Farmer Bhanjibhai Mathukia allowed copying instead of patenting his invention
ગુજરાતના એક ઇનોવેટર કિસાન સામેથી કહે છે કે “મારો આઇડિયા કોપી કરો અને દેશના તમામ લોકો સુધી પહોંચાડો…” ધન્ય છે, ભાંજીભાઇ માથુકિયા ને કે જેઓ ક્યારેય સ્કૂલમાં ગયા નથી છતાં તેમની પાસે આઇઆઇએમ, આઇઆઇટી અને એન્જિનિયરીંગ કોલેજના સ્ટુડન્ટ્સ પ્રોજેક્ટ માટે મદદ માગવા માટે જાય છે. અનોખા આવિષ્કારો માટે તેમને રાષ્ટ્રપતિ સન્માન તો મળ્યું છે પરંતુ તેમને વિદેશમાં જવાનો મોકો પણ મળ્યો છે. ભાંજીભાઇના જીવનનો એકમાત્ર ગોલ સમાજને કંઇ આપવાનો છે.
અભિમાનથી કહે છે મારૂં જ્ઞાન એ રેડિયો આધારિત છે…
ગુજરાતના જૂનાગઢથી 55 કિલોમીટર દૂર કાલાવાડ ગામના કિસાન પરિવારમાં જન્મેલા ભાંજીભાઇનું દિમાગ બચપનથી જ નવી નવી શોધ અને રચનાત્મક કાર્યો માટે ચાલે છે. તેમના કારનામાં ઘરના સભ્યો અને ગામના લોકો જોતાં જ રહી જાય છે. ગામની નાની નાની કિશોરીઓને એકત્ર કરી તેઓ ક્યારેક કોઇ ઘરની ડિઝાઇન બનાવે છેતો ખેતરોની સમસ્યાને લઇને કિસાનો સાથે બેસી સંશોધનો કરે છે.
ભાંજીભાઇને ક્યારેય સ્કૂલ જવાનો મોકો મળ્યો નથી પરંતુ તેમણે ગુજરાતી ભાષા વાંચતા અને લખતાં શિખી છે, બાકી દુનિયાદારીએ તેમને શિખવ્યું છે. તેમને જે જ્ઞાન મળ્યું છે તે રેડિયો આધારિત છે. તેઓ કબૂલ કરે છે કે મારી પાસે જે જ્ઞાન છે તેની પુરેપુરી ક્રેડિટ રેડિયોને જાય છે. દેશ અને દુનિયાના સમાચારો ઉપરાંત તેમણે રેડિયોના ટેકનોલોજી કાર્યક્રમો ખૂબ સાંભળ્યા છે.
મારા નાના ખેડૂત મિત્રો માટે મારે કંઇ કરવું છે…
ખેતરમાં કામ કરતા કરતાં અને બીજા ખેડૂતો સાથે ચર્ચા કરતાં ભાંજીભાઇના દિમાગમાં અલગ અલગ આઇડિયા આવતા હોય છે. તેમનો માત્ર એક જ ઉદ્દેશ રહ્યો છે કે કિસાનોની મુશ્કેલ પરિસ્થિતિનો હલ કેવી રીતે આવે. આ દિશામાં અવિરત તેઓ કાર્ય કરતા રહ્યાં છે. 1990ની આસપાસના સમયમાં તેમના ગામમાં ફ્રોડ ટ્રેક્ટર આવ્યું હતું. ગામડાના લોકો માટે આ નવી ટેકનોલોજી હતી. ખેડૂતોને લાગ્યું કે આ ટ્રેક્ટર તેમની મહેનત ઓછી કરી દેશે.
બીજી તરફ ભાંજીભાઇએ પણ સ્વિકાર કર્યો અને માન્યું કે મોટા ખેતરો માટે 25 હોર્સપાવરનું ટ્રેક્ટર ખેડૂતોની મહેનત બચાવશે. તેમને પ્રશ્ન થયો કે આ ટ્રેક્ટર તો મોટા ખેતરો માટે છે પરંતુ જે ખેડૂતો પાસે નાના ખેતરો છે તેમના માટે શું કરીએ કે જેથી તેઓ આવું સાધન વાપરી શકે.
