અમદાવાદની આગ બાદ 21 ફેક્ટરીઓ સીલ, 17 હજાર ગેરકાયદે ઔદ્યોગિક એકમો સામે કોઈ પગલાં નહીં

Ahmedabad fire
Ahmedabad fire

ગાંધીનગર, 12 નવેમ્બર 2020

અમદાવાદ શહેરના પીરાણા- પીપળજ રોડ પર ગયા અઠવાડિયે સવારે કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ કાપડના ગોડાઉનોમાં આગ લાગી હતી જેમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ 12 નવેમ્બર 2020ના રોજ મંજૂરી વગએ ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરી દેવામાં આવી હતી. અહીં આસપાસ નારોલ, પીરાણા, પીપળજ, લાંભા, સુએજ ફાર્મ વિસ્તારમાં 600 કેમીકલ ફેકટરીઓ કે કાપડ પ્રોસેસ યુનિટો છે. જેમની સામે કોઈ પગલાં ભરાયા નથી.

મોટાભાગની ફેકટરીઓ ગેરકાયદે ચાલે છે. રીઝર્વ પ્લોટ પર ચાલે છે. નારોલ અને તેની આસપાસના 3 કિલોમીટર વિસ્તારની ત્રિજયામાં સેંકડો ફેકટરીઓ છે જેમાં 10 ટકા ફેકટરીઓમાં ફાયર એનઓસી છે. આ વિસ્તારમાં દર વરસે 25થી 30 આગના બનાવો બને છે. અમદાવાદ શહેરમાં 18 હજાર  ઔદ્યોગિક એકમો છે. જેમાં 6 ટકા એટલે કે 1085 ઔદ્યોગિક એકમોમાં ફાયર એનઓસી છે.

17 હજાર ઔદ્યોગિક એકમો પાસે ફાયલ એનઓસી નથી છતાં તેમની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કારણ કે અહીં ભાજપ શાસનમાં અધિકારીઓ અને રાજકારણીઓ ભરપુર ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે.

સેમ્પલની બોટલો ઓગળી ગઈ

કેમિકલ કંપનીના કારણે બ્લાસ્ટ થયો હતો તે કંપનીમાં એવું કેમિકલ બનતું હતું કે, FSL દ્વારા જે બોટલોમાં આ કેમિકલના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે બોટલો પણ પીગળી ગઈ હતી.

વડાપ્રધાનનું ટ્વીટ છતાં આગ પર પડદો

આગની ઘટના બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટ પછી અમદાવાદનું તંત્ર હરકતમાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. કેમિકલની કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો અને NOC બાબતે તપાસ કરવામાં આવી હતી. લાંભા, શાહવાડી, નારોલ અને રામોલ-હાથિજણમાં મંજૂરી વગએ ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરી દેવામાં આવી હતી.

કઈ ફેક્ટરીઓ સીલ

સીલ કરવામાં આવેલી ફેક્ટરીમાં હનુમાન કોટન, જગદંબા ટેક્સટાઇલ, રૂપાલી ડાઇંગ અને પ્રિન્ટ 1, રૂપાલી ડાઇંગ એન્ડ પ્રિન્ટ 2, લાઈફ સ્ટાઈલ ફેબ્રિક્સ, એચ.એચ રોડવેઝ, સ્વસ્તિક ટ્રાન્સપોર્ટ, ન્યૂ એચ.એચ રોડવેઝ, વિકાસ ટ્રાન્સપોર્ટ કંપની, શારીલ ક્રેઇટ કેરિયર્સ, શ્રી નિવાસા રોડલાઇન્સ, શાહીલ ક્રેઇટ કેરિયર્સ, કેદાર સેલ્સ એન્ડ વત્સલ ટ્રેડર્સ, અંબિકા કેમિકલ, દીપક પટેલ, મિલિયન એસિડન્સ કેમીકલ અને ગણેશ કેમિકલનો સમાવેશ થાય છે. રામોલ-હથિજણના  અંબા એસ્ટેસ, પંચરત્ન, ફોર્ચ્યૂન એસ્ટેટના ગેરકાયદેસર બાંધકામને પણ સીલ કરવામાં આવ્યું છે.

