ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગુજરાતની મુખ્ય કચેરી જ્યાં આવેલી છે તેના કલોલના હાજીપુર ગામ પાસે ગેરકાયદે એન્ટીબાયોટીક દવા બનાવી ફાર્માસ્યુટીકલ્સ કંપની ઝડપાઈ છે. નાઇજીરીયા દેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડો પાડીને 4 લાખ એક્ઝાક્લેવ-625’ ટેબલેટનો રૂ.63 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયા તથા આરોગ્ય વિભાગ સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલના નાક નીચે લોકોના આરોગ્યને ઝોખમમાં મૂકતી ફેક્ટરી ચાલી રહી હતી. બહારના વ્યક્તિએ જાણ કરી ત્યારે આ બન્નેને ખબર પડી. ત્યાં સુધી બન્ને ઊંઘતા હતા. નિતીપ પટેલ પણ કડી-કલોલના વતની છે.
સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી. 3 વર્ષની ઉત્પાદન પરવાના ધરાવે છે. આ પેઢીના ભાગીદાર પ્રવિણ ચૌધરી અને તેની ટેકનીકલ ટીમ દ્વારા મે. ફાઇનક્યોર ફાર્મા, ઉત્તરાખંડના નામે એક્ષક્લેવ-625 કો-એમોક્ષીક્લેવ ટેબલેટ બી.પી. (Exaclav-625 Co-Amoxiclav Tablet B.P.)ની બનાવટનું ગેરકાયદેસર ઉત્પાદન કરતા પકડાયા છે.
આ દરોડા દરમિયાન 4.20 લાખ એક્ઝાક્લેવ-625 ટેબલેટ અને એક્ઝાટીલ ડ્રાયસીરપ(Exatil Dry Syrup) બ્રાન્ડનેમની બનાવટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જે મે. બ્રુસેલ્સ લેબોરેટરી પ્રા. લી., ચાંગોદર, અમદાવાદના પરવાના નં.G/1010, નામ અને સરનામાંનો ઉપયોગ કરીને બનાવટી દવાનું ઉત્પાદન કરવામાં આવતુ હતું.
એક્ઝાક્લેવ-625 ટેબલેટના તૈયાર 1850 કાર્ટન તથા એલ્યુમીનીયમ ફોઇલના રોલ જેના પર પણ Batch No. B2635, Mfg. Dt. 01/2021, Exp. Dt. 12/2022 છાપી અને બ્લીસ્ટર / એલુએલુ પેકીંગ માટે તૈયાર માલ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો છે.
મે. ફાઇનક્યોર ફાર્માના Mfg. License No. 34/UA/SC/P-2007 નો ઉપયોગ કરી જાન્યુઆરી માસની ઉત્પાદન તારીખ (01/2021) દર્શાવી ફેબ્રુઆરી માસમાં ઉત્પાદન કરતા પકડાયા છે.
મે.ફાઇનક્યોર ફાર્મા, ઉત્તરાખંડનાં પરવાના નં. 34/UA/SC/P-2007, નામ અને સરનામાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર બનાવટી દવાનું ઉત્પાદન કરી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની કલમોનો ભંગ કરી સજા પાત્ર ગુન્હાહિત કૃત્ય આચર્યુ છે.