ગાંધીનગર સ્માર્ટ સિટીમાં ભાજપનું સ્માર્ટ વોટર એટીએમનું પાણી કૌભાંડ

BJP's smart water ATM water scandal in Gandhinagar Smart City

પાટનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે રૂ. બે હજાર કરોડના કામોમાં વોટર એટીએમ શરૂ કરવામાં આવ્યા હતા. વોટર એટીએમને પાણી પૂરું પાડવામાં મ્યુનિ. તંત્ર નિષ્ફળ રહેતાં તમામ એટીએમને તાળા વાગી ગયા છે.
વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાનું પીવાનું પાણી પૂરું પાડવાની યોજના શરૂ કરાઈ હતી. વોટર એટીએમ માટે સ્માર્ટ સિટી કંપનીએ એકપણ પૈસાનું રોકાણ કરવાનું ન હતું. એજન્સીને જગ્યા અને પાણી કનેક્શન પૂરું પાડવાની જવાબદારી સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની એટલે કે ગાંધીનગર મહાનગર પાલિકાની હતી, જ્યારે એજન્સી દ્વારા પાણીના વેચાણ પર રોયલ્ટી ચૂકવાતી હતી.
૨૦૧૭માં સેકટર-૨૧ ખાતે સૌ પ્રથમ વોટર એટીએમ શરૂ કરાયુ હતું. જો કે આ એટીએમ બે અઠવાડિયામાં જ બંધ થઈ ગયું હતું. નવા એટીએમ પણ બન્યા નહીં. જાન્યુઆરી ૨૦૧૮થી ફરી વોટરએટીએમ સેકટર-૨૮ બાલોદ્યાનમાં બીજું વોટર એટીએમ મૂકાયું. ત્યારબાદ શહેરમાં કુલ ૧૮ સ્થળે વોટર એટીએમ સ્થાપવાની જાહેરાત કરાઈ હતી. જો કે વોટર એટીએમ માટે સ્થળની ફાળવણીમાં વિલંબ યથાવત રહ્યો અને આ કામગીરી ઓગસ્ટ-૨૦૧૮ સુધી ચાલી. આખરે ઓગસ્ટ-૨૦૧૮ સુધીમાં કલેક્ટર કચેરી, ઘ-૫ ચોપાટી, સેકટર-૨૧, સેકટર-૧૧ ૧૪ સ્થળે વોટર એટીએમ મૂકાયા હતા.
એટીએમને પાણીના જોડાણ મળી શક્યા નહીં. બીજી ઓક્ટોબરથી તમામ વોટર એટીએમ બંધ થઈ ગયા છે.

વોટર એટીએમમાં ૨૦૦ મિલિ પાણી, એક લિટર, પાંચ લિટર અને ૨૦ લિટર માત્રામાં પાણી ડીસ્પેન્સ થશે અને તેના માટે કોઈન તથા સ્માર્ટ કાર્ડના માધ્યમથી ચૂકવણી કરી શકાશે. બે રૂપિયામાં ૨૦૦ મિલિ, પાંચ રૂપિયામાં એક લિટર, ૧૫ રૂપિયામાં પાંચ લિટર અને ૨૫ રૂપિયામાં ૨૦ લિટર પાણી મળશે. મોબાઈલ એપ્લીકેશન સાથે કનેક્ટ કરી શકાય તેવા આ મોડેલ અંતર્ગત એક એટીએમમાંથી રોજનું ૫૦૦૦ લિટર શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકાશે. વોટર એટીએમમાં આઈઓટી આધારિત ટ્રેકિંગ સીસ્ટમ પણ મૂકવામાં આવી છે. આ સીસ્ટમના કારણે નાગરિકો જાતે પાણીની ગુણવત્તા ચકાસી શકશે અને તેના પર દેખરેખ રાખી શકશે. એટીએમમાં પીએચ ડીસ્પ્લે, ટીડીએસ અને પાણીના તાપમાન વગેરે અંગેની જાણકારી પણ જોઈ શકે એવી વ્યવસ્થા થવાની હતી.