ગાંધીનગર,તા:૦૧
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની કેબિનેટનો વિસ્તાર નવેમ્બરમાં થવાની સંભાવના છે. હાલ મુખ્યમંત્રી સહિત 22 મંત્રીઓની કેબિનેટ છે, પરંતુ તેમાં પાંચ સભ્યોને ડ્રોપ કરીને બીજા પાંચ નવા સભ્યો સાથે કુલ 10 સભ્યોનો ઉમેરો થાય તેમ છે. કેબિનેટના વિસ્તાર માટે ભાજપના હાઈકમાન્ડે પણ મંજૂરી આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
ગુજરાત સરકારનો ભાર હાલ માત્ર ત્રણ મંત્રીઓ પાસે જોવા મળી રહ્યો છે, જેમાં સૌથી વધુ 11 વિભાગ સાથે પ્રદીપ સિંહ જાડેજા ટોચ પર આવે છે. આ મંત્રીઓ પાસેથી વધારાના હવાલા લઈ લેવામાં આવી શકે છે. હાલ ભાજપ પાસે 100 ધારાસભ્યોની સંખ્યા છે અને છ બેઠકોની પેટાચૂંટણી થવાની છે. પેટાચૂંટણીના પરિણામ પછી રૂપાણી સરકાર કેબિનેટના વિસ્તાર માટે આહવાન કરી શકે છે.
રાજ્ય મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 11 કેબિનેટ મંત્રીઓ અને 11 રાજ્યકક્ષાના મંત્રીઓ છે. રૂપાણી તેમની હાલની કેબિનેટમાં બીજા પાંચ સભ્યોનો ઉમેરો કરી શકે છે. જો કે વિસ્તરણ સમયે હાલની કેબિનેટમાંથી પાંચ મંત્રીઓને ડ્રોપ કરવાથી રૂપાણી નવેમ્બરમાં 10 સભ્યોનો ઉમેરો કરશે.
નાણામંત્રી પાસે ફાઈલોનો ઢગલો
મુખ્યમંત્રી પાસે મહત્ત્વના કહી શકાય તેવા 15થી વધુ વિભાગો છે, એ ઉપરાંત તેમની પાસે બધી પોલિસીઓનો પ્રભાગ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી પાસે કુલ સાત વિભાગો ઉપરાંત પ્રવક્તા મંત્રીની જવાબદારી છે. તેઓ આટલા બધા વિભાગોમાં સરખો ન્યાય આપી શકતા ન હોવાથી નાણાવિભાગમાં 2000 જેટલી ફાઈલ પેન્ડિંગ રહી છે, જેમાં રાજ્યના વિવિધ વિભાગોની ફાઈલોનો સમાવેશ થાય છે. તેમની પાસે નાણાવિભાગ હોવાથી સરકારની તમામ ફાઈલો તેમની પાસે આવતી હોય છે. તેમની ઓફિસમાં ફાઈલોના ઢગલા થયા છે.
પાંચ મંત્રીઓ કેબિનેટમાં નહીં હોય
રાજ્યના સિનિયર કેબિનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પાસે પણ આઠ વિભાગો છે. તેમનું મંત્રીપદનું ભવિષ્ય કોર્ટના ચુકાદાને આધિન છે. જો ચુકાદો તેમની વિરુદ્ધમાં આવ્યો તો તેમણે મંત્રીપદ અને ધારાસભ્યપદ છોડવું પડશે. મંત્રીમંડળમાં પડતા મુકાય તેવા મંત્રીઓમાં કૃષિમંત્રી આર.સી. ફળદુ, મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી, શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર અને પછાત વર્ગના રાજ્યમંત્રી વાસણ આહિરનો સમાવેશ થાય છે, જ્યારે મહેસૂલમંત્રી કૌશિક પટેલ તેમની નાદુરસ્ત તબિયતના કારણે સ્વેચ્છાએ કેબિનેટપદ છોડી શકે છે.
મોદી સરકારમાં બે પ્રવક્તા હતા
ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન હતું ત્યારે સૌરભ પટેલ અને જયનારાયણ વ્યાસ પ્રવક્તા મંત્રી હતા, પરંતુ રૂપાણી શાસનમાં નીતિન પટેલ પ્રવક્તા મંત્રી છે. તેમની પાસે કાર્યબોજ વધારે હોવાથી મીડિયાને તેઓ ન્યાય આપી શકતા નથી. મીડિયા પર્સનને તેમની ચેમ્બરની બહાર કલાકોના કલાકો બેસી રહેવું પડે છે. સરકારમાં એક દરખાસ્ત કરવામાં આવી છે કે નીતિન પટેલ ઉપરાંત પ્રદીપસિંહ જાડેજાને પ્રવક્તા બનાવવામાં આવે. જો તેમ થાય તો સરકારમાં મીડિયાને ન્યાય મળી શકશે.
કોંગ્રેસના મંત્રીઓ કોંગ્રેસને વફાદાર…
રાજ્યની કેબિનેટમાં કોંગ્રેસમાંથી આવેલા ચાર સભ્યો કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જયેશ રાદડિયાને વધારે મહત્ત્વ મળી રહ્યું છે. ચાર પૈકી બે કેબિનેટ મંત્રી છે. કોંગ્રેસના બળવાખોર નેતાઓ અને રૂપાણી સરકારમાં મંત્રીપદે બેઠેલા આ નેતાઓ ભાજપના ધારાસભ્યો કરતાં કોંગ્રેસના ધારાસભ્યોનાં કામ વધારે કરતા હોવાની છાપ ઊભી થઈ છે. એટલું જ નહીં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં ચેરમેન તરીકે મુકાયેલા બળવંતસિંહ રાજપૂત પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનાં કામ સૌથી વધારે કરી રહ્યા છે.