ભાજપે ગેંગસ્ટરનો રાજકીય ફાયદો લીઈ સત્તાની સીઢી ચઢી

BJP took political advantage of gangsters and climbed the stairs of power

1980ના દાયકામાં અમદાવાદના ‘ડોન’ અબ્દુલ લતીફના સામ્રાજ્યથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. લતીફનો ગુજરાતમાં દબદબો હતો. પોલીસમાં ડર વ્યાપેલો હતો.
ગુનાખોરી, હત્યાઓ, ગેરકાયદે દારૂના વેપારના તેના સામ્રાજ્યની વાત થતી હોય છે.

લતીફ રાજકારણમાં સક્રિય હતો. અનેક નેતાઓ સાથે તેને સંબંધ હતા. લતીફ અને તેના સામ્રાજ્યે ગુજરાતના સમાજ અને રાજકારણ પર પણ ઊંડી અસરો પાડી છે.

ગુજરાતમાં છેલ્લાં લગભગ 30 વર્ષથી ભાજપની સરકાર છે અને હિન્દુત્વવાદી રાજકારણ હાવી રહ્યું છે. તેમાં લતીફનો ઉપયોગ કર્યો હતો.

1950-1995 વચ્ચે થયેલા હિન્દુ મુસ્લિમ રમખાણોનો ફાયદો લીધો. 45 વર્ષમાં ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો 241 થયા હતા.
બીજા નંબરે ઉત્તર પ્રદેશ 199 પોઇન્ટ સાથે પછી મહારાષ્ટ્ર 187 પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. તમામ રાજ્યોમાં ભાજપ છે.

હિન્દુ-મુસ્લિમ રમખાણોથી થયેલા મૃત્યુમાં ગુજરાતમાં શહેરી વસ્તીમાં પ્રતિ 10 લાખે 120 મૃત્યુ નોંધાયા હતા, જે દેશમાં સૌથી વધારે હતા. બિહારમાં આ સંખ્યા 80 હતી.

ગુજરાતમાં ધાર્મિક ધ્રુવીકરણ વધ્યું એ પાછળનું માત્ર કારણ માત્ર રમખાણો નહોતાં.

પ્રો. ક્રિસ્ટોફ જેફરલો તેમના પુસ્તક ‘ગુજરાત અન્ડર મોદી: ધ બ્લૂપ્રિન્ટ ઑફ ટુડેઝ ઇન્ડિયા’માં લખે છે કે, “બુટલેગિંગ સાથે જોડાયેલા મુસ્લિમ માફિયાઓનો પણ આમાં ફાળો ગણવો જોઈએ. ગુજરાતમાં પહેલેથી દારૂબંધી હોવાને કારણે દારૂનો ગેરકાયદેસર અંડરગ્રાઉન્ડ વેપાર ખૂબ ફૂલ્યોફાલ્યો હતો. પોલીસની હપ્તાખોરીને કારણે આ વેપાર પર જાણે કે આશીર્વાદ હતા.

ગુજરાતના રાજકારણમાં ગુંડા, માફિયા અને બુટલેગરોનું પહેલેથી જ મહત્ત્વ રહ્યું છે. 1985 આસપાસ માફિયાઓના ગોળીબાર થતા હતા.

રાજ્યમાં મોટા ભાગના શેરીના ગુંડાઓ અને લૂંટારાઓ એ મુસ્લિમ સમુદાયના હતા. ગુંડાઓ સામાન્ય નાગરિકોને હેરાન કરતા હતા, પરંતુ સરકારે તેમની સામે કોઈ પગલાં ન ભર્યાં, કારણ તેમને કેટલાક કૉંગ્રેસના નેતાઓનું રક્ષણ મળેલું હતું અને આ ગુંડાઓ તેમને માટે મત લાવી આપતા હતા. આ ગુંડાઓનું પોલીસ સાથે પણ કનેક્શન હોવાને કારણે સામાન્ય હિન્દુના મનમાં એવી ભાવના પેદા થઈ કે તેઓ મુસ્લિમ સમુદાયમાંથી આવતાં આવાં તત્ત્વો સામે લાચાર છે.

