વિસ્તારમાં આ તાજીયા જુલુસ અમે આયોજીત કરીએ છીએ.

આ તાજીયાની બાધા-માનતા હિન્દુઓ પણ રાખે છે  

આ તાજીયાની વિશીષ્ટતા જણાવતા કાજીમ ભાઈ જણાવે છે કે મુસ્લિમ ઉપરાંત હિન્દુ લોકો પણ મહોરમના ત્રણ દિવસ પૂર્વેથી મન્નત ઉતારવા કે મન્નત લેવા માટે આ તાજીયાની સલામે આવતા રહે છે. બાળક, આરોગ્ય કે રોજી-નોકરી અંગેની માનતા ફળિભૂત થતી હોવાની હિન્દુ-મુસ્લિમ લોકોમાં શ્રધ્ધા હોવાથી બહોળી સંખ્યામાં અહીં શ્રધ્ધાળુઓનો ઘસારો જોવા મળે છે. ખાસ તો હિન્દુ મહિલાઓમાં આ તાજીયા અંગે ભારે આસ્થા છે. તેઓ પોતાના બાળકને લઈને આવે છે અને તાજીયાના પાક દોરા બાળકના હાથે બાંધીને તેમના આરોગ્યની કામના કરે છે. કેટલીક શ્રધ્ધાળુ હિન્દુ મહિલાઓ પાણીથી તાજીયાને ઠંડો રાખે છે અને પોતાની મન્નત પૂર્ણ કરે છે.

કોણ કહે છે હિન્દુ અસહિષ્ણુ છે?

આ તાજીયા અંગે ઘણા હિન્દુઓમાં પણ શ્રધ્ધા પ્રવર્તે છે ત્યારે શહેરના કોમી રમખાણની અસર આના પર પડી છે ખરી? આ સવાલના જવાબમાં કાજીમ ભાઈએ જણાવ્યું હતું કે મેં 1985, 1992, 2002ના રમખાણોનો સમયગાળો જોયેલો છે પરંતુ આ તોફાનોની અસરરુપે તાજીયા પ્રત્યેની આસ્થામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. 1985થી 87 એમ ત્રણ વર્ષ સુધી તોફાનોને કારણે તાજીયાના જુલુસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ હટયા બાદ પણ એટલા જ પ્રમાણમાં હિન્દુ શ્રધ્ધાળુ બહેનો ઊમટી પડયા હતા. રિલીફ રોડ જેવા પૂર્ણ હિન્દુ બહુમતી વાળા વિસ્તારમાં પણ આ તાજીયાના જુલુસ પર કાંકરીચાળો પણ કોઈ દ્વારા થયો નથી. કોમી એખલાસની ભાવના તંગ સ્થિતિમાં પણ જળવાયેલી રહી છે. કાજીમ ભાઈની વાત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે અમદાવાદ શહેરનો ફોટોગ્રાફ ભલે કોમી સંઘર્ષનો રહ્યો પરંતુ આ શહેરના એકસરેમાં રમજાનઅલી-કેશવલાલ જેવી કથા પણ જોવા મળી જાય છે. આ જ અમદાવાદી મિજાજની તાસીર છે.

 [:]