’સ્ટેચ્યુ ઓફ ‘માટે ભાજપ શાસિત રાજ્યોમાં ‘યુનિટી’ નથી

ગાંધીનગર,તા:૨૬  ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું સૌથી ઉંચી પ્રતિમા હોવાનું ગૌરવ એક તરફ છીનવાઇ રહ્યું છે ત્યારે ભારતના રાજ્યોને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઇ દિલચસ્પી રહી નથી. 31મી ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ઉદ્ધધાટન કર્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના રાજ્યોને તેમના ભવન બાંધવા માટે જમીન આપવાની તૈયારી બતાવી હતી પરંતુ બે થી ત્રણ રાજ્યોએ તેમાં રસ લીધો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ થયું છે પરંતુ ગુજરાતના સૌથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. અન્ય રાજ્યો પૈકી પડોશી રાજ્યોના પ્રવાસીઓ ક્યારેક સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે. વિદેશી પ્રવાસીઓને હજી રસ પડતો નથી, કેમ કે આ જગ્યાએ દારૂ મળતો નથી અને એવી કોઇ ફાઇવસ્ટાર હોટલ નથી. સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પહેલાં 3000 કરોડનો ખર્ચ કરી નાંખ્યો છે અને હવે 1000 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટો ખુલ્લા મૂકવામાં આવી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આશા હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે દેશભરમાંથી પ્રવાસીઓ આવશે તેથી કેવડિયાના સ્થળે વિવિધ રાજ્યોને તેમના ભવન બનાવવા માટે ગુજરાતે જમીન આપવાની ઓફર કરી હતી પરંતુ ભાજપ શાસિત રાજ્યોને પણ તેમાં રસ પડ્યો નથી.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે ઉત્તરપ્રદેશ ભવન બનાવવા ગુજરાત સરકાર પાસે જગ્યા માગી છે અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જમીન ખરીદવાની તૈયારી બતાવી છે. દેશમાં ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોની સંખ્યા 18 જેટલી છે છતાં માત્ર બે રાજ્યોએ તૈયારી દર્શાવી છે. ગુજરાતના આ પ્રોજેક્ટમાં ભાજપ શાસિત રાજ્યોને રસ નથી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ભવન બનાવવા માટે જ્યારે જમીનની ઓફર કરવામાં આવી ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હતી પરંતુ હવે આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર નથી. મધ્યપ્રદેશ અને રાજસ્થાને તો ગુજરાતની ઓફરનો અસ્વિકાર કર્યો છે, જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણી પછી હજી સરકારના કોઇ ઠેકાણાં નથી. આ ત્રણેય રાજ્યો નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો છે અને તેમણે ગુજરાતની ઓફર સ્વિકારી નથી.

રાજ્યના પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે દેશના વિવિધ રાજ્યોના પ્રવાસીઓને રોકાવા માટે જે તે રાજ્યનું ભવન હોય તો તેમને મુશ્કેલી ન પડે તેથી ગુજરાત વિવિધ રાજ્યોને જમીન આપવા માગે છે પરંતુ અમારી પાસે અત્યારે બે થી ત્રણ રાજ્યોની જ દરખાસ્ત આવી છે. બાકીના રાજ્યોએ પ્રતિભાવ આપ્યો નથી. સ્વાભાવિક છે કે બિન ભાજપની સરકારો હશે ત્યાં મુખ્યમંત્રી ગુજરાતમાં તેમના રાજ્યનું કોઇ ભવન બનાવવાનું વિચારી શકે નહીં.

સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની ઉંચાઇ ધરાવતી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશભક્ત સરદારને અપાયેલી શ્રદ્ધાંજલિ છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબર 2018ના રોજ સરદારની જન્મજયંતી અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તે વખતે અને એક વર્ષ પછી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચૂક્યાં છે છતાં ભાજપ શાસિત રાજ્યોને કેવડિયામાં રાજ્યનું ભવન બનાવવા અપીલ કરી શક્યા નથી, અને જો અપીલ કરી હશે તો રાજ્યોને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઇ રસ નથી.