1951માં અમદાવાદના એક ગરીબ પરિવારમાં લતીફનો જન્મ થયો હતો. લતીફ એ દાઉદ ઇબ્રાહીમ ગૅંગનો સભ્ય હતો. તેના પર સ્મગલિંગ, મર્ડરથી લઈને અપહરણના અનેક કેસ હતા. તેનો મૂળ ધંધો ગેરકાયદેસર દારૂની હેરાફેરીનો હતો, જેમાંથી એ ધૂમ કમાણી કરતો હતો.
1980 પછીનાં વર્ષોમાં લતીફનો વ્યાપ વધ્યો. એ સમયે ગુજરાતમાં કૉંગ્રેસનું રાજ હતું.
1985નાં રમખાણો દરમિયાન તેણે મુસ્લિમ સમુદાયના ગરીબ લોકોને જરૂરી ખાધાખોરાકી આપી, મદદ કરી. એ સિવાય અનેક સેવાભાવી કાર્યો શરૂ કર્યાં.

અમદાવાદમાં મુસ્લિમો માટે એ જાણે કે લોકલ રોબિનહૂડ બની ગયો હતો. તેના માટે મુસ્લિમોમાં સહાનુભૂતિ હતી.

પોલીસ, સરકારી વ્યવસ્થાતંત્ર અને કેટલીક હદ સુધી સરકાર પણ કંઈ કરી શકતી નહોતી.

પહોંચ અમદાવાદમાં એટલે સુધી હતી કે તેની કલ્પના ન થઈ શકે.

અમદાવાદમાં પાંચ વોર્ડમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં જીત મેળવી હતી.

1987માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી થઈ હતી. ત્યાં સુધીમાં લતીફનો પ્રભાવ એટલો વધી ગયો હતો કે તેણે પાંચ બેઠકો દરિયાપુર, કાલુપુર, દાણીલીમડા, જમાલપુર અને રાયખડ પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. એ સમયે તે જેલમાં હતો.
પાંચેય બેઠકો પર વિજય થયો. પછી નિયમ પ્રમાણે તેણે બાકીની ચાર બેઠકો ખાલી કરી દીધી હતી.

જાહેરમાં લતીફને ગાળો આપતાં ભાજપના નેતાઓએ પણ લતીફ સાથે ગોઠવણ કરી અને એવી બેઠકો ખાલી કરાવી કે જેનાથી ભાજપને ફાયદો થાય.
કાલુપુરમાં ભાજપનાં ભામિની પટેલ અને રાયખડમાં ભાજપના ગુરુપ્રસાદ નાયડુ વિજેતા થયા. આમ, મ્યુનિસિપલ બૉર્ડમાં ભાજપની સંખ્યા વધી.

આ ચૂંટણીમાં ભાજપ પહેલી વાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સત્તા મેળવવામાં સફળ થયો હતો.

ગુજરાતના રાજકારણમાં ધ્રુવીકરણ કરવામાં મદદ મેળવવા માટે ભાજપે લતીફની રાજકીય સક્રિયતાનો ઉપયોગ કર્યો હતો, અને એ બધું કૉંગ્રેસના ભોગે થયું હતું. કારણ કે કૉંગ્રેસ પર પણ ઘણા મુસ્લિમોને ભરોસો રહ્યો નહોતો. આ સ્ટ્રેટેજી પહેલી વાર 1987ની મ્યુનિસિપલ ચૂંટણીમાં અજમાવાઈ.

