ગુજરાતના વાયબ્રંટ પાર્ટનર કેનેડાની કંપની હેલિકોપ્ટર ટેક્સી શરૂ કરવાની હતી, 10 વર્ષમાં કંઈ ન થયું

ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020

કેનેડાની સ્કાયલાઈન એવીએશન કંપની વિશ્વમાં એવીએશન ક્ષેત્રે ચોથા નંબરની કંપની છે. આ કંપની 23 સીટર યુનિક હેલિકોપ્ટરનું ઉત્પાદન કરે છે. આ કંપની ૩ હેલિકોપ્ટર સાથે ગુજરાત અને આસપાસમાં હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ કરવાની હતી. તે માટે ગુજરાતમાં 10 વર્ષ પહેલાં 2010માં એમઓયુ કરવાની જાહેરાત કરી હતી. હેલિકોપ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ વિભાગ અને કેટલાક હેલીકોપ્ટર ભાડે લેવાનું અનુમાન હતું. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાભરમાં પ્રસિદ્ધિ લઈને કેનેડાનું નામ વટાવી ખાધું હતું. પણ વાયબ્રંટમાં જે જાહેરાતો થઈ હતી તેમાં 10 વર્ષમાં કંઈ થયું નહીં.

કેનેડાની કુલ 12 કંપનીઓ ગુજરાતમાં

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર દેશ તરીકે જોડાનારા કેનેડાની 12 કંપની ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવાની હતી. કેનેડાએ ભારત સાથે વેપાર માટે દ્વિપક્ષીય કરારો કરેલાં છે. કેનેડા સરકાર ગુજરાતની કંપનીઓને પણ પોતાના દેશમાં લઈ જવાની હતી. આ માટે ગુજરાતની ઓઈલ અને ગેસ ક્ષેત્રની 8 કંપનીઓ સાથે વાત ચાલતી હતી. જેઓ કેનેડામાં રોકાણ કરવા માટે રસ ધરાવતી હતી.

કેનેડાના ઉદ્યોગકારો સાથે આવેલા ભારતીય મૂળના એમ પી દેવિન્દર શોરીએ કહ્યું હતું કે, યુનિવર્સિટી ઓફ સસ્કાટેચ્વાઉન શિક્ષણક્ષેત્રે ગુજરાત સાથે એમઓયુ કરશે. આ કરારમાં સ્ટુડન્ડ એક્સ્ચેન્જ પ્રોગ્રામ અને રિસર્ચનો સમાવેશ હતો.
કેનેડાની બાયો મેસ ફર્ટિલાઈઝર ક્ષેત્રે અગ્રણી કંપની એન વાયરો અંકલેશ્વર જીઆઈડીસી ખાતે 20 મિલિયન ડોલરનું રોકાણ પાઈલોટ પ્રોજેક્ટ રૂપે કરશે. કંપની પાસે પોતાની પેટન્ટ ટેક્નોલોજી છે.

કંપની દ્વારા ઉત્પાદિત ફર્ટિલાઈઝરમાંથી જીઆઈડીસી પણ કેટલીક ખરીદી કરવાની હતી. સામાજિક જવાબદારીના ભાગરૂપે તે ખેડૂતોને આપવાની હતી. આ કંપની અંકલેશ્વરના પ્રોજેક્ટની સફળતા બાદ અન્ય શહેરોમાં પણ રોકાણ કરવાની હતી. પણ પ્રસિદ્ધિ સિવાય કંઈ ન થયું.

કેનેડા સરકારના ઈન્વેસ્ટમેન્ટ એટ્રેકશન વિભાગના ડાયરેક્ટર એલેકસ એલ એ કહ્યું હતું કે, ગુજરાત અને ભારતની કંપનીઓ કેનેડામાં એનર્જી, ઓઈલ અને ગેસ, એગ્રીકલ્ચર, મિનરલ્સ, યુરેનિયમ અને પોટાશ ક્ષેત્રે રોકાણ કરે તેવું ઈચ્છે અને આ માટે ભારતની કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. પણ કંઈ થયું નથી.