10 હજાર કરોડનો ધંધો કરતી 17 હજાર શાળાઓનું સરકાર સામે આંદોલન

શાળાના અનેક પ્રશ્નો પડતર છે

અમદાવાદ, 31 ઓક્ટોબર 2026
રાજ્યની 17 હજાર ખાનગી શાળાઓના લાંબા સમયથી પડતર પ્રશ્ન અંગે શાળા સંચાલકોના મહાસંમેલનમાં રાજ્ય સરકાર સામે લડતના કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ફિ નિર્ધારણ સમિતિઓની નિર્ણય પ્રક્રિયામાંથી વિસંગતતાઓ દૂર કરવામાં આવી નથી. ફિ નિર્ધારણની દરખાસ્તોના નિકાલમાં વિલંબ થાય છે. બિનજરૂરી સરકારી નિયંત્રણો, શાળાઓની સ્વાયતતા અને વધુ પડતાં સરકારી હસ્તક્ષેપને દૂર કરવા સહિતના પ્રશ્નો અંગે ઉકેલ આવ્યો નથી. શાળાની મંજૂરી, વર્ગવધારો, જેવી બાબતોમાં મોડુ થાય છે.

જોકે, એક વિદ્યાર્થી પાસેથી સરેરાશ રૂ. 30 હજાર ફી લેવામાં આવે તો પણ 50 લાખ વિદ્યાર્થીઓ પાસેથી વર્ષે રૂ. 15 હજાર કરોડ ફી થાય છે. જો સરેરાશ રૂ. 10 હજાર ફી હોય તો રૂ.5 હજાર કરોડ ફી ઉઘરાવે છે. સરકાર ફી ઘટાડવા માટે કોઈ પગલાં લેતી નથી. તે અંગે શાળા સંચાલકો તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

દિવાળી બાદ ખાનગી શાળાના પ્રશ્નો ઉકેલવા માટે રાજ્ય સરકારને રજૂઆત કર્યા બાદ ઉકેલ નહીં આવે તો 9 અને 10 ડીસેમ્બર 2026થી રાજ્યવ્યાપી ખાનગી શાળાઓ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું.

શિક્ષણ સુધારા વિધેયક-2026 અને ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે FRCની જટિલ કામગીરી દૂર કરવાની માંગ સાથે સંચાલકોએ અસહકાર આંદોલનની જાહેરાત કરી છે.

શિક્ષણ સુધારા વિધેયક
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતીન ભરાડના જણાવ્યા મુજબ, ગુજરાતમાં અંદાજે 17 હજાર સ્વનિર્ભર શાળાઓ છે, જેમાં 53 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 2022થી શિક્ષણ વિભાગ સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કાયમી ઉકેલ આવ્યો નથી.

FRCની કામગીરી સામે નારાજગી
રાજ્યના ચારેય ઝોનમાં FRCની કામગીરીમાં એકસૂત્રતા અને પારદર્શકતાનો અભાવ છે. હાઈકોર્ટના નિર્દેશો છતાં ફી નિર્ધારણમાં મનમાની થઈ રહી છે.

શિક્ષણ સુધારા વિધેયક-2026નો વિરોધ
આ વિધેયકમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના નિયમો સ્વનિર્ભર શાળાઓ પર લાદવામાં આવ્યા છે. શિક્ષકોની ભરતીના કડક નિયમો, દંડની રકમમાં અતિશય વધારો અને સીધી ફોજદારી કાર્યવાહીની જોગવાઈઓ સામે સંચાલકોને વાંધો છે.

નોંધણીનો બહિષ્કાર
શાળાઓની નોંધણી અને ટીચર રજીસ્ટ્રેશનની કામગીરી નહીં કરે.

રાઇટ ટુ એજ્યુકેશન
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. તેની સરકાર માત્ર ટોકન ફી ચુકવે છે. વાસ્તવિકતા ખર્ચ ઘણો મોટો હોય છે.

સુરક્ષા
શાળાઓના હિત કે સુરક્ષા માટે કોઈ ગાઇડલાઇન કે પરિપત્ર બહાર પાડે છે ત્યારે માત્ર સરકારી શાળાઓને જ ધ્યાનમાં રાખવામાં આવે છે. શાળાઓમાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અને વીડિયો શૂટિંગ પર પ્રતિબંધ મૂકતા પરિપત્રમાં ખાનગી શાળાઓનો સમાવેશ કરાયો નથી.

