કાળા ઘઉંમાં કાળી મજૂરી, ઉત્પાદન અને ભાવમાં ખેડૂતોને ફટકો

Black labor in black wheat – production and price reduced, farmers spend more

ગાંધીનગર, 02 એપ્રિલ 2021

રાજકોટના લોધીકાના લક્ષ્મી ઈંટાળા ગામના ખેડૂત જગદીશ રામભાઈ ખીમાણીયાએ વાવેલા કાળા ઘઉં તૈયાર થઈ ગયા છે. વિઘે 35 મણનો ઉતારો આવેલો છે. તેના શેઢા પડોશીએ ટૂકડી જાતના ઘઉં વાવેલા તે 45 મણથી 50 મણનો ઉતારો એક વીઘે આવેલો છે. આમ એક વીઘે 10થી 15 મણ ઓછા પાક્યા છે.

જગદીશભાઈ કહે છે કે તેમણે રતલામથી 1400નું એક મણ લેખે કાળા ઘઉંનું બિયારણ મંગાવ્યું હતું. કુલ 115 મણ તેમના ખેતરમાં થયા છે.

ટુકડી ઘઉં કરતાં કાળા ઘઉંને પાકતાં 30 દિવસ વધું લાગ્યા છે. ઘણા ખેડૂતોએ 45 દિવસ વધારે સમય ઘઉંને ખેતરમાં રાખવા પડ્યા છે. ટૂકડી 90 દિવસે પાકે છે. કાળા ઘઉં 120 દિવસે તૈયાર થાય છે.

ખેતરમાં વધું સમય પાકને રાખવાનાં કારણે બે પાણી વધું આપવા પડ્યા છે.

કાળા ઘઉંનો દાણો જીરા જેવો જીણો થાય છે. તેથી ઉતારો ઓછો આવે છે. હેક્ટરે ઉત્પાદન ઘટે છે.

લીલા ઘઉં હોય ત્યારે વજનથી નમી જાય છે.

ઘઉંની 20 કિલોની પડતર 500થી 600 આવી છે. તેમનો વેચાણ ભાવ 20 કિલોના રૂપિયા 700 રાખેલો છે. જોકે ઓન લાઈન રૂપિયા 1200 છે.

બીજા ઘઉંની જેમ કાળા ઘઉંમાં કોઈ રોગ નથી આવેલો.

જગદીશ રામભાઈ ખીમાણીયા કહે છે કે, તેમણે રોટલી બનાવીને ખાધી છે. ડાર્ક ગુલાબી રોટલી બને છે. સ્વાદમાં સારી રોટલી છે. ટૂકડાની જેમ ઠંડી થઈ જાય તો પણ કડક થતી નથી. નરમ રહે છે. રોટલીમાં મોણ વધું નાંખવું પડતું નથી. જોકે, ટૂકડા ઘઉં કરતાં સ્વાદમાં સારી રોટલી બને છે. સ્વીટ સાથે અનોખો સ્વાદ આવે છે. ખાતી વખતે ભોજનની મજા આવે.

ડૂંડાનો રંગ પહેલા લીલો હોય છે પછી તે કાળા રંગની થઈ જાય છે. ગયા વર્ષે ગોંડલના ઉમવાડા ગામના ખેડૂત અમિત હાંસલીયાએ વાવેતર કર્યું હતું.

કાળા ઘઉં ખાવાથી અનેક ફાયદા છે. પણ ખેડૂતને નફો તો મળતો નથી. જાડા પણું, ભૂખ વધું લાગે, હ્રદય રોગ, બ્લડપ્રેસર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીશ, એસીડીટી, બાળકોમાં કુપોષણ, કબજિયાત, પાચનતંત્ર, કેન્સર સામે લડવાની ક્ષમતા કાળા ઘઉંમાં છે.

કૃષિ વિભાગના મત પ્રમાણે પંજાબના મોહાલી નેશનલ એગ્રી ફુડ બીયોટેકનોલોજી ઈન્સટીટ્યુટના વિજ્ઞાનીઓએ 8 વર્ષના સતત પ્રયોગો કરીને આ વેરાઈટી વિકસાવી છે. જેમાં ત્રણ રંગ છે, બ્લુ, બ્લેક, પર્પલ રંગ છે.

મોહાલીની નેશનલ એગ્રો ફૂડ બાયો ટેકનોલોજી ઈન્સ્ટીટ્યુટએ તેના ઘઉંની પેટન્ટ કરાવીને નાબી નામ આપ્યું છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ખાવા માટે મંજૂરી આપ્યા બાદ દેશમાં વાવેતર શરૂ થયા છે. પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશમાં ગયા વર્ષે 700 હેક્ટરમાં વાવેતર થયું હતું.

કાળા ઘઉંમાં એન્થોસાઈનિન, ઝીંક, 60 ટકા વધું આયર્ન, વીટામીન ઈ, ફોલિક એસિડ, સેલેનિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, તાબું, પોટેશિયમ, એમિનો એસિડ છે.

સામાન્ય ઘઉંમાં પાંચ પીપીએમ હોય છે. જ્યારે કાળા ઘઉંમાં 100થી 200 પીપીએમ હોય છે.

ગુજરાતમાં ચાલું ઘઉંની સરેરાશ 3100 કિલો હેક્ટરે ઉત્પાદકતા છે. ખેડૂત સારી માવજત કરે તો 4500 કિલો થઈ શકે છે. પણ ભારતમાં અનેક એવી જાતો છે કે તે હેક્ટરે 8200થી 9700 કિલો ઉત્પાદન આપે છે. ગુજરાતમાં હેક્ટરે 10 હજાર કિલો ઘઉં પેદા થાય એવી જાત શોધવાનો પડકાર કૃષિ વિજ્ઞાનીઓ સામે છે. કારણ કે ઘઉંના ઉત્પાદનમાં ગુજરાતના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.