ભાજપે લતીફ અને તેના લીધે આખા સમુદાયને ખરાબ ચીતરવાનું ચાલુ કર્યું અને ચૂંટણીમાં ‘રામરાજ’ વિરુદ્ધ ‘લતીફરાજ’નું મૉડલ રજૂ કરવાની કોશિશ કરી. ઘણા હિન્દુઓમાં લતીફની ઉમેદવારી સામે રોષ હતો અને એ ભાજપને 1987ની ચૂંટણીમાં મળેલા વિજય પાછળનું એક મોટું ફૅક્ટર હતું.

ચૂંટણીનાં પરિણામો આવ્યાં અને ભાજપને અમદાવાદ કૉર્પોરેશનની ચૂંટણીમાં 127માંથી 67 બેઠકો મળી. કૉંગ્રેસને 30 બેઠકો તથા જેએનપી (જનતા પાર્ટી) ને 26 બેઠકો મળી.

લતીફ સામે કાર્યવાહી કરવામાં કૉંગ્રેસી નેતાઓની ઢીલી નીતિ સામે લોકોની નારાજગી વધી રહી હતી. કૉંગ્રેસી નેતાઓ મુસ્લિમ મતને ધ્યાનમાં રાખીને લતીફ સામેની કાર્યવાહીને કોમ સામેની સમજતા હતા. રાજકીય ગણિત માંડવામાં તેઓ નિષ્ફળ ગયા અને તેમને અંદાજ ન આવ્યો કે આનાથી હિંદુ મતદારો દૂર જઈ રહ્યા છે. હજુ પાંચ-સાત વર્ષ પહેલાં 1980માં જ અસ્તિત્વમાં આવેલો ભાજપ આનો ફાયદો લઈ જશે, તેની કલ્પના પણ તેમને નહોતી.

1989ના અંત સુધીમાં ભાજપે શહેરી વિસ્તારોમાં એવો પગપેસારો કર્યો કે સુરત, રાજકોટ અને વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી પણ જીતી લીધી હતી.

અમદાવાદમાં કોમી તોફાનો દરમિયાન ભાજપની ભગિની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે પોળ વિસ્તાર અને પૂર્વ અમદાવાદમાં પગદંડો જમાવવાની શરૂઆત કરી દીધી હતી. તેનો સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો હતો.

ભાજપ ક્યારેય સત્તા પર આવશે તેવું ભાજપના નેતાઓ પણ માનતા નહોતા. પરંતુ 1985નાં તોફાન અને કૉંગ્રેસની ભૂલો તેમને શક્તિશાળી બનાવી રહી હતી.
સામાન્ય મતદારોમાં ભાજપ એટલે હિન્દુઓનો પક્ષ અને કૉંગ્રેસ એટલે મુસ્લિમોનો પક્ષ એવી છાપ એ સમયે ઘર કરી રહી હતી.

કૉંગ્રેસના ઘણા નેતાઓ પણ લતીફનો વિરોધ કરતા હતા. સૌથી વધારે વિરોધ કાલુપુરમાં રહેતા કૉંગ્રેસના સાંસદ રઉફ વલીઉલ્લાહ કરતા હતા. આ સાંસદની પણ અંડરવર્લ્ડની એક ગૅંગના સભ્યોએ હત્યા કરી નાખી હતી.

કૉંગ્રેસના નેતા અને ગૃહમંત્રી રહેલા સી.ડી. પટેલને પણ લતીફ સામે નારાજગી હતી.

1987માં મળેલી સફળતા પછી ભાજપે આ મુદ્દાને વધુ હવા આપવાનું શરૂ કર્યું. 1990ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેનો ઉપયોગ થયો. ભાજપને 182માંથી 67 બેઠકો મળી. સત્તા ન મળી, પણ સત્તામાં ભાગીદારી તો મળી.

આ મોડસ ઓપરેન્ડી 1993માં અમદાવાદની એલિસબ્રિજ બેઠકની પેટાચૂંટણીમાં અપનાવાઈ. ભાજપના ઉમેદવાર તરીકે ‘રાઇઝિંગ સ્ટાર’ હરેન પંડ્યા હતા અને તેમનો ચૂંટણીપ્રચાર નરેન્દ્ર મોદી સંભાળી રહ્યા હતા. એ સમયે મોદી ગુજરાત ભાજપના સંગઠન સચિવ હતા.

