વલસાડ પાસે 27 દિવસમાં 1.25 લાખ વૃક્ષો ઉગાડી વિશ્વનું મોટું મિયાવાકી ગાઢ વન તૈયાર

અમદાવાદ, 16 જૂન, 2021

વિશ્વના સૌથી મોટા કૃત્રિમ વનનું નિર્માણ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે થયું છે. જાપાની મિયાવાકી પદ્ધતિનો સહારો લેવામાં આવ્યો છે. આ વનમાં માત્ર 27 દિવસમાં સવા લાખ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.

ખૂબજ ઓછા સમયમાં આ વનમાં લાખો વક્ષો વાવવામાં આવ્યા છે, જેના કારણે નાનકડા ગામના દરિયા કિનારે કૃત્રિમ જંગલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વલસાડના નારગોલમાં જાપાનની મિયાવાકી પદ્ધતિથી દુનિયાના સૌથી મોટા અને દરિયાકિનારાને અડીને આવેલા પ્રથમ વન નિર્માણનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અહીં માત્ર 27 દિવસમાં જ 1.20 લાખ  કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવામા આવ્યું છે.

મિયાવાકી પદ્ધતિથી સુંદર વન નિર્માણની કામગીરી પૂર્ણ કરાતા સમગ્ર બીચની રૂપ રેખામાં નવું પિંછું ઉમેરાતા પર્યાવરણ પ્રેમીઓ તેમજ પર્યટકોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, ગામના ઉત્સાહી સરપંચ કાંતિલાલ કોટવાલ અને પંચાયતની બોડીની દીર્ઘદ્રષ્ટિના કારણે જે સ્થળે ખારા પાણીના કારણે વિલાયતી બાવળો સિવાય એક તણખલું પણ ઉગતું ન હતું એ સ્થળે આ પ્રોજેકટ અંતર્ગત મીઠા પાણીનો સંગ્રહ થાય એવા તળાવ બનાવવામાં આવ્યા છે.

આ જગ્યાએ નીચાણવાળા ભાગે માટી પુરાણ કરી જમીનને સમતલ કરી ફળદ્રુપ માટીનું પુરાણ કરાયું છે. અને સિંચાઇ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરી 60થી વધુ પ્રકારના વૃક્ષોનું રોપવામાં આવ્યા છે.. જોકે આ કાર્યને સફળ બનાવવા માટે એનવાયરો એન્ડ ફોરેસ્ટ ક્રીએટર ફાઉન્ડેશન મુંબઈના ફાઉન્ડર દીપેન જૈન અને કો-ફાઉન્ડર ડૉ. આર.કે. નાયરે ભારે જહેમત ઉપાડી છે. જીવનમાં 58 થી વધુ જંગલો બનાવનાર ડૉ. આર.કે. નાયર “ગ્રીન હીરો ઓફ ઈન્ડિયા” તરીકે પ્રચલિત બન્યા છે.

મિયાવાકી ફોરેસ્ટની શોધ જાપાનના બોટેનિસ્ટ અકીરા મિયાવાકીએ 40 વર્ષ પહેલા કરી હતી. જેથી તેમના નામ પરથી આ જંગલને મિયાવાકી ફોરેસ્ટ નામથી ઓળખવામાં આવે છે. આ પદ્ધતિથી નિર્માણ થતા વનમાં ખુબજ નજીક નજીક છોડો લગાવવામાં આવે છે. આ પદ્ધતિમાં લગાવવામાં આવેલા છોડ ખુબજ તીવ્રતાથી વધે છે.

આ પદ્ધતિના કારણે માત્ર 30 થી 35 વર્ષમાં વૃક્ષોની વૃદ્ધિ થઈ જાય છે. ઓછી જગ્યામાં વધુ વૃક્ષો અને વધુ ઝડપથી મોટા થતાં હોય છે. આ વનમાં વિવિધ વૃક્ષો સાથે મેડિસિનના વૃક્ષો મળી કુલ 60 પ્રકારના વૃક્ષો લગાવવામાં આવતા હોય છે. એવું કહી શકાય કે, આ વન આકર્ષણની સાથે-સાથે અવષધીનો પણ ભંડાર હશે.. આ પ્રોજેકટ દરિયા કિનારાને અડીને બનેલ હોવાથી નારગોલ ગામે આવતા દેશ વિદેશના પર્યટકો માટે એક નવું નજરાણું સાબિત થવાનું છે.