મોદીએ 3 વખત સી પ્લેન ઉડાવેલું તે વોક વે હવે મોતનો માર્ગ બન્યો

Ahmedabad’s Sabarmati Riverfront Walkway becomes Death Way, 150 Deaths Occur in a Year

અમદાવાદ, 15 માર્ચ 2021

અમદાવાદના સાબરમતિ રિવરફ્રિંટના જે વોક વે પાસેથી દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત સી પ્લેન ઉડાડીને લોકોને છેતરી ગયા છે તે સ્થળ હવે સુસાઈડ પોઈન્ટ બની ગયો છે.

આયેશા નામની અમદાવાદની યુવતીએ કરેલા આપઘાત બાદ સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બન્યો છે. વોક વે પર લોકો આવે છે અને મોતને માર્ગે જાય છે. વોક વે ખરેખર ડેથ વે બની ગયો છે. અહીં એક વરસમાં સરેરાશ 150 લોકો આત્મહત્યા કરે છે. સરેરાશ 3 દિવસે એક સુસાઇડની ઘટના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બને છે.

અમદાવાદમાં 800 લોકો આત્મહત્યા કરે છે તેમાં 150 લોકો સુંદર સાબરમતિ નદીના કાંઠે આવીને મોતને ભેટે છે.

પુલ પર જાળી લાગતા હવે લોકો સુસાઇડ માટે વૉક વેનો ઉપયોગ કરે છે. બ્રિજ પરથી કૂદીને આપઘાત કરવાના કિસ્સા ઘટ્યા હતા. અમદાવાદ મહાનગર પાલિકા વૉક વે પરની બેઠકના કઠેડા પર જાળી લગાવવાની ના પાડે છે. કારણ કે, જાળી લગાવાય તો રિવરફ્રન્ટની સુંદરતામાં ઘટાડો થશે. તંત્ર માટે રિવરફ્રન્ટની બ્યૂટી અગત્યની છે. નહીં કે લોકોના જીવ.

લોકો વોક વે પર આવીને મોતને વહાલું કરે છે. વોક વે હવે ડેથ વે બની ગયો છે. 12 કિલોમીટરના વૉક વેમાં રેસ્ક્યૂ માટે માત્ર એક બોટ અને બે ફાયરમેન છે.

વર્ષ 2017માં 290 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં 217નાં મોત થયા હતી. 74 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. વર્ષ 2018માં 151 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં 116નાં મોત થયા અને 35 લોકોને બચાવી લેવાયા હતા.

2019માં 108 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં 88 લોકોનાં મોત થયા. 20 લોકોનો બચાવ કરાયો હતો. 2020માં 142 લોકોએ નદીમાં ઝંપલાવતા 98નાં મોત થયા હતા. જ્યારે 29 લોકોનો બચાવ થયો હતો.

2021માં 16 લોકોએ નદીમાં ઝંપલાવતા, 14નાં મોત અને એકનો બચાવ કરવામાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમને સફળતા મળી હતી.

5 વર્ષમાં કુલ 707 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં 533 લોકોનાં મોત થયા હતા. 159 લોકોને બચાવી લેવાયા હતા.

આર્થિક સંકળામણ, માનસિક તણાવ, પ્રેમ સંબંધ, ઘરેથી ઠપકો મળવો, નોકરીથી હતાશ, ઘરેલુ હિંસા, બીમારીથી કંટાળવું જેવા કારણોને લીધે લોકો સુસાઇડ કરતા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં 2019માં 7655 નાગરીકોએ આપઘાત કર્યો હતા. 2019માં સુરતમાં 795, અમદાવાદમાં 763 બનાવ નોંધાયા છે, જ્યારે રાજકોટમાં 416 અને વડોદરામાં 218 આત્મહત્યા 2019માં થઇ છે.

સુરતમાં 2018માં 816ની સામે 2019માં 795 જ્યારે અમદાવાદમાં 2018માં 706ની સામે 763, રાજકોટમાં 449ની સામે 416 અને વડોદરામાં 2018માં 183ની સામે 2019માં 218 બનાવો નોંધાયા છે.

બીમાર હોય એવા નાગિરકોના આપઘાતના બનાવો અમદાવાદમાં 172 અને સુરતમાં 170 બન્યા છે. જ્યારે રાજકોટમાં 77 અને વડોદરામાં 22 લોકોએ બીમારીના કારણે આત્મહત્યા કરી છે.

બેકારીના કારણે અમદાવાદમાં 32 લોકોએ તો કેરિયરની સમસ્યાને લઇને રાજકોટમાં 15 તો પરીક્ષામાં નિષ્ફળતાના કારણે સુરતમાં 66 અને અમદાવાદમાં 18 લોકોએ આપઘાત કર્યો હતા. જોકે ગરીબીના કારણે આપઘાતના ત્રણ કિસ્સા વડોદરામાં નોંધાયા હતા, જ્યારે અમદાવાદ, સુરત અને રાજકોટમાં 2019માં ગરીબીના કારણે કોઇ આપઘાત કર્યો નથી.

ફેમિલી પ્રોબ્લેમ, લવ અફેર્સ સહિતના કારણોથી આપઘાતના બનાવો ચાર મહાનગરોમાં સૌથી વધારે સુરતમાં બન્યા છે. સુરતમાં ફેમિલી પ્રોબ્લેમના કારણે 485 લોકોએ આત્મહત્યા કરી છે. ત્યારબાદ રાજકોટમાં ફેમિલી પ્રોબ્લેમના કારણે 106 લોકોએ અને લવ અફેર્સના કારણે 49એ આપઘાત કર્યો હતો. જ્યારે અમદાવાદમાં 73 અને વડોદરામાં 37 નાગરિકોએ આત્મહત્યા કરી છે.

અમદાવાદ રિવરફ્રન્ટ પર હવે થ્રી-લેયર સુરક્ષા ગોઠવાશે. જેમાં 2 સ્પીડ બોટ, 15 સ્કૂટર, 2 ગોલ્ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરશે. દર સવા કિલોમીટરના અંતરે 1 પોલીસ ચોકી પણ બનશે. રિવરફ્રન્ટના એક છેડાથી બીજા છેડા સુધી 20 ચોકી બનાવાશે રિવરફ્રન્ટ પર સુરક્ષા સહિત 13 કિ.મી.ના એરિયામાં ફેસ સ્કેનિંગવાળા 250 CCTV લગાવાશે. 2 સ્પીડ બોટમાં તરવૈયા સાથે પોલીસ કર્મચારી તૈનાત રહેશે અને આ ઉપરાંત મહિલા પોલીસ સાથે 2 ખાસ સાઈબર પોલીસ સ્ટેશન પણ બનશે.

સ્થાનિક તંત્રએ પહેલેથી જ સાબરમતી નદીના 7 બ્રિજ પર આત્મહત્યાના બનાવોને રોકવા લોખંડની ગ્રીલ મુકાવી છે છતાં બનાવ ઘટવાને બદલે સતત વધી રહયા છે થોડા દિવસ પહેલા આયેશા મકરાણીની આત્મહત્યા બાદ પોલીસ અને સ્થાનિક તંત્રએ આ નિર્ણય કર્યો છે. જમાલપુર રિવર ફ્રન્ટથી શાહીબાગ રિવરફ્રન્ટ સુધી પોલીસ અને મહિલા પોલીસ સક્રિય રહેશે. આ થ્રિ લેયર સુરક્ષા શહેર પોલીસ કમિશ્નરના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવશે.પોલીસને આશા છે કે આ સુરક્ષા બાદ આત્મહત્યાના બનાવો ઘટશે.