કૉંગ્રેસે હરેન પંડ્યાની સામે ઉદ્યોગપતિ લાલચંદ દેવચંદને મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણીમાં ચીમનભાઈ પટેલ હરેન પંડ્યાને હરાવવા માગતા હતા. ચીમનભાઈ લતીફની નજીક હતા અને નરેન્દ્ર મોદી તેમનો આ ‘વીક પૉઇન્ટ’ પામી ગયા હતા.

ચૂંટણીના ડોર-ટુ-ડોર પ્રચારમાં ભાજપના કાર્યકરો ઘરે-ઘરે જઈને કહેતા હતા કે મત આપવા જાઓ ત્યારે ‘લતીફને ભૂલતા નહીં.’ આ રીતે તેઓ લોકોને તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ખંડણી વગેરેની યાદ અપાવતા હતા.

આ બેઠક જનતાદળ પાસે હતી અને એ પહેલાં જનતા પાર્ટી અને કૉંગ્રેસ પાસે હતી. પેટાચૂંટણીમાં હરેન પંડ્યાની 48 હજાર મતથી જીત થઈ હતી.

આ જીત પછી જાણે કે ભાજપને ગુજરાતમાં જીત મેળવવા માટે નવું મૉડલ મળ્યું અને એ પછી પણ તેના પ્રયોગો શરૂ રહ્યા.

લતીફ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો હતો.

લતીફ પાકિસ્તાન ભાગી ગયો એ પછીના ગાળામાં કૉંગ્રેસના છબીલદાસ મહેતા મુખ્ય મંત્રી હતા. 1995ની વિધાનસભાની ચૂંટણી નજર સામે હતી.

કૉંગ્રેસના કેટલાક નેતાઓ લતીફ સામે આકરું વલણ અપનાવી રહ્યા હતા પણ એ બધું બંધબારણે હતું. સામાન્ય પ્રજાના મનમાં તો એ વાત ઊતરતી જતી હતી કે અમદાવાદમાં, ગુજરાતમાં કૉંગ્રેસના કારણે હિંદુઓને સહન કરવું પડ્યું હતું. મુસ્લિમોનો પણ મોટો વર્ગ કૉંગ્રેસથી દૂર જઈ રહ્યો હતો.

વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર વખતે ભાજપે કૉંગ્રેસના નેતાઓના લતીફ સાથેના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

વાત લતીફની હતી, પણ સીધેસીધું બોલ્યા વગર જવાબદાર આખી મુસ્લિમ કોમને ઠેરવાઈ રહી હતી. હિંદુઓને લાગી રહ્યું હતું કે આખી સ્થિતિમાં તેમનો કોઈ તારણહાર હોય તો એ ભાજપ જ છે. વિધાનસભાની આ પહેલી ચૂંટણી હતી જેમાં ભાજપે પ્રજાના જનમાનસમાં ઉતાર્યું હતું.

ભાજપ પાસે 1995ની ચૂંટણીમાં કોઈ વાસ્તવિક મુદ્દો નહોતો. પણ એમની પાસે લતીફ હતો. તેમણે કૉંગ્રેસને લતીફની પાર્ટી તરીકે, એટલે કે મુસ્લિમોની પાર્ટી તરીકે ચીતરી.

1995ની ચૂંટણી વખતે લતીફ ફરાર હતો અને પાકિસ્તાન ભાગી ગયો હતો.

ભાજપના કોઈ પણ નેતાનું ચૂંટણીનું ભાષણ એ લતીફ અને તેના દાઉદ ઇબ્રાહીમ સાથેના અને કૉંગ્રેસ સાથેના સંબંધો વગર પૂરું થતું નહોતું.

