દરેક રાજ્યમાં એક સૌર શહેર બનાવો, વડાપ્રધાને કહ્યું, પણ મોદી ગાંધીનગરને ન બનાવી શક્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે સાંજે વિદ્યુત મંત્રાલય તેમજ નવી અને અક્ષય ઉર્જા મંત્રાલયના કામકાજની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વીજળી ક્ષેત્રની મુખ્ય સમસ્યાઓના નિવારણ અર્થે કરવામાં આવેલી વિવિધ નીતિગત પહેલો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દરેક રાજ્યમાં એક સૂર્ય ઊર્જાથી ચાલતું શહેર બનાવવાની વાત કરી હતી. જોકે તેઓ ગુજરાતમાં ગાંધીનગરને છેલ્લા 18 વર્ષથી સોલર શહેર જાહેર કરેલું છે છતાં તે શહેરને સૂર્ય ઊર્જાથી ચાલતું શહેર બનાવી શક્યા નથી. ગુજરાતમાં આવા કુલ 8 શહેરો ત્યારબાદ તેમણે જાહેર કરેલાં તેનું પણ કંઈ ઠેકાણું નથી.

નવી અને અક્ષય ઉર્જાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ સોલર વોટર પંપોથી માંડીને વિકેન્દ્રીકૃત સોલર કોલ્ડ સ્ટોરેજ સુધીની કૃષિ ક્ષેત્રની સંપૂર્ણ પૂરવઠા સાંકળ (સપ્લાઇ ચેઇન) માટે સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે રૂફટોપ સોલર માટે અભિનવ મોડલ પર વિશેષ ભાર મૂક્યો હતો અને સાથે સાથે ઇચ્છા વ્યક્ત કરી હતી દરેક રાજ્યમાં ઓછામાં ઓછા એક શહેર (પાટનગર શહેર અથવા કોઇ લોકપ્રિય પર્યટન સ્થળ) એવું હોય જ્યાં, રૂપટોપ સૌર ઉર્જા ઉત્પાદનના માધ્યમથી સંપૂર્ણપણે સૌર શહેર હોય.

બેઠક દરમિયાન ભારતમાં ઇંગોટ, વેફર, સેલ અને મોડ્યૂલ નિર્માણ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ વિકસાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો જે વિવિધ પ્રકારના અન્ય લાભ આપવા ઉપરાંત રોજગારી નિર્માણમાં પણ મદદરૂપ પૂરવાર થશે.  જેમાં સુધારેલી ટેરિફ નીતિ અને વીજળી (સુધારો) વિધેયક, 2020 પણ સામેલ છે.પ્રધાનમંત્રીએ વીજળી ક્ષેત્રની પરિચાલન ક્ષમતામાં વૃદ્ધિ કરવા અને આર્થિક સાતત્ય અથવા સ્થાયિત્વમાં બહેતર સ્થિતિ સુનિશ્ચિત કરીને ગ્રાહકોનો સંતોષ વધારવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે એ બાબતનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, વિદ્યુત ક્ષેત્ર, જેમાં ખાસ કરીને વીજ વિતરણ ક્ષેત્રમાં જે સમસ્યાઓ છે તે તમામ વિસ્તારો અને રાજ્યોમાં એકસમાન નથી.

તેમણે કહ્યું કે, મંત્રાલયે તમામ રાજ્યો માટે એક જેવા ઉકેલ અથવા સોલ્યૂશન શોધવાના બદલે દરેક રાજ્યને પોતાની કામગીરી બહેતર બનાવવા માટે પ્રોત્સાહિત કરવાના આશયથી રાજ્ય અનુસાર વિશિષ્ટ ઉકેલો લાવવા જોઇએ.પ્રધાનમંત્રીએ વિદ્યુત મંત્રાલયને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપી હતી કે, વિદ્યુત વિતરણ કંપનીઓ (ડિસ્કોમ) સમય સમયે તેમના કામગીરીના માપદંડો જાહેર કરે જેથી લોકોને ખબર પડે કે તેમની ડિસ્કોમની કામગીરી અન્ય સમકક્ષ કંપનીઓની સરખામણીએ કેવી છે. તેમણે એ બાબતે પણ વિશેષ ભાર મૂક્યો હતો કે, વીજળી ક્ષેત્રમાં ઉપકરણોનો ઉપયોગ ‘મેક ઇન ઇન્ડિયા’ને અનુરૂપ થવો જોઇએ.પ્રધાનમંત્રીએ ‘કાર્બન મુક્ત લદ્દાખ’ની યોજવામાં ઝડપ વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમની સાથે જ સોલર તેમજ પવન ઉર્જાનો ઉપયોગ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પીવાલાયક પાણીના પૂરવઠા પર વિશેષ ભાર મૂક્યો હતો.