ડિજિટલને બદલે કાગળિયા વહીવટ
સરકારે શિક્ષણ વ્યવસ્થા ડિજિટલ બનાવવાનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવિકતામાં શાળાઓ પર કાગળકામનો બોજ અસહ્ય બની ગયો છે. સંચાલકો અને શિક્ષકો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાને બદલે રોજિંદા સરકારી કાગળિયાં અને ફોર્મ ભરવામાંથી નવરા થતા નથી. વહીવટી તંત્રને માત્ર કાગળો અને જવાબો આપી આપીને સંચાલકો હવે થાકી ચૂક્યા છે.

ચર્ચા કરો
શિક્ષણ વિભાગ જ્યારે પણ ખાનગી શાળાઓને અસર કરતા કોઈ નીતિગત કે વહીવટી નિર્ણયો લે, તે પહેલાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ સાથે પરામર્શ કે ચર્ચા કરવામાં આવે તેવી સંચાલકોની લાંબા સમયની માંગ છે

શિક્ષણ સિવાયની કારમગીરી
આ ઉપરાંત સરકારી શાળાઓના શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય વહીવટી કામગીરીઓ સોંપવામાં આવતી હોવાથી સમગ્ર રાજ્યમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે.

સ્વાયત્તતા પર તરાપ
શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ દ્વારા વારંવાર બહાર પાડવામાં આવતા પરિપત્રો અને વહીવટી હસ્તક્ષેપના કારણે શાળાઓની સ્વાયત્તતા જોખમાતી હોવાની સંચાલકોની ફરિયાદ છે. શાળાઓના કાયદેસરના અધિકારો અને શૈક્ષણિક કામગીરીનું રક્ષણ કરવાની માંગ તેઓ કરી રહ્યા છે.

શિક્ષણનું વ્યાપારીકરણ
ઘણી શાળાઓમાં શિક્ષણ એક સેવાનો વ્યવસાય બની ગયું હોવાની વ્યાપક ફરિયાદ છે. માત્ર ઊંચી ફી જ નહીં, પરંતુ પુસ્તકો, યુનિફોર્મ, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય ઇવેન્ટ્સના નામે વાલીઓ પર આર્થિક બોજ વધતો જાય છે.

ફી
સામાન્ય કે મધ્યમ વર્ગીય ખાનગી શાળાઓમાં ફી રૂ.15થી 35 હજાર છે.
પ્રતિષ્ઠિત શાળાઓમાં રૂ.40 હજારથી 1 લાખ છે.
પ્રીમિયમ શાળાઓમાં રૂ.1.50 લાખથી રૂ. 3 લાખ

છૂપી ફી
શાળાઓ ટ્યુશન ફી સિવાય એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય કોઈ પણ નામે છૂપી કે ગેરકાયદેસર ફી વાલીઓ પાસેથી વસૂલી શકતી નથી, છતાં લેવામાં આવે છે.

વાલીઓ છેતરાય નહીં તે માટે FRC દ્વારા ગુજરાતની 5700 ખાનગી શાળાઓની મંજૂર થયેલી સત્તાવાર ફી નું લિસ્ટ FRC Gujarat પોર્ટલ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે, જ્યાંથી કોઈપણ વાલી પોતાની શાળાની સાચી ફી ચેક કરી શકે છે.

3 વર્ષની ફી
FRC દ્વારા એકવાર મંજૂર કરાયેલું ફીનું માળખું સતત ત્રણ શૈક્ષણિક વર્ષ માટે લાગુ રહે છે.

શિક્ષકોનું શોષણ
ટોચની બ્રાન્ડેડ શાળાઓને બાદ કરતાં, ઘણી નાની કે મધ્યમ ખાનગી શાળાઓમાં શિક્ષકોને ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે. આ કારણે લાયકાત ધરાવતા અને અનુભવી શિક્ષકો લાંબો સમય ટકતા નથી, જેની સીધી અસર શિક્ષણના સ્તર પર પડે છે.