અબ્દુલ લતીફે જ ગુજરાતમાં ભાજપને સત્તાની સીડી સુધી પહોંચાડવાનો પાયો નાખ્યો છે.

ગુજરાતની પરિસ્થિતિઓ 1984થી જ સંઘ પરિવાર માટે અનુકૂળ બનતી જતી હતી. અનામત વિરોધી આંદોલનો મુસ્લિમ વિરોધી હિંસામાં ફેરવાઈ ગયા. કૉંગ્રેસના પરંપરાગત મતદારો ધીમેધીમે ભાજપ તરફ ખસતા રહ્યા. 1995માં ભાજપને મળેલા વિજય પછી સંઘ પરિવારે તેના સાંપ્રદાયિકીકરણ અને ભગવાકરણના કાર્યક્રમોને વેગ આપ્યો. તેના ફળસ્વરૂપ પટેલો જેવા વસ્તીમાં મોટા સમુદાયો ભાજપ તરફ આવ્યા.

રામજન્મભૂમિ આંદોલન, અડવાણીની રથયાત્રા, કાશ્મીરી પંડિતોનો મુદ્દો, બાબરી મસ્જિદ ધ્વંસ અને પછી થયેલાં રમખાણો, ગુજરાતના અમદાવાદ જેવાં શહેરોમાં અબ્દુલ લતીફ જેવા મુસ્લિમ અંડરવર્લ્ડનો ઉભાર વગેરે જેવી ઘટનાઓએ પરંપરાગત ધર્મનિરપેક્ષ લોકોના મોટા હિસ્સાને હિન્દુ બહુમતવાદ તરફ ધકેલી દીધો. તેની રાજકારણ પર દુરોગામી અસરો થઈ.

1995ની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ અને 121 બેઠકો મળી અને કૉંગ્રેસ 45 બેઠકોમાં સમેટાઈ ગઈ.

પાંચ વર્ષના ગાળામાં નરેન્દ્ર મોદીએ રામજન્મભૂમિનો મુદ્દો ચગાવી અને લતીફવિરોધી પ્રચાર કરીને કૉંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં હતાં. આ તેમનો પહેલો મોટો પ્રયોગ હતો જેમાં તેમને સફળતા મળી હતી.

1996માં કેશુભાઈ પટેલે જ્યારે લતીફની ધરપકડ કરી ત્યારે તેમને ‘હિન્દુ હૃદય સમ્રાટ’ તરીકે અનેક જિલ્લામાં ભાજપે સન્માનિત કર્યા હતા.

લતીફના નામે મત માગીને રચાયેલી સરકાર લાંબું ટકી નહોતી અને ભાજપમાં આંતરિક બળવો થતાં શંકરસિંહ વાઘેલાએ સત્તા મેળવી.

નવેમ્બર-1997માં રાજપ-કૉંગ્રેસની યુતિ સરકારના કાર્યકાળ દરમિયાન કથિત પોલીસ ઍન્કાઉન્ટરમાં લતીફનું મૃત્યુ થયું હતું.

લતીફને કારણે અમદાવાદના હિન્દુ-મુસ્લિમો વચ્ચે એક સદી સુધી ન પુરાય એટલું મોટું અંતર ઊભું થયું. તે અંતર વધારવામાં રાજકીય પક્ષોએ ખૂબ મોટો ભાગ ભજવ્યો.

લતીફનું 1997માં મૃત્યુ થયું પરંતુ જ્યાં સુધી લતીફની ગૅંગ ઍક્ટિવ રહી ત્યાં સુધી ભાજપે ડરનું રાજકારણ યથાવત્ રાખી લાંબા સમય સુધી ગુજરાતના સમાજને સાંપ્રદાયિક લાઇન પર ધ્રુવીકૃત કરવાનું શરૂ રાખ્યું.