એક ટ્રેક્ટર બનાવ્યું, સસ્તુ એટલું કે બીજા વાપરી શકે…
ખેડૂતોની પરેશાની વચ્ચે તેમણે સંશોધન કરવાનો વિચાર કર્યો. તેમણે કબાડીની દુકાનમાંથી કેટલાક જૂના સ્પેરપાર્ટ્સ લીધા, જેમાં જૂની કમાન્ડર જીપનું એન્જીન, જીપના પૈડાં અને અન્ય સામગ્રીનો સમાવેશ થતો હતો. આ કબાડી સામાનનો ઉપયોગ તેમણે થ્રી-વ્હિલર ટ્રેક્ટર બનાવવા માટે કર્યો. ભાંજીભાઇએ નાના ખેડૂતો માટે 10 હોર્સપાવરનું એક ટ્રેક્ટર બનાવ્યું જેની કુલ કિંમત 30,000 રૂપિયા થઇ હતી.
આ ટ્રેક્ટરનો સૌ પ્રથમ ઉપયોગ તેમણે તેમના ખેતરમાં કર્યો હતો. તેમનું આ સંશોધન સફળ રહ્યું પરંતુ થોડા સમય પછી જૂના સ્પેરપાર્ટ્સ હોવાથી ટ્રેક્ટર બંધ પડી ગયું એટલે નવા સ્પેરપાર્ટ્સ ખરીદવા માટે તેમને તેમના એક મિત્રએ મદદ કરી અને દિવસ-રાતની મહેનત પછી 10 હોર્સપાવરનું મિની ટ્રેક્ટર તૈયાર કર્યું. ભાંજીભાઇએ આ ટ્રેક્ટરનું નામ વનરાજ આપ્યું હતું. આ ટ્રેક્ટર બનાવવાનો કુલ ખર્ચ અન્ય ટ્રેક્ટરોની તુલાનાએ 50 ટકા એટલે કે 1.60 લાખ રૂપિયા થયો હતો.
ત્રણ પૈડાંનું ટ્રેક્ટર કોઇપણ રિપેર કરી શકે…
વનરાજ ટ્રેક્ટરની ડિઝાઇન ખૂબ સિમ્પલ હતી, કારણ કે જ્યારે કંઇ ખરાબી થાય તો ખેડૂત જાતે તેને રિપેર કરી શકે. વનરાજની ખાસિયત એ હતી કે તેના ફ્રન્ટ એક્સેલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું કે ત્રણ પૈડાંનું ટ્રેક્ટર આસાનીથી ચાર પૈડાંમાં અને ચાર પૈડાંમાંથી ત્રણ પૈડાંમાં ફેરવાઇ શકે. તેઓ માને છે કે ચાર પૈડાંનું ટ્રેક્ટર ખેતરમાં સારૂં કામ આપે છે. જો કે ત્રણ પેડાંનું મોડલ ટ્રાન્સપોર્ટેશનના કામ માટે ઉત્તમ વિકલ્પ છે.
વનરાજને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર અને એન્જીનિયરોએ ટેસ્ટ કર્યું અને તેમણે સફળતાની મહોર લગાવી દીધી. પ્રોફેસરોએ કહ્યું કે આ ટ્રેક્ટરની મદદથી ખેતીના ખર્ચમાં ખૂબ મોટો ઘટાડો થયો છે.