આગ લાગે ત્યારે કૂવો ખોદતા રૂપાણી

પીરાણા-પીપળજ રોડ પર લાગેલી આગના બનાવ બાદ રાજય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશ્નરને આદેશ કરવામાં આવ્યો છે. રાજયના એડીશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી આ વિસ્તારના બાંધકામોની કાયદેસરતા ચકાસવા તથા અનઅધિકૃત બાંધકામ દુર કરવા સુચન કર્યુ છે. એડી. ચીફ સેક્રેટરીએ શહેર પોલીસ કમિશ્નર તથા જી.પી.સી.બી. ચેરમેનને પણ તાકીદે કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે. તેથી હવે ગેરકાયદેસર બાંધકામો દુર કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નરે આદેશ આપ્યો છે. આગ લાગ્યા બાદ ભાજપની નિષ્ફળ રૂપાણી સરકાર કુવો ખોદવા નિકળી છે. અમદાવાદમાં ભાજપનું 30 વર્ષથી શાસન છે. ભાજપના 20 મેયરોની નિષ્ફળતાઓના કારણે આગની હોનારતો થઈ રહી છે. ભાજપ સરકાર દુર્ઘટના બને ત્યારે આદેશ આપે છે.

18 હજાર ઔદ્યોગિક યુનિટો, અમદાવાદમાં

નારોલ અને તેની આસપાસના 3 કિલોમીટર વિસ્તારની ત્રિજયામાં સેંકડો ફેકટરીઓ છે જેમાં 10 ટકા ફેકટરીઓમાં ફાયર એનઓસી છે. આ વિસ્તારમાં દર વરસે 25થી 30 આગના બનાવો બને છે. અમદાવાદ શહેરમાં 18 હજાર  ઔદ્યોગિક એકમો છે. જેમાં 6 ટકા એટલે કે 1085 ઔદ્યોગિક એકમોમાં ફાયર એનઓસી છે.

સૌથી વધુ આગની ઘટનાઓ અમદાવાદમાં

વર્ષ 2017-2018માં રાજ્યમાં 7330 આગ લાગી હતી. સૌથી વધુ આગના 31 ટકા બનાવો અમદાવાદ શહેરમાં 2123 નોંધાયા હતા. રાજ્યમાં દરરોજ 21 જેટલા આગના બનાવો બને છે. અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આગની ઘટનાઓમાં 35 લોકોનાં મોત શહેરમાં 2017-18ના વર્ષ દરમિયાન બનેલી આગની ઘટનામાં પ્રજાને 69.20 કરોડનું નુકસાન થયું હતું. ફાયરબ્રિગ્રેડે 96 લોકોને રેસ્કયૂ કરીને 83.77 કરોડની માલ-મિલકત બચાવી હતી. 2020માં 6 બનાવોમાં 38 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે.

50 આગ

દર વરસે આગ અને ગેસ ગળતર જેવી નાની-મોટી 50 જેટલી દુર્ઘટનાઓ અમદાવાદમાં બને છે. નારોલ, પીરાણા અને સુએઝ ફાર્મ વિસ્તાર જીવતા દોઝખ છે. જ્વાળામુખી જેવી પરિસ્થિતિ છે.

150 કેમીકલની ફેક્ટરી

ઈસનપુરથી પીરાણા ડમ્પ સાઈટ, લાંભાના ત્રિકોણ વિસ્તારમાં 150 કેમીકલ પ્રોસેસ ફેક્ટરીઓ છે. તમામ યુનિટ અંગે ભ્રષ્ટ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ જાણે છે. અહીં એક યુનિટ પાસેથી વર્ષે એક લાખનો હપ્તો લેવામાં આવે છે. તેથી આ વિસ્તારને પ્રદુષણ મુક્ત જાહેર કરી દેવામાં આવે છે.

