[:gj]સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૨)[:]

Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]

ભાગ ૧ – સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૧)

ગેસ સિલિન્ડરમાં ભરવામાં આવતો મિથેન વાયુ સુગંધવિહીન હોય છે. આથી જો રાંધણ ગેસ લીકેજ થાય તો આપણને સુગંધ આવે નહીં અને ખબર પડે નહીં. જો આવું થાય તો અકસ્માતનું પ્રમાણ વધી જાય. આવું ન થાય અને ગેસ લીકેજની તરત જ જાણ થઈ જાય તે માટે ઇથાઈલ મરકેપ્ટન નામનો એક તીવ્ર વાસવાળો વાયુ પણ મિથેન સાથે ગેસ સિલિન્ડરમાં ભરવામાં આવે છે.

ગેસની બોટલ આપણા રસોડા સુધી પહોંચે એ પહેલા તેને મોટા પાણીના હોજમાથી પણ પસાર કરીને લીકેજ બાબતની ચકાસણી કરવા સહિત અન્ય કેટલાયે પરિક્ષણ કરવામાં આવતા હોય છે. પરંતુ તેમ છ્ત્તા પણ છાશવારે અકસ્માતો બનતા રહે છે તે હકીકત છે. આથી અકસ્માતો બનતા અટકાવવા અને અકસ્માત થાય તો જાન-માલનું નુકસાન થતું અટકાવવા માટે આપણે કેટલીક બાબતોથી જાગૃત હોવું જરૂરી છે.

થોડા વર્ષો પહેલા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનાં ત્રાંબોડા ગામમાં એક જ પરિવારના આઠ વ્યક્તિઓએ આવી જ એક ગેસ લીક થવાથી સર્જાયેલી દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવેલા. આ ઘટના સમયે હું બાબરા મામલતદાર તરીકે ફરજનિષ્ઠ હતો. ગેસ સિલિન્ડરમાં રહેલી ખામીને કારણે ચૂલો પેટાવતા જ સિલિન્ડરના આગળના ભાગેથી આગ નીકળવા લાગેલ.

પરંતુ અહી વર્ણવેલી પ્રાથમિક જાણકારી ન હોવાના કારણે અને આગ ઓલાવવાની મથામણ દરમિયાન કેટલોક સમય જતો રહ્યો અને બહારના તાપમાનમાં સતત વધારો થતાં રહેતા એકાએક જ વિસ્ફોટ થયો અને તે સમયે ઘરમાં રહેલા તમામ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા. જે ઘરમાં અકસ્માત સર્જાયેલ તે જગ્યાની પરિસ્થિતી મે મારી સગી આંખે જોયેલી. ઈશ્વર આવી દયનીય પરિસ્થિતિમાં કોઈને મૂકે નહીં એવી જ પ્રાર્થના કરું છું.

અમુક અમુક બાબતો ખૂબ સામાન્ય છે જેમકે રાત્રે સુવા પહેલા અથવા જ્યારે ગેસ વાપરવાની જરૂરિયાત ન હોય ત્યારે રેગ્યુલેટર બંધ કરવું. રસોડામાં સેનિટાઈઝર કે મચ્છર/કોંકરોચ મારવાના સ્પ્રેનો વપરાશ કરવો નહીં. બને ત્યાં સુધી બાકસને બદલે લાઇટરનો જ ઉપયોગ કરીને ચૂલો પેટાવવો.

રસોડામાં ગેસ શરૂ હોય ત્યારે બારી કે બાલ્કનીમાથી પવન આવે અને ચૂલો ઠરી જાય નહીં તે બાબતની તકેદારી રાખવી. બને ત્યાં સુધી રસોઈ બનતી હોય ત્યારે ચૂલા પર કશું રાંધવા મૂકીને આઘુપાછું જવું નહીં. રસોડામાં સળગી ઊઠે તેવા પદાર્થો જેમકે કેરોસીન, પેટ્રોલ, કાગળ કે લાકડાની કોઈ ચીજ-વસ્તુઓ બને ત્યાં સુધી રાખવી નહીં.