વનરાજનું રજીસ્ટ્રેશન નહીં હોવાથી ધરપકડ થઇ…
ગામના ખેડૂતોએ ભાંજીભાઇ પાસે આવું ટ્રેક્ટર માગ્યું એટલે તેમણે બીજી ટ્રેક્ટરોનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું. તેમની પાસેના ટ્રેક્ટર જેવા બીજા આઠ ટ્રેક્ટર તેમણે બનાવ્યા છે. જો કે 1993માં રીઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરે તેમના ટ્રેકટરને રોકી ભાંજીભાઇની ધરપકડ કરી લીધી હતી, કેમ કે તેમણે તેમના ટ્રેક્ટરને આરટીઓ રજીસ્ટ્રેશન માટે રજૂ કર્યું ન હતું. જો કે ભાંજીભાઇ આવી બાબતોથી અજાણ હતા. આખરે ગામના અન્ય ખેડૂતોએ ભાંજીભાઇ માટે દંડ ભર્યો અને તેમને મુક્ત કરાવ્યા પરંતુ આ ઘટનાએ ભાંજીભાઇના દિમાગમાં ખૂબ ઉંડી ચોટ પહોંચાડી.
તેમણે ટ્રેક્ટરનો ઉપયોગ બંધ કરી દીધો અને ત્યારબાદ તેમણે કોઇપણ ઇનોવેશન માટે વિચારવાનું બંધ કરી દીધું. આ સમયે આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર અનિલ ગુપ્તા જૂનાગઢમાં તેમની શોધયાત્રા માટે આવ્યા હતા. તેમને વનરાજ ટ્રેક્ટર અંગે ખબર પડી તેથી તેમણે આ ટ્રેક્ટરની ટેકનિક સમજી. તેમને લાગ્યું કે હકીકતમાં ખેડૂતોની મુશ્કેલી આસાન કરી શકે તેવું ટ્રેક્ટર છે એટલે તેમણે વનરાજની પેટન્ટ લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
વનરાજની કોપી કરી ઘણાં લોકોએ ટ્રેક્ટર બનાવ્યા…
પ્રોફેસર અનિલ ગુપ્તાના પ્રયાસો પછી 2002માં ભાંજીભાઇને તેમના ટ્રેક્ટરની પેટન્ટ મળી ગઇ તેમ છતાં અત્યાર સુધીમાં કોઇપણ મેન્યુફેક્ચરીંગ કંપનીએ તેમની પેટન્ટને ખરીદી નથી. તેમના પરિવારને લાગ્યું કે અલ્પ સાધનોથી આ ટ્રેક્ટરનું મોટાપાયે ઉત્પાદન શક્ય નથી. આ કામગીરી કોઇ મોટી કંપની કરી શકે છે. અલબત્ત, આ ટ્રેક્ટરની કોપી કીને ઘણાં લોકોએ નવા ટ્રેક્ટર બનાવ્યા છે.
ભાંજીભાઇને ખબર પડી કે મારા ટ્રેક્ટરની કોપી થઇ રહી છે તેથી તેમણે કહ્યું કે મને કોઇ વાંધો નથી. હું તો ઇચ્છું છું કે બીજા લોકો મારી ડિઝાઇન કોપી કરીને દેશભરના ખેડૂતો માટે આવા ટ્રેક્ટર બનાવે. મારો ઉદ્દેશ માત્ર ખેડૂતોની ભલાઇ કરવાનો છે.
ભાંજીભાઇને પ્રોફેસર અનિલ ગુપ્તાનો સાથ મળ્યો…
પ્રોફેસર અનિલ ગુપ્તાના સંપર્કમાં આવ્યા પછી ભાંજીભાઇને તેમના આઇડિયા પર કામ કરવાની પ્રેરણા મળી છે. તેઓ સંશોધન કરતાં હતા તે સમયે રાજસ્થાનમાં તરૂણ ભારત સંઘ દ્વારા જળસંરક્ષણની દિશામાં જે કાર્યો થઇ રહ્યાં છે તેની તેમને ખબર પડી. એ સમયે ગુજરાતમાં પાણીની સમસ્યા વધી રહી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેતી માટે પાણી મળવું દોહ્યલું હતું. સરકારની કોઇ એવી મહત્વકાંક્ષી યોજના પણ ન હતી. સૌરાષ્ટ્રના કેટલાક સેવાભાવી સંગઠનો તે સમયે નદીઓ પર ચેકડેમ બનાવવાનું કામ કરતા હતા પરંતુ તેનો ખર્ચ વધુ આવતો હતો.