ગટર લાઈનો ગેરકાયદે

ફેકટરીના માલિકો ડ્રેનેજ લાઈન અને ખારીકટ સબ કેનાલમાં કેમીકલયુક્ત પાણી છોડી રહયા છે. એસિડિક અને કેમીકલયુક્ત પ્રદુષિત પાણીની ટેન્કરો ખાલી થાય છે.

200 કાપડ પ્રોસેસિંગ ફેક્ટરી

નારોલથી પીપળજ વિસ્તારમાં 200 કાપડ પ્રોસેસ ફેક્ટરી છે. ટેક્ષટાઈલ યુનિટોમાં ગેરકાયદેસર બાંધકામ થયા છે. સુએઝ ફાર્મ વિસ્તારમાં 300 ફેક્ટરી ચાલી રહી છે. દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા તમામ ૩૦૦ યુનિટોને નોટિસો આપવામાં આવી છે. છતાં ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યુ નથી. તેમ કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જાહેર કર્યું હતું.

300 એકર જમીન પર બાંધરામ

સુએઝ ફાર્મની 3000 એકર જમીન પર પ્લોટીંગ કરીને વેચાણ થાય છે. ડમ્પ સાઈટના કારણે બાંધકામ થઈ શકે તેમ નથી. છતાં બાંધકામ થાય છે. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે.

2 લાખ ચોરસ મીટરમાં દબાણ

મોટાભાગની ફેકટરીઓના બાંધકામ મ્યુનિસિપલ કોર્પોરેશનના રીઝર્વ પ્લોટ પર થયા છે. ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર 55 અને 56માં 2 લાખ ચોરસ મીટર રીઝર્વ જમીન પર બાંધકામ કરી દબાણ કરાયા છે.

8 મજૂરોના અગાઉ મોત

પાંચ દિવસ અગાઉ જીંદાલ ટેક્ષટાઈલમાં આગ લાગવાથી કાપડ બળીને ખાક થયું હતું. શેડનું બાંધકામ પણ ગેરકાયદેસર હતું. પીરાણા-પીપળજ રોડ પર આવેલી નંદન ડેનિમમાં ફેબ્રુઆરી 2020માં આગ લાગતા 5 મજુરોના મોત થયા હતા. ઓઢવ ફાયર ઓફીસની સામે લોટ્‌સ લેબલ ઈન્ડસ્ટ્રીઝમાં ફેબ્રુઆરી 2020માં આગથી 3 કારીગરોના ગુંગળામણના કારણે મૃત્યુ થયા હતા.

ચિરીપાલ ગૃપની શંકાસ્પદ આગ

કાપડ ઉદ્યોગ અને બીજા કારખાના ધરાવતા ચિરીપાલ ગૃપમાં આગ લાગતાં 7 કામદારોના મોત થયા હતા. દર વર્ષે ચિરીપાલ ગૃપની ફેક્ટરીઓમાં અંદાજે ત્રણથી ચાર મોટી આગના કોલ બને છે. આગ લાગવા પાછળના ચોકકસ કારણો કયારેય બહાર આવતા નથી. આગ લગાડવામાં આવે છે એ એક મોટો કોયડો છે.

ફાયરમાં ખાલી જગ્યા

અમદાવાદ ફાયર સર્વિસમાં 794 જગ્યાઓમાંથી 491 જગ્યાઓ ભરાયેલી છે. 303 જગ્યાઓ ખાલી છે. સ્ટેશન ફાયર ઓફિસરની તમામ 18 જગ્યાઓ ખાલી છે. સબ ફાયર ઓફિસરની તમામ 21 જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે. ડ્રાઇવર કમ પંપ ઓપરેટરની 159 જગ્યામાંથી 112 જગ્યાઓ આજદીન સુધી ભરાઇ નથી. લીડીંગ ફાયરમેનની 54 માંથી 53 જગ્યાઓ ખાલી છે.