કોલંબીયા દેશમાંથી આવેલી ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનો (રહે.બોગોટા, કોલંબીયા)ના ૪૧૦૦ ડોલરની ચોરી થતાં મહિલાને શહેરનો કડવો અનુભવ થયો છે. આ ઘટના અંગે મહિલાનાં સ્થાનિક મિત્રએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
ફરહાનભાઈ મીઠીબોરવાળા શાહઆલમ ખાતે રહે છે. વર્ષાે અગાઉ તે કોલંબીયા ખાતે ગયા હતા. જ્યાં તેમની મિત્રતા ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનો (રહે.બોગોટા, કોલંબીયા) સાથે થઈ હતી. ફરહાનભાઈ તથા ફાની બંને કાપડનાં વેપાર સાથે જાડાયેલાં છે. બાદમાં ફરહાનભાઈ અમદાવાદ ખાતે પરત ફર્યા હતા. જ્યારે ફાની કેટલાંક દિવસો અગાઉ કોલંબીયાથી અમદાવાદ ખાતે કાપડ ખરીદવા માટે આવી હતી. જેને ફરહાનભાઈએ લો ગાર્ડન નજીક આવેલી રેડીશન બ્લ્યુ હોટેલ ખાતે ઊતારો આપ્યો હતો.
ફાનીએ કાપડની ખરીદી કર્યા બાદ પોતાનાં મિત્ર લુઈસ તથા મારલે સાથે હોટેલમાં ફરહાનભાઈને મળી હતી. બાદમાં ફરહાનભાઈ રાત્રે પોતાનાં ઘરે પહોંચ્યા ત્યાં જ ફાનીએ ફોન કરીને તેમને પોતાનાં ૪૧૦૦ ડોલરની ચોરી થઈ હોવાનું જણાવતાં ચોંકી ઊઠેલાં ફરહાનભાઈ પોતાનાં મોટાભાઈ સાથે હોટેલ રેડીશન બ્લ્યુ ખાતે પહોંચ્યા હતાં.
જ્યાં ઘણી શોધખોવ કરવા છતાં નાણાં મળી આવ્યા નહતા. ફાનીએ પોતાનાં મિત્રો સાથે આગ્રા જવાનું હોવાથી ફરહાનભાઈએ આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટના બાદ હોટેલનાં સીસીટીવી ફુટેજ મેળવીને ચોરીની તપાસ હાથ ધરી છે. ઉપરાંત ફાની તથા અન્યોનાં પણ નિવેદનો લીધાં છે. નવરંગપુરા પોલીસ આ અંગે ગુનો દાખલ કરી હોટલમાં ફરજ બજાવતાં કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે.
આ ઉપરાંત હોટલમાં લગાવવામાં આવેલાં સીસીટીવી ફુટેજ પણ મેળવ્યાં બાદ આ મહિલાનાં રૂમમાં પ્રવેશેલાં તમામ લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ આરોપીને ઝડપી લેવા માટે સ્થાનિક પોલીસને આદેશ આપ્યો છે.