1990ના દાયકામાં ભાજપે વિધાનસભાની ચૂંટણીઓમાં જીત મેળવી તેનાં અનેક કારણોમાંથી એક કારણ એ ગુજરાતનું થયેલું સાંપ્રદાયિક ધ્રુવીકરણ હતું.

લતીફ ન હોત તો ભાજપ ગુજરાતમાં આટલો મજબૂત ન હોત.

1985 પછીનાં વર્ષોમાં જે અનામત વિરોધી આંદોલનનો માહોલ હતો તેને ભાજપે કુનેહપૂર્વક પોતાની તરફ વાળ્યો. લતીફ વગેરેને આગળ કરીને ગુજરાતમાં હુલ્લડો પણ થયાં, પરંતુ તેનું નુકસાન બંને તરફ થયું હતું.
1969માં ભયાનક રમખાણો થયાં કે પછી 2002નાં રમખાણો થયાં, ત્યારે લતીફ નહોતો.

લતીફની એક સમયે ઉપયોગિતા હતી, ભાજપ અને કૉંગ્રેસ બંને માટે હતી, અને બંનેએ તેનો જે-તે સમયે ઉપયોગ કર્યો.

હિન્દુઓ બહુમતીમાં હોવા છતાં માહોલ ઊભો કરાયો હતો કે, હિન્દુઓ ડરમાં, જોખમમાં જીવે છે. તેથી લતીફ કદાચ કૉંગ્રેસને ફળ્યો હશે, પરંતુ એના કરતાં ભાજપને વધારે ફળ્યો છે. અશક્ય કામ ભાજપે ગુજરાતમાં કરી બતાવ્યું.

એ વખતે ભાજપને આવા પ્રતીકોની ખૂબ જરૂર હતી જે લોકો સાથે કનેક્ટ થઈ શકે. એ વખતે અમદાવાદમાં સતત રમખાણો થતાં હતાં.

લતીફથી મળેલી સફળતા એ તેમના દૃષ્ટ પ્રચારતંત્રનો ભાગ હતી.

21 એપ્રિલ, 2026ના રોજ અમદાવાદના દરિયાપુરમાં યોજાયેલી એક સભામાં ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને લતીફની યાદ અપાવી હતી. કૉંગ્રેસના શાસનમાં શહેર એ લતીફના શહેર તરીકે ઓળખાતું હતું. ભાજપના શાસનમાં લતીફ હોય કે લતીફના દાદા, સૌને ઘરભેગા કરી દીધા. એવું એમણે જાહેર કર્યું હતું.

ચાર દાયકાથી ભાજપનો જ્યાં કબજો હતો એ ખાડિયામાં 2026માં ભાજપ હારી ગયો હતો.

લતીફના મૃત્યુ પછી તેનો ફાયદો મળવાનો ઓછો થયો અને પછી નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા. તેમણે આ પ્રકારના પ્રચારમાં પછી લતીફને બાજુ પર રાખી ‘મિયાં મુશર્રફ અને ‘પાકિસ્તાન’નું નામ લેવાનું શરૂ કર્યું. લતીફ પછી નાનો પડવા લાગ્યો હતો. હવે તો લતીફ દૂરનો ભૂતકાળ બની ચૂક્યો છે. હવે ભાજપને એવી જરૂર પણ નથી, અને તેમની પાસે બીજું ઘણું છે.

હવે ભાજપ હિંદુઓનો ઉપયોગ પણ સત્તા માટે કરે છે. રામ મંદીર તો બની ગયું પણ તેમાં ચોરી થઈ હોવાથી ભાજપ, સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની સત્તા લાલસા ખૂલી પડી ગઈ હતી.

લતીફ, રામ મંદીર, બીજા આવા ઈસ્યુ માત્ર સત્તા માટે ઉભા કરવામાં આવતાં રહ્યાં છે.

પત્રકાર આર્જવ પારેખના લેખના આધારે અહેવાલ. બીબીસીના સૌજન્યથી. મૂળ પ્રકાશિત – 22 ઓગસ્ટ 2026