લેખક દ્વારા: ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !!

પૂરતી તકેદારી રાખવા છ્ત્તા પણ જો અકસ્માત સર્જાય તો સૌથી પહેલા એ મગજમાં રાખવું કે, ગેસનો બાટલો ક્યારેય તાત્કાલિક ફાટતો નથી. આથી ઘબરાવું નહીં અને ઘાંઘાવાંઘા થવું નહીં. લેખની શરૂઆતના કિસ્સામાં જે બન્યું કે યુવાન બીકને કારણે બાલ્કની કૂદી ગયો એવી ભૂલ આપણાથી થાય નહીં એ ખાસ ધ્યાન રાખવું. જ્યાં સુધી બહારનું તાપમાન ખૂબ વધી જાય નહીં ત્યાં સુધી બાટલો ફાટે નહીં. આથી આવી પરિસ્થિતી સર્જાય તો ઘરમાથી એકાદ મુખ્ય વ્યક્તિ સિવાયના તમામ વડીલો/બાળકો/મહિલાઓને ઘરની બહાર મોકલી દેવા.

તાત્કાલિક જાડું કપડું/પડદો/ગોદડું જે મળે તે લઈ તેને ભીનું કરીને ગેસ સિલિન્ડરની ફરતે અને ઉપર મોઢા પર ઢાંકી દેવું. આવું કરવાથી ગેસ બહાર નીકળતો અને સળગતો બંધ થઈ જશે, ઑક્સીજન મળતો બંધ થશે અને બહારનું તાપમાન પણ વધશે નહીં. આથી ગેસનો બાટલો ફાટશે નહીં. આવા સમયે કોઈ ઇલેક્ટ્રીક ઉપકરણો ચાલુ-બંધ કરવા નહીં. અંધારૂ હોય તો મોબાઇલની ફ્લેશલાઇટનો ઉપયોગ કરવો.

બને ત્યાં સુધી રસોડામાં ફાયરપ્રૂફ મટિરિયલ્સનો ઉપયોગ કરીને ફર્નિચર અને પી.ઑ.પી. બનાવવાનો આગ્રહ રાખવો. આ બાબતે આપના વિસ્તારના ફાયર ઓફિસરનો પણ રૂબરૂ સંપર્ક કરીને જરૂરી જ્ઞાન મેળવી શકીએ છીએ. તાત્કાલિક 108 અથવા સીધો જ ફાયર શાખાનો સંપર્ક કરવો. તમારા જિલ્લાની કલેક્ટર કચેરીનો ડીઝાસ્ટર કંટ્રોલરૂમ વર્ષના તમામ દિવસોએ ચોવીસ કલાક કાર્યરત હોય છે.

અહી પણ જાણ કરવાથી આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં તેમજ એપાર્ટમેંટ્સમાં રહેતા લોકોએ પણ સ્થાનિક કમિટીમાં રજૂઆત કરીને દરેક ફ્લોર પર ફાયર એક્સટિંગ્યુંસરની વ્યવસ્થા રાખવી જોઈએ અને તેને વખતોવખત રિન્યૂ પણ કરતાં રહેવા જોઈએ.

એક વાત ખાસ યાદ રાખવી કે, આગ લાગે ત્યારે તેના પર જો તરત કાબૂ કરવામાં નહીં આવે તો તે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ લેવા લાગશે. આથી જ્યારે પણ આવી દુર્ઘટના સર્જાય ત્યારે તેને ઉપર જણાવ્યા પ્રમાણે કીમિયાઓ અજમાવીને અને લોકલ આગ ઓલવવાના સાધનોની મદદથી ઊગતા જ ડામી દેવા હીતાવહ રહેશે.

લેખક દ્વારા: યત્ર નાર્યસ્તુ પૂજયન્તે….

                   …..રમન્તે તત્ર દેવતા:

[:]