માત્ર 10 હજારમાં ચેકડેમ બનાવી કમાલ કરી દીધી…
તેમના ગામમાંથી પસાર થતી ઘરફાડ નદી પર તેમણે માત્ર ચાર દિવસમાં ચાર મજૂરો સાથે મળીને 10,000 રૂપિયાના ખર્ચથી ચેકડેમ બનાવ્યો હતો જે કામયાબ રહ્યો છે. આ ડેમની ડિઝાઇનનો આઇડિયા તેમને એક જૂના રેલવે બ્રીજથી મળ્યો હતો. તેમણે નદીમાં પથ્થરો અને ઇંટોની મદદથી અર્ધ ગોળાકાર સરહદ બનાવી દીધી. જ્યારે આ સરદહ એટલે કે પાળો મજબૂત થયો ત્યારે તેમણે મોટા પથ્થરો લઇને નદીના વહેતા પાણીમાં ચેકડેમ બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે બે પથ્થરોની વચ્ચે થોડી જગ્યા રાખી અને આ જગ્યાને તેમણે માટી, કાંકરા અને સિમેન્ટની મદદથી ભરી દીધી તેથી આ ડેમ વધારે મજબૂત બન્યો.
આઇઆઇટી કાનપુરના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી…
આ નદીમાં વરસાદનું પાણી વહી જતું હતું તેને રોકી રાખ્યું અને સ્ટોર કર્યું. પરિણામ એ આવ્યું કે એ વિસ્તારના ભૂગર્ભ જળ ખૂબ ઉંચા આવ્યા હતા. ગામના કુવાઓ રિચાર્જ થઇ ગયા. નદીની આસપાસના વિસ્તારમાં હરિયાળી વધવા લાગી. ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી પણ જ્યારે મળવા લાગ્યું ત્યારે માંજીભાઇની ખુશીઓનો પાર ન રહ્યો. આ ડેમની સફળતા પછી દક્ષિણ ગુજરાતના વાપી અને રાજસ્થાનના કેટલાક ગામોમાં આ પ્રકારના 25 જેટલા ચેકડેમ બન્યા છે. ભાંજીભાઇની આ ડિઝાઇનને સમજીને તેનો વ્યાપક ઉપયોગ કરવા માટે આઇઆઇટી કાનપુરથી કેટલાક વિદ્યાર્થીઓનું એક ગ્રુપ તેમની પાસે આવ્યું. આ ડેમ ભાંજીભાઇએ કોઇપણ જાતની સરકારી મદદ વિના તૈયાર કર્યો હતો.
નવા આઇડિયાને દેશ-વિદેશે વખાણ્યા, એવોર્ડ આપ્યાં…
નવા નવા આઇડિયા અંગે વિચારતા ભાંજીભાઇને તેમના ઇનોવેશન માટે નેશનલ ફાઉન્ડેશન ઓફ ઇનોવેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. 2002માં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે તેમને સન્માનિત કર્યા હતા. તેમનો પૌત્ર અમિત કહે છે કે મારા દાદાજી માટે આ એક સપનું હતું કે કલામના હાથે તેમનું સન્માન થયું છે. આ સન્માન પછી તેમને એનઆઇએફ દ્વારા 2017માં લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કારથી પણ સન્માનવામાં આવ્યા છે. ભાંજીભાઇ દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી કોમનવેલ્થ સાયન્સ કાઉન્સિલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે. આ સાથે તેઓ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનની રિસર્ચ એડવાઇઝરીના સદસ્ય પણ બન્યા હતા. (સ્ટોરી સ્ત્રોત – બેટર ઇન્ડિયા)