ગોખણપટ્ટી
ઘણી શાળાઓ માત્ર માર્ક્સ અને ટકાવારી લાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદ્યાર્થીઓમાં પ્રોબ્લેમ-સોલ્વિંગ સ્કિલ્સ કે ક્રિએટિવિટી ખીલવવાને બદલે ‘ગોખણપટ્ટી’ કરાવીને પરિણામ લાવવાનો શોર્ટકટ અપનાવવામાં આવે છે.

માનસિક તણાવ
અતિશય હોમવર્ક, વારંવારની ટેસ્ટ અને રેન્ક લાવવાનું સતત દબાણ વિદ્યાર્થીઓમાં નાની ઉંમરે માનસિક તણાવ અને ડિપ્રેશનનું કારણ બને છે.

શિક્ષકોનું શોષણ
ગુજરાતમાં 17 સ્વનિર્ભર શાળાઓમાં અંદાજે 2 લાખથી 2.50 લાખ શિક્ષકો છે. જેને સરેરાશ વર્ષે રૂ. 4500 કરોડ પગાર અપાતો હોવાનું અનુમાન છે. જ્યારે ફી પેટે રૂ. 20 હજાર કરોડ લેવામાં આવતાં હોવાનું માનવામાં આવે છે.
શિક્ષણ વિભાગ કે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા તમામ ખાનગી શાળાઓના શિક્ષકોની સંયુક્ત સંખ્યાનો કોઈ એક સત્તાવાર અને ચોક્કસ આંકડો જાહેર કરાયો નથી.
શાળામાં સામાન્ય રીતે 12થી 15 શિક્ષકો હોય છે.
રાઈટ ટુ એજ્યુકેશન અને શિક્ષણ બોર્ડના નિયમ મુજબ 25થી 30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક હોવા જોઈએ.
નાની અને મધ્યમ બજેટની શાળાઓ (GSEB – ગુજરાતી/અંગ્રેજી માધ્યમમાં રૂ.7થી 15 હજાર પગાર મહિને આપે છે.
પ્રતિષ્ઠિત અને મોટી ખાનગી શાળાઓ રૂ. 20થી 40 હજાર.
ઇન્ટરનેશનલ કે પ્રીમિયમ શાળાઓમાં રૂ.45થી 75 હજાર પગાર આપે છે.

પ્રિ-પ્રાયમરી અને પ્રાયમરી શિક્ષકો કે બાલમંદિરથી ધોરણ 8 સુધીમાં સામાન્ય રીતે સૌથી ઓછો પગાર રૂ. 7થી 15 હજાર આપે છે.
માધ્યમિક શિક્ષકોને ધોરણ 9અને 10માં સરેરાશ રૂ.15થી 28 હજાર સુધીનો પગાર મળે છે.
ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો – ધોરણ 11અને 12માં ખાસ કરીને સાયન્સ કે કોમર્સના મુખ્ય વિષયોના અનુભવી શિક્ષકોને રૂ.30થી 50 હજાર સુધીનો સારો પગાર મળી રહે છે.

કાયદાકીય જોગવાઈ
સરકારી લઘુત્તમ વેતન ગુજરાત સરકારના શ્રમ વિભાગના નિયમો પ્રમાણે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં કુશળ કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન અંદાજે રૂ.13800થી રૂ.14200 પ્રતિ માસ નક્કી થયેલું છે. જે ઘણું ઓછું છે રોજના રૂ. 1 હજાર મળવા જોઈએ।

શિક્ષકોનું શોષણ
લઘુત્તમ વેતનનો નિયમ હોવા છતાં, ઘણી નાની ખાનગી શાળાઓ ઓછા બજેટમાં ચાલવા માટે લાયકાત વિનાના કે ફ્રેશર શિક્ષકોને રૂ.5થી રૂ.8 હજાર જેવા ખૂબ જ નજીવા પગારે રાખતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહે છે.

ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોથી બચવા માટે કેટલીક શાળાઓ કાગળ પર કે બેંક ખાતામાં પૂરો પગાર જમા કરે છે, પરંતુ બાદમાં શિક્ષકો પાસેથી રોકડા કે ચેક દ્વારા નાણાં પાછા લઈ લેતી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.